Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સોમવારથી ઠંડીનો રાઉન્ડ પૂરો : આવતીકાલથી જ આંશિક રાહત મળશે

થર્ટીફર્સ્ટના રાત્રીના કડકડતી ઠંડીનો અનુભવ નહિં થાયઃ આવતા શનિવાર સુધી લઘુતમ તાપમાન નોર્મલ આસપાસ રહેશે : અશોકભાઈ પટેલ

રાજકોટ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આવતા સોમવારથી ઠંડીનો રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. ઠંડીમાં આવતીકાલથી જ આંશિક રાહત જોવા મળશે. આવતા શનિવાર સુધીમાં લઘુતમ તાપમાન નોર્મલ આસપાસ જ જોવા મળશે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં લઘુતમ તાપમાન નોર્મલથી ત્રણથી ચાર ડીગ્રી નીચુ જોવા મળેલ. જયારે એકલ - દોકલ સેન્ટરમાં કોલ્ડવેવની અસર થઈ હતી.

શ્રી અશોકભાઈ પટેલ તા.૩૦ ડિસેમ્બરથી તા.૫ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે આવતીકાલથી ઠંડીમાં રાહત જોવા મળશે. સોમવાર સુધીમાં ન્યુનતમ તાપમાન નોર્મલ તરફ પ્રયાણ કરશે. તા.૧ થી ૫ જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન નોર્મલ આસપાસ રહેશે. વાતાવરણ સુકુ રહેશે. પવન પૂર્વના અને કયારેય ઉત્તર - પૂર્વના ફૂંકાશે. હાલ રાજકોટ શહેરમાં લઘુતમ નોર્મલ તાપમાન ૧૩ ડિગ્રી ગણાય. જે આગામી સપ્તાહમાં ૧૨ થી ૧૪ ડિગ્રીની રેન્જમાં રહેશે.(૩૭.૧૫)

(4:04 pm IST)