Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

એઇમ્સના ખાતમુહૂર્ત સંદર્ભે રાજ્યભરમાંથી મહેમાનો આવશે

કલેકટર તંત્રે ધારાસભ્યો - સાંસદો, IMAના ટોપ મોસ્ટ હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર-મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસો., સિવિલ હોસ્પિટલ - જિલ્લા પંચાયતના ડોકટરોને બોલાવાશે : ૨૦૦ નહી પણ ૫૦૦ આસપાસ મહેમાનો થવાની શકયતા : કાર્યક્રમ સ્થળે એક છોડી એક ખુરશી ગોઠવાશે : ૪ સ્થળે સેનેટાઇઝર - માસ્કની વ્યવસ્થા રખાશે : ત્રણ મોટા સ્ક્રીન મૂકાશે : મહેમાનો માટે ખંઢેરીથી એઇમ્સ અથવા તો પરાપીપળીયાથી એઇમ્સ સુધીનો રસ્તો ફાઇનલ કરાયો : કાલે પોલીસ તંત્ર કહે તે પ્રમાણે રૂટ ફાઇનલ થશે : રાજ્યપાલ આવે તેવી શકયતા, નહી આવે તો વર્ચ્યુઅલ જોડાશે : મહેમાનો માટે સરકીટ હાઉસ, ૪ ખાનગી હોટલો બુક કરાઇ DSO પૂજા બરંડાને જવાબદારી

રાજકોટ તા. ૨૯ : રાજકોટને ફાળવાયેલ એઇમ્સનું ગુરૂવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત સવારે ૧૦ વાગ્યે ગોઠવાયું છે અને આવડો મોટો કાર્યક્રમ હોય મહેમાનોને આમંત્રણ અને અન્ય તૈયારીઓ સંદર્ભે કલેકટર તંત્ર ઉંધા માથે થઇ ગયું છે.

કલેકટર કચેરીના ટોચ લેવલના અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે એઇમ્સના તા. ૩૧ના રોજ યોજાનારા ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યભરમાં મહેમાનો આવવાની તૈયારી કરી લેવાઇ છે, લીસ્ટ સાંજ સુધીમાં ફાઇનલ થઇ જશે, તમામ સાંસદો, ધારાસભ્યો, ઇન્ડીયન મેડીકલ એસો.ના રાજકોટ તથા ગુજરાતના ટોપ મોસ્ટ હોદ્દેદારો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, શાપર-વેરાવળ એસો., મેટોડા-આજી ઇન્ડસ્ટ્રીયલ એસો., સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન, આરએમઓ, મેડીકલ કોલેજના ડીન, અન્ય અગ્રગણ્ય ડોકટરો, નર્સીંગ સ્ટાફ, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી તથા અન્ય અગ્રણી ડોકટરોને અને જિલ્લાના તમામ હાઇ લેવલ અધિકારીઓને ખાસ આમંત્રણ અપાશે, તંત્રે ગઇકાલે મીટીંગમાં એઇમ્સના ખાતમુહૂર્ત સ્થળે ૨૦૦થી વધુ મહેમાનો નહી એવો ભલે નિર્ણય કર્યો, પરંતુ ૫૦૦ આસપાસ મહેમાનો થશે અને તે પ્રમાણે તૈયારીઓ કરી લેવાઇ હોવાનું અને આમંત્રણ કાર્ડ પણ સાંજ સુધીમાં છપાઇ જાય તેવી સૂચના આવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

ખાતમુહૂર્ત સ્થળે ૧૦૮, અન્ય એમ્બ્યુલન્સ વાન, ફાયરબ્રિગેડ તથા અન્ય ડોકટરોની ટીમ અને નાની એવી હોસ્પિટલ પણ ખાસ બનાવાશે.

કાર્યક્રમ સ્થળે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત સંદર્ભે ત્રણ મોટા સ્ક્રીન રખાશે, આ ઉપરાંત ૪ સ્થળે સેનેટાઇઝર - વધારાના માસ્કની પણ ખાસ વ્યવસ્થા રહેશે.

કાર્યક્રમ સ્થળે મહેમાનોને જવા માટે બે રૂટ હાલ ફાઇનલ કરાયા છે, જેમાં ખંઢેરીથી એઇમ્સ તો પરાપીપળીયાથી એઇમ્સ સુધીનો રસ્તો છે, હાલ આ બંને રસ્તા કાચા છે, જે યુધ્ધના ધોરણે બની રહ્યા છે, અને કાલ સાંજ સુધીમાં આ બંને રસ્તા બની ગયા બાદ પોલીસ તંત્ર આ રૂટ ફાઇનલ કરી કલેકટર તંત્રને જણાવી દેશે. સાધનોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ પણ સંભવતઃ આવે તેવી શકયતા છે, જો તેઓ નહિ આવે તો વર્ચ્યુઅલ રીતે સીધા જોડાઇ જશે. રાજકોટમાં બહારથી થોકબંધ મહેમાનો આવી રહ્યા હોય તેમના માટે સરકીટ હાઉસ અને અન્ય ૩ થી ૪ હોટલો બુક કરી લેવાઇ છે, મહેમાનોના ઉતારા - જમવા અંગેની વ્યવસ્થાની જવાબદારી ડીએસઓશ્રી પુજા બરંડા કરી રહ્યા છે.

કાર્યક્રમ સ્થળે મહેમાનો માટે એક છોડી એક ખુરશી ગોઠવવા સૂચના અપાઇ છે, પ્રેસ - મીડીયા માટે સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહીલ કાર્યવાહી કરી રહ્યા છે તેમજ સમગ્ર કાર્યક્રમ અંગે રૂરલ પ્રાંત શ્રી દેસાઇ ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.

(2:59 pm IST)