Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કોરોના ભૂલાયો ?

છેલ્લા બે મહિનામાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ૮૭ હજાર લોકોએ મુલાકાત લીધી

૧૭ માર્ચથી ૧૯ ઓકટોબર સુધી ઝૂ બંધ રહ્યું : ર૦ ઓકટોબરથી ર૮ ડિસેમ્બર સુધીમાં તંત્રને પ્રધ્યુમન પાર્કની રૂ. ર૧.૭૪ લાખની આવક

રાજકોટ, તા. ર૯ : શહેરની ભાગોળે લાલપરી તળાવના કિનારે આવેલ કુદરતી સૌંદર્યની ભરપુર એવા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં છેલ્લા બે મહિનામાં ૮૭ હજાર મુલાકાતીઓએ મુલાકાત લેતા તંત્રને રૂ. ર૧.૭પ લાખની આવક થવા પામી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ઓકટોબર માસમાં કેન્દ્ર સરકાર જે તે શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોઇને બગીચા પાર્ક, ઝૂ મ્યુઝિયમ વગેરે ખુલ્લા મુકવાની છુટછાટ આપતી ગાઇડલાઇન પ્રસિધ્ધ કરતા રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર હરવા ફરવાના જાહેર સ્થળો ખોલવાના નિર્ણય લેવાયા હતા. જે અનુસંધાને ર૦ ઓકટોબરની શહેરના રમણિક સ્થળ પ્રદ્યુમન પાર્ક ઝૂ પણ મુલાકાતીઓ માટે ખોલી નાંખવામાં આવ્યું હતું. ત્યારે આજદિન સુધીમાં ૮૭ હજાર મુલાકાતીઓએ મુલાકાત લઇ ઝૂ નાં પ્રાણીઓ, પક્ષીઓ અને કુદરતી સૌંદર્ય નિહાળ્યું હતું. તંત્રને રૂ. ર૧.૭૪ લાખની આવક થવા પામી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોનાના કારણે પ્રધ્યુમન પાર્ક ઝૂ ૧૭ માર્ચથી ૧૯ ઓકટોબર સુધી બંધ રહ્યું હતું.

(3:41 pm IST)