Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પ્રમાણિક શિક્ષણાધિકારી એમ.આર. સગારકાની બદલીઃ કાર્યદક્ષ નવા ડીઈઓ તરીકે રમેશ ઉપાધ્યાય

નિષ્ઠાથી કામગીરી કર્યાનો સંતોષઃ સહયોગીઓનો આભાર માનતા સગારકા

રાજકોટ, તા. ૨૯ : લાંબા સમય બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ખાસ કિસ્સામાં બદલીનો હુકમ થયો છે. છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ખૂબ નિષ્ઠાથી પ્રમાણિકતાપૂર્વક ફરજ અદા કરનાર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એમ. સગારકાની વતન ગીરસોમનાથ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે તેમના સ્થાને વહીવટી ક્ષેત્રે ખૂબ કાર્યદક્ષ ગણાતા શ્રી રમેશભાઈ ઉપાધ્યાયની રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણુંક થઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે છેલ્લા બે વર્ષના કાર્યકાળમાં શ્રી એમ.આર. સગારકા ખૂબ પ્રમાણિક અધિકારી તરીકે જાણીતા બન્યા છે. પરંતુ તેમની કાર્યપદ્ધતિ માટે વાલીમંડળ, શિક્ષકો, આચાર્યસંઘે તેમજ વહીવટી કર્મચારીઓએ અનેકવાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આરટીઈમાં પ્રવેશ તેમજ ખાનગી શાળાઓને મંજૂરી, સરકારી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની હાજરી સહિતના મુદ્દે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કામગીરી ચર્ચામાં રહી હતી.

શ્રી એમ.આર. સગારકાની કામગીરી અમુક કિસ્સામાં વિવાદને બાદ કરતાં એક પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી તરીકેની છાપ શિક્ષણ જગત ઉપર પડી છે.

રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પસંદગી પામેલ શ્રી રમેશભાઈ ઉપાધ્યાય મુળ ભાવનગર જીલ્લાના ઉમરાળા વતની છે તેઓએ ઉચ્ચ શિક્ષણ રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.પી.એઙ કરેલ છે. શિક્ષણમાં ખૂબ તેજસ્વી શ્રી આર. એસ. ઉપાધ્યાયએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે. ૧૯૯૦માં પ્રથમ ભુજમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર બાદમાં ભાવનગરના વલ્લભીપુરની ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે કાર્ય કરી જીપીએસસી કલાસ-૨માં ઉતીર્ણ થઈ પ્રથમ ડીપીઓ તરીકે ગીર સોમનાથ મૂકાયા હતા અને બાદમાં બોટાદ ડીઈઓ અને ડીપીઓની કામગીરી બજાવી હતી. શ્રી રમેશભાઈ ઉપાધ્યાયની સફળ કામગીરી બદલ સાબરકાંઠામાં પણ ડીઈઓ અને ડીપીઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના પાટનગર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં  જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રમેશભાઈ ઉપાધ્યાયની પસંદગી થઈ છે. મંગળવાર અથવા બુધવારે તેઓ ચાર્જ લેનાર હોવાનું જાણવા મળે છે.(૩૭.૮)

 

(4:06 pm IST)