Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર પ્રભુદાસભાઇના મોટા પુત્રી અને પ્રખર ગાંધીવાદી હિંમતભાઇ ગોડાના ધર્મપત્ની ઇંદિરાબેને આજીવન ગાંધી વિચારોનું સિંચન કર્યું

મહાત્મા ગાંધી પરિવારના દિકરી ઇંદિરાબેનનો દેહ વિલય

સદ્દગત ઇંદિરાબેનની પ્રાર્થનાસભા ગુરૂવારે સવારે રાષ્ટ્રીય શાળા ખાતે યોજાશે

રાજકોટ તા. ૩૦ : ગાંધી આશ્રમોનાં બાળપણ વડે સંસ્કારોથી સંચિત થયેલા તથા સ્વાતંત્ર સેનાની અને ગાંધી પરિવારના સભ્ય સ્વ.પ્રભુદાસ છગનલાલ ગાંધીના મોટા પૂત્રી ઇંદિરાબેન હિંમતભાઇ ગોડાનો દેહ વિલય રાષ્ટ્રીયશાળા રાજકોટ ખાતે તા.ર૮ જાન્યુઆરી એ થતા ગાંધી વિચારથી પ્રેરીત આદર્શ મહીલાની દેશને ખોટ પડી છે.

ઇંદિરાબેનની બાલ્યાવસ્થા તથા કોલેજનો અભ્યાસ ગાંધી વિચારથી પ્રભાવિત વિવિધ ખાદી સંસ્થાઓ, લોકભારતી સણોસરા તથા કડવીબાઇ કન્યા વિદ્યાલયમાં થયો હતો. તેઓ પોતાના પતિ હિંમતભાઇ ગોંડા સાથે લોકશાળા ખડસલી (સાવરકુંડલા), તેમજ જુનાગઢ જિલ્લામાં સહકારી ખેતીનો પ્રયોગ તથા ગ્રામ સ્વરાજ મંડળ પારડી અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતીની ખાદી અને સર્વોદય તથા ઉત્તર બુનિયાદી કેળવણી અને ગ્રામ વિકાસ પ્રવૃતિઓના સાક્ષી અને ભાગીદાર રહ્યા હતા.

તેમણે પોતાનું જીવન ગાંધિવિચારોથી સીંચિત રાખ્યું હતું અને અનેક ખાદી કાર્યકરોને પોતાના વાસ્તવિક ગાંધીવાદી જીવનથી પ્રેરણા આપી હતી.

'' ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર પ્રભુદાસભાઇ ગાંધીના દીકરી એટલે ઇંદિરાબેન અને તેમના પતિ એટલે હિંમતભાઇ ગોડા. બન્નેનો જન્મ એક જ વર્ષે અર્થાત ૧૯૩પમાં થયોહતો હિમાલયની તળેટી પાસેના ગામ હુલડીયામા ઇંદિરાબેનનો જન્મ થયો હતો. તેમના પિતા પ્રભુદાસભાઇએ ગાંધીજીને વચન આપ્યું હતું કે તેઓ આજીવન ગામડામાં જ રહીને સેવા કરશે અને તે તેમણે પાળ્યું''

ઇંદિરાબેન નાના હતા ત્યારે પિતા પ્રભુદાસભાઇ બરેલી જેલમાં હતા. તેથી ગાંધીજીએ ઇંદિરાબેનની માતા અંબા ગાંધીને સૂચવ્યું કે તેઓ તેમના ત્રણ સંતાનો સાથે ઓખલામાં એક છાત્રાલય છે ત્યાં રહે. ત્યાંના રાષ્ટ્રીય વાતાવરણ, પ્રાર્થના સાદાઇ, શ્રમ વગેરેની વચ્ચે ઇંદિરાબેનનું જીવન ઘડાયું હતું.

ઇંદિરાબેનની માતાને નાનપણથી ગાંધી વિચારધારાનો પરિચય હતો જે પછી પ્રભુદાસભાઇ સાથે રહીને વિસ્તાર પામેલ હતી. ઓખલા આશ્રમમાં બાળકો પાસે ખેતીના, રેંટિયોના, સ્વચ્છતા એવા જાતજાતના પ્રયોગો કરાવાતા હતા. ઇંદિરાબેનના જીવનમાં પણ આશ્રમજીવન વણાયું હતું.ઇંદિરાબેનનું શિક્ષણ નાનાભાઇ ભટ્ટની લોકભારતીમાં થયું ત્યાં હિમંતભાઇ પણ શિક્ષણ લીધુ હતું.

