Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

શહેરમાં ઠેરઠેર ડીજે-ડાન્સ અને જશ્નના આયોજન સાથે થર્ટીફર્સ્ટનું કાઉન્ટડાઉન

મોલ, હોટલ, રેસ્ટોરામાં પાર્ટી માટેની તડામાર તૈયારીઃ નવા વર્ષને આવકારવા થનગનાટ, થીમ બેઝ્ડ પાર્ટીની રોનક છવાશે

રાજકોટ, તા. ૨૯ :. ૨૦૧૮નું વર્ષ પૂર્ણ થવાને આરે છે અને ૨૦૧૯ના નવા વર્ષને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન શહેરમાં સોમવારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનની રોનક જોવા મળશે. શહેરમાં ઠેર ઠેર ડીજે, ડાન્સ અને જશ્ન સાથે ઉજવણી થશે. ડિસ્કોથેક, મોલ, હોટલ, રેસ્ટોરાંમાં પાર્ટી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ચાલુ વર્ષે પણ થીમ બેઝ્ડ પાર્ટીની રોનક છવાશે.

પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ દેશભરના શહેરોમાં થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનનું ઘેલું લાગ્યુ છે. જે અંતર્ગત ચાલુ વર્ષ સોમવારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનને લઈને પાર્ટીરસિયાઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૦૦થી વધારે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરાયુ છે. અનેક ઠેકાણે હોટલ, રેસ્ટોરાંમાં ગ્રાન્ડ લંચ-ડીનર, ગાલા લંચ, ડીનર, કેન્ડલ લાઈટ ડીનર સહિતના આયોજનો કરાયા છે. શહેરમાં થ્રી, ફોર, ફાઈવ સ્ટાર હોટેલમાં, પોશ વિસ્તારમાં આવેલ ડિસ્કોથેકમાં, કલબ હાઉસમાં, મલ્ટીપ્લેકસમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરાયું છે. આ સિવાય છેલ્લા ઘણા વર્ષોથી થીમ બેઝડ પાર્ટીનું વળગણ જોવા મળી રહ્યું છે. જેમાં ચાલુ વર્ષે પણ હોટેલ, મોલ, ડિસ્કો થેકમાં હોલીવુડ અને બોલીવુડની થીમ પર પાર્ટીના આયોજનો કરાયા છે. દરમિયાન શહેરીજનો ડાન્સ, પાર્ટી કરીને નવા વર્ષને આવકાર આપશે. જો કે, ઉજવણીને લઈને હમણાથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરીજનોએ ફાર્મ હાઉસ, હોટેલ, ડિસ્કો થેકમાં અથવા તો ગૌરવપથ સહિત ઉજવણી કરવાના આયોજનો કરી દીધા છે.(૨-૨)

(4:03 pm IST)