Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભીસ્તીવાડ કવાર્ટર પાસે વરલીના જૂગાર રમતાં પાંચ શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

રાજકોટ તા. ૨૯: જામનગર રોડ પર ભીસ્તીવાડ સ્લમ કવાર્ટર નં. ૧૫૨ની નીચેના ભાગે ઉભા રહી પાંચ શખ્સો વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ધરપકડ કરી રૂ. ૭૩૦૦ તથા જૂગારનું સાહિત્ય કબ્જે લીધું હતું.

ક્રાઇમ બ્રાંચે હીરાલાલ રેવાચંદ ગોપલાણી (ઉ.૩૮-રહે. સ્લમ કવાર્ટર નં. ૧૫૨ ભીસ્તીવાડ), ભગવાનદાસ ઉર્ફ બંટી ઉર્ફ મિથુન દેવીદાસ મોટવાણી (ઉ.૫૧-રહે. સિંધી કોલોની-૨), મહેશ લક્ષમણભાઇ સોલંકી (ઉ.૨૮-રહે. પોપટપરા-૯/૧૨), અજય રૂપચંદભાઇ રામનાણી (ઉ.૩૩-રહે. સિંધી કોલોની-૯), તથા સંજય વાસકુરભાઇ બડમલીયા (ઉ.૪૨-રહે. ભોમેશ્વર મંદિર પાસે ગોકુલપરા)ને પકડી લઇ વરલી ફીચરના આંકડા લખેલી સ્લીપો તથા રોકડા અને બોલપેન કબ્જે કરી હતી. હીરાલાલ અને ભગવાનદાસ આંકડા લખતા હતાં અને બાકીના ત્રણ તેની પાસે આંકડા લખાવી રૂપિયાની લેતીદેતી કરતાં હતાં.

એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. જયદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે જીજ્ઞેશભાઇ, વિક્રમભાઇ અને પ્રદ્યુમનસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. (૧૪.૯)

 

(4:12 pm IST)