Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

રાષ્ટ્રપતિ ભવનઃ ૩૪૦ ઓરડા, ૭૫૦ વ્યકિતનો સ્ટાફ!

ગરીબ દેશના પ્રથમ નાગરિકની જાહોજલાલીઃ લાઇટબીલ રૂ.૭ કરોડ...: બે લાખ ચોરસ કિ.મી.માં ભવન પથરાયેલું છેઃ અમેરિકી પ્રમુખના નિવાસ કરતા ચાર ગણુ મોટું છેઃ ૧૫ એકર જમીન પર બગીચાઃ ૨૩૦૦૦ કામદારોએ ૧૮ વર્ષે ભવન નિર્માણ કર્યુ હતું: ભવનની જાળવણીનો ખર્ચ કરોડો રૂપિયા

રાજકોટ તા.૩૦: જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ વાચકોને રાષ્ટ્રપતિ ભવન અંગેની માહિતી આપતા જણાવે છે કે દેશના કરોડો લોકોને પેટ ભરવા ખાવાનું મળતુ નથી કે રહેવા ઝુંપડું નથી ત્યારે આપણા દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિશ્રી જયાં નિવાસસ્થાન કરે છે ને અન્ય રાષ્ટ્રપતિ ભવનની વિશાળતાને ભવ્યતાની જાણવા જેવી ઓછી જાણીતી હકીકતો.

હકીકતો જાણી પ્રશ્ન ઉભો થાય છે કે આપણા દેશને મહેલ શબ્દ પણ નાનો પડે એવુ આ રાષ્ટ્રપતિ ભવન અને તેનુ લખલુંટ જાળવણી ખર્ચ વ્યાજબી બાબત છે?

આઝાદી પૂર્વે બ્રિટીશ શાસકોએ ૧૯૧૧ માં રાજધાની કલકતાથી દિલ્હી ફેરવવાનો નિર્ણય કરેલ ને દિલ્હીમાં બ્રિટીશ વાઇસરોય માટે ભવ્ય નિવાસસ્થાન બનાવવા નિર્ણય કરેલ અને આ ભવ્ય નિવાસસ્થાનની બ્રિટીશ આર્કીટેક શ્રી એડવીન બ્યુટેન્સ ત્થા શ્રી હર્બટ બેકરને જવાબદારી સોંપેલ તેમને જે ભવ્ય બિલ્ડીંગ બાંધેલ એ આજનું આપણું રાષ્ટ્રપતિ ભવન.

આ ભવન દિલ્હીની રાયસન હીલ નામના વિસ્તારમાં આવેલ છે. આ ભવનનું બાંધકામ દેશના વિવિધ પ્રાંતના સુંદર કલરવાળા મજબુત પથ્થરોથી થયેલ છે. આ પથ્થરો દિલ્હી લાવવા ખાસ રેલ્વે લાઇન પાથરવામાં આવેલ. ભવનનું બાંધકામ ૧૯૧૩માં શરૂ થયેલ અને ૧૯૩૧માં અઢાર વર્ષ બાદ પુર્ણ થયેલ. આ ભવન બે લાખ ચો.કિ.મી.ની વિશાળ જગ્યામાં પથરાયેલ છે. આ ભવનના બાંધકામ માટે ત્રેવીસ હજાર કામદારોએ અઢાર વર્ષ સુધી પરસેવો પાડેલ. આ બાંધકામમાં ત્રીસ લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થયેલ છે. નંગના હિસાબે અંદાજે સીતેર કરોડ પથ્થરો થાય છે. તે સમયે આ ભવ્ય ભવનના બાંધકામ પાછળ ૧૪૦ કરોડ રૂપિયા ખર્ચ કરેલ.

આ ભવનમાં જુદા જુદા પ્રકારના ૩૪૦ ઓરડા (કમરા) છે એક અંદાજ મુજબ આ ઓરડા જોવા સતત ચાર કલાક ચાલવું પડે. આ ભવનમાં મોટા શહેરમાં મળતી તમામ સગવડતા ઉભી કરવામાં આવેલ છે.

પ્રથમ આ બિલ્ડીંગનું નામ ''ગવર્મેન્ટ હાઉસ'' હતું જે ૧૯૫૧માં બદલી ''રાષ્ટ્રપતિ ભવન'' રાખવામાં આવેલ છે.

આ ભવનની દેખભાળ માટે બે હજારનો તમામ પ્રકારનો સ્ટાફ પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રપતિશ્રી અને તેમના કુટુંબ માટે ફરજ બજાવે છે.

વિશ્વના અનેક મોટા સમૃધ્ધને તાકાતવાળા દેશના વડાઓના નિવાસસ્થાન કરતાં આપણું રાષ્ટ્રપતિ ભવન વિશાળ છે. અમેરીકાના પ્રમુખના નિવાસસ્થાન કરતાં આપણું રાષ્ટ્રપતિ ભવન ચાર ગણું મોટું છે.

