Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

એકલા હાથે તાળી ન પડેઃ નાગરિકોની ભાગીદારી જરૂરીઃ બંછાનિધી પાની

પાણી વેરા વધારા સહિતના કરબોજો જરૂરીઃ સ્માર્ટ લીવેબલ અને સસ્ટેનેબલ સીટીની થીમ ઉપર બજેટ બનાવ્યું છેઃ મ્યુ. કમિશ્નરનું ઉદ્બોધન

રાજકોટ તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું ૧૭.૨૭ અબજનાં બજેટમાં ૪૪ કરોડનો કરબોજો લાદવો જરૂરી હોવાની સ્પષ્ટતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ બજેટ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી.

શ્રી પાનીએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાએ ગત સાલ 'ઉદયમાન શહેર' એટલે કે RESURGENT CITY ની કલ્પનાને મૂર્તિમંત કરવાની અભિલાષા સાથે શહેરમાં વિકાસલક્ષી પરિવર્તન થાય એ દિશામાં કૂચનો પ્રારંભ કર્યો હતો. હવે આ કૂચ નિર્ણાયક વળાંક ભણી આગળ ધપી રહી છે. આ વખતનાં બજેટની થીમ 'સ્માર્ટ, લીવેબલ અને સસ્ટેનેબલ' રહેશે. કેન્દ્ર સરકારશ્રીના ઙ્કસ્માર્ટ સિટી મિશનઙ્ખમાં રાજકોટની ત્રીજા તબક્કામાં પસંદગી થતા મહાનગરપાલિકાને નવા બળ અને ઉત્સાહ પ્રાપ્ત થયા છે. સ્વાભાવિકરીતે જ સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને કેન્દ્ર અને રાજય સરકારશ્રી પાસેથી પણ વધારાનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતો હોઈ રાજકોટની પ્રગતિને હવે પૂરક ગતિ પ્રદાન થશે. 'સ્માર્ટ સિટી મિશન'માં રાજકોટનો સમાવેશ થતા જ કેન્દ્ર તરફથી તાત્કાલિક ધોરણે રૂ. ૧૯૪ કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજુરી આપી હતી. સ્માર્ટ સિટી મિશન હેઠળના પ્રોજેકટના અમલીકરણ માટે મહાનગરપાલિકાએ રચેલી 'રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ' ને પણ કેન્દ્રના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે રજિસ્ટર્ડ કરી આપેલ છે. હવે આ કંપનીના નેતૃત્વ હેઠળ વિકાસલક્ષી પ્રોજેકટ્સનો સિલસિલો ક્રમશૅં આગળ ધપતો રહેશે.

 

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુના આ શબ્દો ઈન્ફોર્મેશન ટેકનોલોજીના વર્તમાન મોડર્ન યુગમાં પણ અસરકારક અને પ્રસ્તુત પૂરવાર થઇ રહયા છે. એકલા હાથે કયારેય તાળી પડતી નથી. કોઇપણ નવા પરિવર્તન માટે સરકારશ્રીના સહયોગની સાથોસાથ શહેરના નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે. માત્ર એટલું જ નહી દરેક નાગરિકે પોતાનાથી જ નવા પરિવર્તનનો પ્રારંભ કરવો પડશે. રાજકોટ શહેર વિકાસની નવી નવી ઉંચાઈઓ ત્યારે જ સર કરી શકશે જયારે સરકારશ્રી અને વહીવટી તંત્રને 'સૌનો સાથ' પ્રાપ્ત થાય.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજ પત્રમાં દરેક શહેરીજનને પ્રગતિની પ્રતીતિ અને અનુભૂતિ થાય તેવું વિકાસલક્ષી આયોજન કરવા રાજકોટ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૭૨૭.૫૭ કરોડનું બજેટ પ્રસ્તુત કરવાનું મને જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો ખુબ આનંદ છે.

હું એવું માનું છું કે, સૌરાષ્ટ્રના પાટનગર જેવી ભૂમિકા ભજવી રહેલ રાજકોટ આજે આ વર્તુળના સીમાડા વટાવી કયાંય દુર પહોંચી ગયું છે. આપ સૌ વાકેફ છો કે, રાજકોટ મહાનગરપાલિકાએ શહેરને પ્રગતિશીલ બનાવવા જે પ્રકારે પ્રયાસો કર્યા છે તેના પરિણામે રાજકોટ માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતમાં જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય નકશા ઉપર પણ પોતાની એક નવી ઓળખ અને પ્રતિષ્ઠા ઉભી કરી શકયું છે. રાજકોટની ભૂમિકાનું ફલક વિસ્તર્યું છે, અને તેની જવાબદારીઓ પણ વધી છે તો બીજી તરફ લોકોની અપેક્ષાઓમાં પણ ઉતરોત્ત્।ર વધારો થઇ રહયો છે. રાજકોટ શહેરે સેવેલી RESURGENT CITY (ઉદયમાન શહેર) તરીકેની કલ્પના ક્રમશૅં સાકાર થતી જોઈ શકીએ છીએ.

રાજકોટ મહાનગરપાલિકા SMART CITY પ્રોજેકટના માધ્યમથી રાજકોટને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ શહેરની આધુનિક સુવિધાઓનું માળખું પણ વધુ ને વધુ મજબુત બનાવી શકાશે. મૂળભૂત સેવાઓ-સુવિધાઓનું માળખું મજબુત ના હોય તો અન્ય આધુનિક સેવાઓ-સુવિધાઓ આલોચનાત્મક સમીક્ષાનો વિષય બની જાય છે. આ બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવવો એક પડકાર છે. જોકે માત્ર આ કારણસર જ મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ નવી સેવાઓ-સુવિધાઓ માટે ઇન્તજાર કરતા રહેવું એ પણ ઉચિત નથી જણાતું.

રાજકોટ શહેરને RESURGENT, SUSTAINABLE અને INCLUSIVE બનાવવા માટે સમયોચિત પરિવર્તન અપનાવવાની તૈયારી સાથે મહાનગરપાલિકા આગળ ધપી રહી છે. 'રંગીલું રાજકોટ' પોતાની સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ બરકરાર રાખવાની સાથે એક એવું આધુનિક શહેર બને કે જયાં સૌની અપેક્ષા અને આકાંક્ષા ઓછા વધતા અંશે પણ સંતોષાતી હોય તેવી રાજકોટ મહાનગરપાલિકાની મહેચ્છા છે. રાજકોટના લોકોના જીવનમાં ઉત્કર્ષની નવી આશાનો સંચાર થાય અને પ્રગતિનાં નવા નવા દ્વાર ખુલે તેવો અભિગમ અપનાવવા તંત્ર ઇચ્છુક છે.

જેમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા નગરસેવકોના સહિયારા પ્રયાસોથી પ્રત્યેક નાગરિક 'આ શહેર મારૂ છે અને તેના વિકાસમાં મારૂ યોગદાન પણ જરૂરી છે' એવી લાગણી જન્માવી શકશે તેવી શ્રધ્ધા છે. રાજકોટ શહેરની વિકાસગાથાને આગળ ધપાવવા સહભાગી થતા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, પ્રબુદ્ઘ નગરજનો, પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ તથા સર્વે નગરજનોનો આ તકે આભાર વ્યકત કરૂ છુ. રાજકોટ મહાનગરપાલિકા આપણા શહેરને વિકાસના ક્ષેત્રમાં નમૂનેદાર અને અગ્રેસર બનાવવાની અપેક્ષા સાથે બજેટ ૨૦૧૮-૧૯ની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ સાદર રજુ કરવામાં આવે છે.

(4:33 pm IST)