Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

લેન્ડ ગ્રેબીંગ કાયદો : કાલે કલેકટરના અધ્યક્ષપદે ૧૮ અધિકારીઓની ખાસ પ્રથમ બેઠક : કુલ ૯ કેસ મૂકાયા : એક કેસ લીધો પંજાબથી

કોઠારીયામાં દબાણ હટાવ બાદ ૩ સામે કેસ મૂકી કલેકટરને રીપોર્ટ કરતા ચરણસિંહ ગોહિલ : પંજાબવાળા કેસમાં ૬ સામે ફરીયાદ છે : ૧ કેસ પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનથી આવ્યો ફરીયાદીને ર હજાર ભરવા આદેશો

રાજકોટ, તા. ર૯ : રાજય સરકાર તાજેતરમાં જમીનના માફીયાઓ સામે તાજેતરમાં નવો લેન્ડ ગ્રેબીંગ કાયદો લાવી છે. આ કાયદામાં દરેક જીલ્લા કલેકટરના અધ્યક્ષપદે કુલ ૧૮ અધિકારીઓની કમીટી બનાવાઇ છે.

આ લેન્ડ ગ્રેબીંગના મહત્વના કાયદા હેઠળ આવતીકાલે બપોરે ૧ વાગ્યે કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષપદ હેઠળ કુલ ૧૮ અધિકારીઓની એક ખાસ પ્રથમ બેઠક મળનાર છે. આ કમીટીમાં કલેકટર ઉપરાંત સીપી, ડીડીઓ, મ્યુ. કમિશનર, એસપી, રૂડાના સીઇઓ, બંને પ્રાંત,અધિકારીઓ, અધિક કલેકટર, પીઆરયુ, ચીટનીશ કલેકટર, અધિક ચીટનીશ કલેકટર, પ્રોટોકોલ મામલતદાર, મહેસુલના શાખા અધ્યક્ષ, યુએલસી, એએલસી, જયુડીશીયલ, ખાસ શાખા, પીએયુ કલેકટર અને પીએયુ અધિક કલેકટરનો સમાવેશ થાય છે.

આ કમીટી સમક્ષ કાલે બપોરે ૧ વાગ્યે કુલ ૯ કેસ મૂકવાના હોય જમીન ધંધાર્થીઓમાં ભારે ઉતેજના જાગી છે. એક કેસમાં ચલણ ભરાયું છે, એકમાં નથી ભરાયું, તો એક પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાંથી ડાયરેકટ આવ્યો છે. તેને કમીટી દ્વારા રૂ. ર હજારનું ચલણ ભરી દેવા આદેશ કરાયો છે.

એક ચોંકાવનારો કેસ પંજાબના મોહાલીથી કોઇ ગુજરાતી વણિક દ્વારા મૂકાયો છે. તેણે રાજકોટના ૬ સામે ડાયરેકટ ફરીયાદ ઠોકી દીધી છે, તો ત્રણ કેસ કોઠારીયામાં તાજેતરમાં થયેલ દબાણ હટાવ ઝુંબેશ બાદ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા રીપોર્ટ કરાતા ખળભળાટ મચી ગયો છે. કાલે ૧ વાગ્યે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની કલેકટર કચેરીમાં પ્રથમ મીટીંગ મળશે.

(3:00 pm IST)