Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રેગનથી માં શીલાઃ ઓશોના મૃત્યુનું સ્ફોટક રહસ્ય

માં આનંદોના પુસ્તકનો ગુજરાતી અનુવાદઃ ઓશોને થેલીયમ ઝેર અપાયાની રહસ્યનું દીર્ઘ વિવરણઃ અમેરિકાની રોનાલ્ડ રેગન સરકારથી માંડીને ઓશોના ખૂબ નજીક ગણાતા માં શીલા શંકાના ઘેરાવામાં: પુસ્તકમાં દાવો - માં શીલાએ સરકારને સહયોગ આપી ઓશોને ઝેર આપ્યું હતું, બદલામાં શીલાને ટૂંકી સજાનું ઈનામ મળ્યું

રાજકોટ, તા. ૨૯ :. ચિંતન અને આધ્યાત્મિકતા ક્ષેત્રે વિશ્વભરમાં છવાઈ ગયેલા ઓશો આપણી વચ્ચે ભલે નથી, પરંતુ ઉર્જા રૂપે કરોડો હૈયામાં ધબકી રહ્યા છે. ઓશોનું મહાપ્રયાણ રહસ્યોથી ભરપૂર છે. આ અંગે વિશ્વભરના મીડિયામાં પારાવાર ચર્ચાઓ થઈ છે, પરંતુ તાજેતરમાં માં આનંદોએ એક પુસ્તક લખ્યું છે, જેમાં ઓશોના મૃત્યુનું સ્ફોટક રહસ્ય જાહેર કરાયુ છે.

અમેરિકાની તત્કાલીન રોનાલ્ડ રેગન સરકારના અધિકારીઓ અને ઓશોના ખૂબ નજીક રહેતા માં શીલાને શંકાના ઘેરાવામાં લીધા છે. પુસ્તકમાં ઓશો સાથે બનેલી ઘટનાઓને કડીબદ્ધ કરીને સનસનાટીભર્યુ તારણ આપ્યુ છે. પુસ્તકના પાના નં. ૫૪ના લખાણમાં સ્પષ્ટ લખાયું છે કે, 'માં શીલાએ સરકારને સહયોગ કરીને ભગવાનને (ઓશોને) ઝેર આપવાનું ષડયંત્ર રચ્યુ હતું. બદલામાં માં શીલાને ટૂંકી સજાનું ઈનામ મળ્યુ હતું...'

માં શીલા ડ્રગ્સ સહિતના અનેક ગંભીર ગુન્હામાં સંડાવાયેલા હોવાની પુસ્તકમાં વિગતો જાહેર કરાઈ છે.

પુસ્તકમાં પ્રારંભે પ્રકાશકે નોંધ કરી છે કે, એ વાત તો બધાને ખબર છે કે, અમેરિકન સરકારે ઓશોના ઓરેગોન કોમ્યુનને નષ્ટ કરેલું. ઓશોએ મા શીલાની કોમ્યુનમાંથી હકાલપટ્ટી કરેલી અને ઓશોને અમેરિકન સરકારે કારાવાસ આપેલો અને અંતે તેમને અમેરિકા છોડવા મજબુર કરેલા. તે પછી પણ અમેરિકન સરકારે તેમની સત્તાનો એવો ઉપયોગ કરેલો કે, ઓશોને કોઈ દેશમાં રહેવા ના મળે અને અંતે ઓશો ભારત, પૂના પરત ફરેલ.

આ બધી ઘટનાઓ બનેલી પણ તેના ઉંડાણમાં શું શું બનેલું, કેવી રીતે બનેલું, કેવા દાવપેચ રમવામા આવેલા, ઓશોના અસ્તિત્વને નેસ્તનાબુદ કરવા માટે કેવી આક્રમકતા અને કેટલી હદે અમેરિકન તંત્રએ સક્રીયતા દાખવેલી તે આપણને સ્યુ એપલ ટોન ઉર્ફે માં આનંદો દ્વારા જાણવા મળે છે.