આ ભવનનો સૌથી જાણીતો હોલ ''અશોક હોલ'' છે. ૧૦૫ ફુટ લાંબો અને ૬૫ ફુટ પહોળો છે. જેમાં મહત્વના પ્રસંગો યોજવામાં આવે છે. આ હોલમાં ૬૮૨૫ ફુટની એક ખાસ જાજમ પાથરેલ છે જે ત્યાં જ બનાવવામાં આવેલ. આ હોલની છતમાં પર્શિયન શૈલીનાં ચિત્રો દોરેલા છે. આ ભવનની બરાબર કેન્દ્રમાં આવેલ ટોચ (ગુંબજ) તેની આગવી ઓળખ છે જેમાં રોમના પુરાતન બાંધકામો સાંચીના સ્તુપ ઉપરથી પ્રેરણા લઇ આ ગુંબજ બનેલ છે. ભવનના પગથીયાથી ૫૦ મીટર ઉંચાઇ પહોંચતા ગુંબજ ઉપર આપણો ત્રિરંગો લહેરાતો જોવા મળે છે. ભવનના આંગણામાં એક ૧૪૫ ફુટ ઉંચો સ્થંભ છે જે ''જયપુર કોલમ''તરીકે ઓળખાય છે. આ સ્થંભ જયપુરના મહારાજા શ્રી માધોસિંહે બનાવી આપેલ છે. આ સ્થંભ વચ્ચે સ્ટીલ ટયુબ છે જે પાંચ ટન કમળનું વજન ઉંચકે છે. કમળ પર છ ખુણા ધરાવતો સ્ટાર છે ભવનની અગળના ભાગમાં એક પણ બારી નથી. આ ભવનમાં દુરથી દેખાતા ૨૨૭ થાંભલા છે. વિદેશી મહેમાનો માટે જે ખંડનો ઉપયોગ થાય છે તે ખંડનું નામ 'નોર્થ ડ્રોઇંગ' રૂમ છે. આ ખંડમાં બે ભવ્ય ચિત્રો છે એક ભારતનું સતા હસ્તાંતરીત અને બીજું દેશના પ્રથમ ગર્વનર જનરલ સી. રાજગોપાલાચારીની શપથવિધિનું  છે. રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનની ગણતરી વિશ્વના બેસ્ટ ગાર્ડનમાં થાય છે. એક મુખ્ય ગાર્ડન સિવાય બીજો ટેરેસ ગાર્ડન છે. આ તમામ ગાર્ડન ૧૫ એકરમાં ફેલાયેલા છે જેમાં વિશ્વના ઉત્તમ પ્રકારના ફુલ ઝાડ આવેલા છે.

ભવનમાં પર્યાવરણ અંગે ખાસ કાળજી રાખેલ છે. એક વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ બનાવેલ છે જેના મારફત ખાતર અને બાયોગેસ પેદા કરવામાં આવે છે. અહીં વપરાતું પાણી પણ રીસાઇકલ કરીને વાપરવામાં આવે છે. ભવન ઉપરની વિવિધ છતનું પાણી નીચે કુવામાં ઉતારવામાં આવે છે.

દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સિવાય હૈદરાબાદના નિઝામે સિંકદરાબાદ પાસે બોલારામ ખાતે એક ૧૮ ખંડનો મહેલ બનાવેલ તે પણ આઝાદી બાદ સરકારે હસ્તગત કરી માત્ર રાષ્ટ્રપતિ માટે અનામત રાખેલ છે. જેનો રાષ્ટ્રપતિ કયારેક ઉપયોગ કરે છે. જેની જાળવણીનો કરોડોનો ખર્ચ સરકાર ભોગવે છે. સીમલા પાસે એક ૧૦૬૨૮ ચો.ફુટમાં આવેલ મીની પેલેસ પણ રાષ્ટ્રપતિ માટે અનામત છે. જે રાષ્ટ્રપતિશ્રી ઉનાળામાં કયારેક રોકાવા આવે છે જેની જાળવણી ખર્ચ પણ કરોડોમાં છે તે પણ પ્રજા ભોગવે છે.

રાષ્ટ્રપતિ ભવનની ઉપરોકત વિગતો વાંચકો સમક્ષ રજુ કરવા પાછળ અમારી સંસ્થાનો ઉદેશને હેતુ એવો છે કે આપણા દેશને આવુ ભવન નિભાવવું યોગ્ય છે? આ ભવનમાં નિવાસસ્થાન કરતાં પ્રથમ નાગરિકને રાષ્ટ્રપતિને ગરીબ દેશના પ્રતિનિધિ કેમ ગણવા કે મહારાજા-બાદશાહ ગણવા ? તે અંગે બુધ્ધીજીવી જાગૃત વાંચકો મનન કરી પ્રજાહિતમાં અવાજ ઉઠાવવા જન જાગૃતિ માટે રાષ્ટ્રપતિ ભવનની આ હકીકતો રજુ કરેલ છે.

:સંકલનઃ

તખ્તસિંહ (તખુભા રાઠોડ)

મો.નં.૯૮૨૪૨ ૧૬૧૩૦-રાજકોટ

(4:33 pm IST)