Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબી રોડ ઉપર હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૯: અહિંના મોરબી રોડ જકાતનાકા પાસે આતંક મચાવનાર આરોપીની અદાલતે જામીન અરજી ના મંજુર કરી હતી.

ફરીયાદીની વિગત મુજબ ફરીયાદીના ભાઇ રહેઃ શીવમ પાર્ક, જકાતનાકા પાસે, રાજકોટ વાળાએ 'બી' ડીવી. પો. સ્ટે.માં આરોપી પિન્ટુ ધીરૂભાઇ મકવાણા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૩૦૭, પ૦૪, પ૦૬(ર) તથા જી.પી. એકટની કલમ-૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ ફરીયાદના બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી પિન્ટુ ધીરૂભાઇ મકવાણાએ ફરીયાદીના ભાઇ મેરૂભાઇ તથા સાહેદ વિપુલભાઇ તથા યશભાઇ એમ બધા મેરૂભાઇની કનૈયા ડીલકસ પાનની દુકાને હાજર હતા ત્યારે આરોપી અગાઉના ઉઘરાણીના પૈસાની લેતીદેતી તથા અન્ય મનદુઃખનો ખાર રાખી દુકાને આવી મૃત્યુ નીપજાવવાની કોશીષ કરતા મેરૂભાઇને છરી વડે શરીરમાં ગળાની નીચે, છાતીના ભાગે તથા પેટની જમણી સાઇડના ભાગે તથા જમણા હાથના કાંડાના ભાગે તથા જમણા હાથના અંગુઠાના ભાગે તથા ડાબી સાઇડના ભાગે ગંભીર ઇજા કરેલ હતી.

ઉપરોકત બનાવના આરોપીએ જામીન પર છુટવા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ હાલ આરોપી સામેના કેસની તપાસ નાજુક તબકકામાંથી પસાર થઇ રહી છે અને આરોપી પુરાવા સાથે ચેડા કરશે તેવી દહેશત હોય રાજકોટ એડી. સેશન્સ જજ એ. વી. હીરપરા દ્વારા આરોપી પિન્ટુ ધીરૂભાઇ મકવાણાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં મુળ ફરીયાદી તરફે યુવા એડવોકેટ ભાવેશ બાંભવા, હિતેષ વીરડા તથા જીજ્ઞેશ યાદવ તેમજ સરકાર તરફે સરકારી વકીલ અનીલ ગોગીયા રોકાયેલ હતા.

(2:53 pm IST)