Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

લક્ષ્મીનગર નાલુ - કે.કે.વી.ચોકમાં અન્ડરબ્રીજ બનાવાશે

કે.કે.વી.ચોક વિસ્તારમાં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાત : રાહદારી માટે ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરાશે

રાજકોટ તા.૩૦ : શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા ઠળવી કરવા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં અન્ડર-ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે.

જે અન્વેય આગામી વર્ષમાં લક્ષ્મીનગર, કાલાવડ રોડ-કે.કે.વી ચોક વિસ્તારમાં અન્ડરબ્રિજની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક વિસ્તારમાં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ નડતરૂપ મિલકતોની કપાત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષમાં વોર્ડ નં.-૮માં નાનામવા મેઇન રોડ પર લક્ષ્મીનગર પાસે આવેલ અન્ડરપાસ ને બદલે ટ્રાફીકની સુવ્યવસ્થિત રીતે અવર-જવર થઇ શકે, તે હેતુસર અન્ડર બ્રીજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ માટે આગામી નાણાંકિય વર્ષમાં રૂ.૧૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ રાખવામાં આવેલ છે.

કાલાવડ રોડ અંડર બ્રીજ

કાલાવડ રોડ / ૧૫૦ ફુટ રીંગ રોડ પર શહેરનાં પશ્યિમ તરફનાં સતત વિકાસ પામતાં વિસ્તારોને કારણે ટ્રાફીકની સમસ્યા વધવા પામી છે. વધુમાં, કાલાવડ રોડ / ૧૫૦ ફુટ રીંગ રોડ જંકશન ઉપર ૧૫૦ ફુટ રીંગ રોડ ઓવર બ્રીજ આવેલ છે. કાલાવડ રોડ પર ટ્રાફીક ઉતર-દક્ષિણ તરફ ટ્રાફીકને કારણે ટ્રાફીકનો પ્રશ્ન રહેતો હોય, આ જંકશન ઉપર અન્ડર બ્રીજ બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ છે. કન્સલ્ટન્ટશ્રીનો રીપોર્ટ રજુ થયે અંન્ડર બ્રીજનાં બાંધકામ અંગે આગળની પ્રક્રિયા કરવામાં આવશે. આ કામે અંદાજીત ખર્ચ રૂ.૧૮.૦૦ કરોડ થવાની શકયતા છે.

પેડેસ્ટ્રિયન ક્રોસિંગ લાઇટિંગ

શહેરના વિવિધ માર્ગો પર જુદી જુદી ૪૫ જગ્યાએ રાહદારીઓની સુરક્ષા – સલામતીને ધ્યાનમાં રાખી ખાસ ટ્રાફિક સિગ્નલ કાર્યરત્ત કરવામાં આવશે.

જ્યારે સાંઢિયા પુલનું વિસ્તૃતિકરણ, સિવિલ હોસ્પિટલ ચોકમાં ફલાયઓવર બ્રીજ, સોરઠિયાવાડી ચોકમાં ફલાયઓવર બ્રીજની કાર્યવાહી હાથ ધરાશે.

(4:35 pm IST)