સ્યુ એપલટોન પોતે કાયદાનો અભ્યાસ કરેલો છે અને સુપ્રિમ કોર્ટ સુધી તેમણે વકીલાતના વ્યવસાયમાં સ્થાન મેળવ્યું છે એટલે તેમણે આ પુસ્તક કાયદાની ઝીણવટને ધ્યાનમાં રાખીને લખ્યુ છે. પોતે ઓશોના સંન્યાસી હતા અને છે. ઓશોને નજીકથી ઓળખે છે. ઓશોના પ્રવચનોનો ઉંડો અભ્યાસ તેમણે કર્યો છે અને એટલે જ તે સમગ્ર ઘટનાના ઉંડાણમાં ગયા છે અને અમેરિકન સરકાર અને તેના તંત્ર દ્વારા ઓશોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા, તેમને ધીમી છતાં ચોક્કસ અસર કરતું ઝેર પીવડાવવામાં આવ્યુ તેની માહિતી તેમણે ખાત્રીપૂર્વક મેળવી છે. આ પુસ્તકમાં એક નિહત્થા બુદ્ધપુરૂષ સાથે, એક વિશ્વ સત્તાના સ્થાને બિરાજેલ, સંકુચિત ઈસાઈ ધાર્મિકતા ધરાવતા, પ્રભાવશાળી લોકોએ કેવું અમાનુષી વર્તન કર્યુ છે જે જાણવા મળે છે. આવા વર્તન છતા બુદ્ધ પુરૂષ ઓશો, જેલવાસ દરમ્યાન પણ હાથ-પગ અને કમરે સાંકળો બાંધેલી હોવા છતા એ જ સહજતામાં રહે છે, જીવે છે, આનંદથી સમગ્ર ઘટનાને જુએ છે. તેમના બુદ્ધત્વની ગહન પરીક્ષા ઓશોને બહુ મોટો ઉંચા આસને બિરાજમાન કરે છે.

 આપણી આ ધરા પર કેટલાક એવા કરૂણાસભર બુદ્ધપુરૂષો થયા છે જેમને વિષ આપીને અવ્વલ મેઝિલે પહોંચાડવામાં આવ્યા છે. આમા સોૈ પ્રથમ નામ સોક્રેટીસનું આવે છે ઇસુ ખ્રિસ્તને શુળી પર લટકાવવામાં આવ્યા હતા. ગોૈતમ બુદ્ધને પણ  અંતિમ  સમયે તો વિષ બાધા જ થઇ હતી. તે ખારોકમાં અપાયેલુ ઝેર હતું અને બુદ્ધે તે આપનાર પરત્વે પણ કરૂણા જ દર્શાવી હતી જોકે, આ બધા સમયે કાયદાની કોઇ ગુંચવણો ઉભી કરવામાં આવી નહોતી કે નહોતું સરકારી અધિકારીઓની મદદ લઇને કાવતરૂ ઘડાયું. પરંતુ આધુનિક સમાજમાં સમગ્ર તથા સમૃદ્ધ  દેશ અમેરિકાએ આવું કાવતરૂ કર્યુ હતું અને તેના લીધે ભગવાન તરીકે સુપ્રસિધ્ધ થયેલા એશો રજનીશને ઝેર આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ બાદમાંજુદી જુદી કડીઓ ગોઠવીને કરવામાં આવ્યો હતો, પરંતુ નક્કર પુરાવાને અભાવે તથા અમેરિકાની માથાભારે તરીકેની ધાકને લીધે પગલાં લઇ શકાતા નહોતાં ૨૮ મી ઓકટોબર ૧૯૮૫ માં રજનીશની અમેરિકાના ફેડરલ માર્શલો દ્વારા નોર્થ કેરોલિના શાઅઇેટમાં ધરપકડ કરવામાં આવી હતી. કોઇપણ પ્રકારના એરેસ્ટવોરન્ટ વગર ત્યાં સાત દિવસ રાખ્યા બાદ ચોથી નવેમ્બરે તેમને પોર્ટલેન્ડ લઇ જવા માટે બહાર કઢાયા હતા, પરંતુ તેઓ ત્યાં પહોચ્યા સાતમી નવેમ્બરે સાંજના. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ કયાં હતા અને તેમની સાથે શું થયું હતું તે વિશગુપ્તતા રાખવામાં આવી હતી. કુશાગ્ર બુદ્ધિ અને સતેમજ યાદશકિત ધરાવતા રજનિશે પણ આ સમય દરમિયાનની  માત્ર એક જ રાતની વાત યાદ હતી. જેમાં તેમને સારી ઊંઘ આવી હતી. આ  રોકાણ દરમિયાન તેમની સાથે રમત રમવામાં આવી હતી, જેની પાછળથી તેમની લથડતી ગયેલી તબિયતનું નિદાન કરવા કરાફેલાં પરિક્ષણો વેળા જાણ થઇ હતી. તેમને કદાચ, થેલિયમ ઝેર આપવામાં આવ્યું હતું.