હિંમતભાઇનો જન્મ સાવરકુંડલાના નેસરી ગામમાં થયો હતો ઇંદિરાબેન અને હિંમતભાઇનું મિલન  લોકભારતીમાં થયું હતું તેઓના લગ્ન વડીલોની સંમતિથી થયેલા પ્રેમલગ્ન હતા હિંમતભાઇને વિગતે પુછતા કહે છે, ''અમારા લગ્નમાં કાકાસાહેબે હાજર રહેવાનું વચન આપ્યું હતું પણ શરત મૂકી હતી કે જો આશ્રમવિધિ પ્રમાણે કરો તો જ. અમે માન્ય રાખી હતી. આશ્રમમાં લગ્નના દિવસે સવારે વહેલા ઉઠી ગ્રામસફાઇ કરવાની પછી ગૌસેવા જેમાં છાણ, વાસીદું વગેરે કામ કરવાના ત્યારબાદ નાહીધોઇને કાંતવા બેસવાનું અને કંતાઇ જાય પછી જ લગ્ન કરવાના ઇંદિરાજીનું પાનેતર એટલે એમના દાદીએજ કાંતેલું હતું, તેને ગામના વણકરે વણ્યું અને એ ધોયા વગરની જાડી સાડી એટલે પાનેતર ખૂબ જ સાદાઇથી લગ્ન થયા હતા, જીવનના દૃઢ સંસ્કાર પણ એવા હતા કે પછી જીવન પણ સાદાઇથી જ જીવ્યા ગામડામાં શિક્ષક તરીકે ખેતી કરી, હરિજન સેવા, પાણીના પ્રશ્નો જેવા અનેક કાર્યો કર્યા હતા ખાસ કરીને ગામડામાં ફરી-ફરીને અંદાજે ૩૦,૦૦૦ જેટલા શૌચાલયો ઉભા કર્યા હતા એમાં થોડીક સરકાર સહાય કરે, થોડીક સંસ્થાની મદદથી આર્થિક આધાર મળી રહેતો હતો. આ શૌચાલયો બંધાવતી વખતે ઓછા પાણીથી સાફ થઇ શકે એવા ખાસ પ્રશ્નોને ધ્યાનમાં રખાતા, દરેકના ઘરે અમે અંગત રીતે જતા કારણ જયારે સમુહની વાત આવે એટલે બધા જ એકબીજા પર જવાબદરી નાખી દે, તેથી વ્યકિતગત સમજાવવા પડે અને સ્વચ્છતા રાખવા સમજાવવા પડતા હતા.''  વાત કરતા-કરતા ઇંદિરાબેન કહે છેકે ''સ્વચ્છતાના અને એટલા આગ્રહી હતા કે ટ્રેનમાં શૌચાલયો પણ સાફ કર્યા છે.''ગામડામાં પોતે સાફ-સફાઇ કરી લોકોની સામે ઉદાહરણ પુરૂ પાડતા હતા શ્રમનું કોઇકામ કરવામાં એ કયારેય ખચકાટ નથી અનુભવ્યો શ્રમનો પાઠ અમે ગાંધીવિચારોમાંથી બરાબર આચરણમાં મુકતા શીખ્યા હતા.

આ દંપતીનું જીવન એક આદર્શ છે. પુસ્તકમાં મુકેલા શબ્દોનો આ સાક્ષાત્કાર છે. ગાંધીજીને સમજવાનો અને પાવમાનો આ એક મારગ હતો. પ્રભુદાસ  ગાંધીનું જીવન તેમની સામે આદર્શરૂપ હતું તેઓએ જે ગામડામાં સેવા કરી તેમાં સૌરાષ્ટ્રની પાણીની અછતના ઉકેલ રૂપે ર૦૦૦ જેટા નાના-મોટા ડેમો  બનાવવાનું પાણીના તળ ઉંચા લાવવા માટેનું ગામડામાં આબાદી  વધે એવા કાર્યો કર્યા હતા. તેઓનુ઼ મુખ્ય ધ્યેય હતું-ગામડાના લોકોને પગભર બનાવી, ત્યાં ટકાવી રાખવા સતત કાર્યનો વળગી રહી ગાંધી વિચારોનું આજીવન સિંચનકરનાર  સ્વ. ઇંદિરાબેનની સાદગી અને સર્વના વિકાસના પડઘા હજુ ગુંજયા કરે છે.

સદ્દગત ઇંદિરાબેન હિંમતભાઇ ગોડાની પ્રાર્થના સભા ગુરૂવારે સવાર રાષ્ટ્રીય શાળા ખાતે  યોજાશે

રાજકોટઃ હિંમતભાઇ મોનજી ગોડા (સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તથા ખાદી ભવન) ના પત્ની ઇંદિરાબેન ગોડા ઉ.વ.૮૪, તે યોગેશ ગોડા, સુધાંશું ગોડા, સુરભી જનાણીના માતુશ્રીનું તા.ર૮ ના અવસાન થયું છે તેમની પ્રાર્થનાસભા તા.૧, ગુરૂવારે સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ રાષ્ટ્રીયશાળા મધ્યસ્થખંડ રાજકોટ ખાતે રાખી છે.

બાળપણમાં ઇંદિરાબેનને ગાંધીજીના વસ્ત્રોની પ્રસાદીરૂપે છઠ્ઠિયું પહેરાવાયું હતું

રાજકોટઃ ગાંધી પરિવારના દિકરી ઇંદિરાબેનને બાળપણમાં પૂ. ગાંધીજીના વસ્ત્રોમાંથી બનાવેલ છઠ્ઠિયું (ઝબલુ) પહેરાવવામાં આવેલ તેવી નોંધ તેમના જીવન ચરિત્રપર આધારિત પુસ્તકમાં છે.

હીંમતભાઇ અને ઇંદિરાબેને ગામડે-ગામડે ફરીને શૌચાલયો-ચેકડેમો બનાવડાવ્યા

રાજકોટઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પરિવારના પુત્રી એવા ઇંદિરાબેન ગોંડા અને તેમના પતિ હીંમતભાઇ ગૌડાએ ગાંધી વિચારધારા સાથે જોડાઇ અને સ્વચ્છતા અને સેવાના અનેક કાર્યો કરેલા તેઓએ ગામડે-ગામડે ફરીને ૩૦,૦૦૦ જેટલા શૌચાલયો બનાવડાવ્યા ત્થા ર૦૦૦ ચેક ડેમોના નિર્માણ કરાવવ્યા હતા.(૬.

(2:21 pm IST)