 જો કે, ઝેર સબંધિત બીજી એક  શકયતા એવી પણ છે કે મા શીલાએ પણ અમેરિકાના વસવાટ દરમિયાન તેમને ઝેર આપ્યું હોઇ શકે ? અમેરિકાથી ભારત આવ્યા બાદ રજનીશની તબીયત કથળતી ગઇ અને છેવટે તેમનું મૃત્યું થયું ત્યારથી આજ સુધી તેમને ઝેર અપાયું હતું કે કેમ તે સવાલ તેમના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુયાયીઓ અને ભકતોને સતાવી રહ્યો છે અને આ સવાલમાંથી જ રચના થઇ પુસ્તક 'વોઝ ભગવાન શ્રી રજનીશ પોઇઝન્ડ બાય રેગન્સ અમેરિકા?' આ પુસ્તકનાં લેખિકા સ્યુ એપલ ટોન ઉર્ફે મા આનંદો કાયદાના અભ્યાસી છે અને સુપ્રીમ કોર્ટ સુધી તેમણે વકીલાતના વ્યવસાયમાં સ્થાન મેળવ્યું છે. આથી આ પુસ્તક કાયદાની ઝીણવટને ધ્યાનમાં રાખીને લખાયું છે. તેઓ ઓશોને નજીકથી ઓળખે છે અને તેના પ્રવચનોનો ઊંડો અભ્યાસ કર્યો છે. યોગાનુયોગ છે કે અનુવાદક સુરેશ પરમાર પણ ઓશોના અનુયાયી અને વકીલ છે. તેમણે ર૦૦૧-૦ર માં આ પુસ્તક વાંચ્યુ ત્યારે રોમાંચક કથા વાંચતા હોવાનો અનુભવ થયો અને દાયકા બાદ તેમને તેનો અનુવાદ કરવાની ઇચ્છા થઇ હતી.

વિગતોની દૃષ્ટિએ જોઇએ તો પુસ્તકમાં રજેરજ માહિતી આપવામાં આવી છે. અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગનની સરકારના અધિકારીઓએ કેવી ચાલબાજી કરી તેના ઇતિહાસ છે તો તે સાથે જ મા શીલાનો અમલદારશાહી સ્વભાવ, સ્વશાસન પ્રસ્થાપિત કરવાની ખેવના અને રજનીશીઝમના કેફનું ચિત્ર પણ રજૂ થયું છે.

લોકોને મૃત્યુ શીખવનાર ઓશોના ચાહકો અને ભાવિકો માટે તેમના મૃત્યુ ફરતે વીંટબાણ રહસ્યનું વિવરણ કરતું આ પુસ્તક રસપદ બની રહેશે. (૨-૧૭)

- પુસ્તક પરિચય -

. પુસ્તકઃ ઓશોના મૃત્યુનું રહસ્ય

. લેખિકાઃ માં આનંદો

. અનુવાદઃ સુરેશ પરમાર 'સૂર'

. કિંમતઃ રૂ. ૧૦૦

. પ્રકાશકઃ દક્ષા પ્રકાશન, વડોદરા

(4:09 pm IST)