Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઢોલરા ચોકડી પાસે બે ભરવાડ શખ્સોની હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી રદ્દ

રાજકોટ તા.ર૯: ઢોલરા ચોકડી પાસે જેસીંગ શીયાળીયા અને વેજાભાઇ શીયાળીયા નામના ભરવાડ શખ્સોની બેવડી હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી નવધણ વરજાંગ શીયાળીયાએ જામીન પર છુટવા કરેલ અરજીને ગુજરાત હાઇકોર્ટે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે લક્ષ્મણ જેસીંગભાઇ શીયાળીયાએ નોંધાવેલ ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપીની ધરપકડ કરીને  જેલ હવાલે કરતા આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

શહેરભરમાં ચર્ચા જગાવનાર આ કેસની વિગત એવી છેકે આ કામના ફરિયાદી તથા આરોપીઓને ઘાસના વેચાણ બાબતે મનદુઃખ ચાલુ હોય જેનો ખાર રાખી તા. ૮-૪-૧૮નાં રોજ ઢોલરા ચોકડી પાસે ઘાડના થડાની બાજુમાં આ કામના આરોપીઓએ ફરિયાદીના પિતા જેસીંગભાઇ તથા આ કામના સાહેદ વેજાભાઇને જાનથી મારી નાખવાનો સમાન ઇરાદો ધરાવી પ્રથમથી જ એક સંપ કરી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી બે જણાની હત્યા કરેલ. તેમજ અન્યને જાનથી મારી નાખવાની કોશિષ કરી. પો.કમિ. સાહેબ, રાજકોટ શહેરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતની ઇ.પી.કો. ક. ૩૦૨,૩૦૭, ૩૪ તથા જી.પી. એકટની કલમ ૧૩૫(૧) પ્રમાણેની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ જેમાં આરોપી તરીકે મેલાભાઇ વરજાંગભાઇ શીયાળીયા, નવધણભાઇ શીયાળીયા, લાલો ઉર્ફે વિશાલ શીયાળીયા, કરણ ઉર્ફે ગીગો શિયાળીયાના નામો ખુલવા પામેલ હતા. જેમાં પોલીસે આ કામે ઉપરોકત આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરેલ.

આરોપી નવધણ વરજાંગભાઇ શિયાળીયાએ જામીન ઉપર છુટવા રાજકોટની સેસન્સ. કોર્ટમાં જામીન અરજી કરતાં બંને પક્ષોની દલીલો હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને આરોપી નવધણ શિયાળીયાની જામીન અરજી રાજકોટ એડી. સેસન્સ જજ શ્રી .વી.વી. પરમારે નામંજુર કરેલ. જેથી આરોપી નવધણ શિયાળીયાએ સેસન્સ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં જામીન અરજી કરતાં ગુજરાત હાઇકોટે ફરિયાદ પક્ષની દલીલો તથા કેસના સંજોગો ધ્યાને લઇનેઆ ગંભીર ગુનાના આરોપીની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે ફરીયાદી વતી હાઇકોર્ટના વકીલ શ્રી પ્રવિણભાઇ ગોંડલીયા તથા રાજકોટમાં વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા (હાડાટોડા), દિપક ભાટીયા, હનીફભાઇ કટારીયા તથા શિવરાજસિંહ ઝાલા વિગેરે રોકાયેલ હતાં.(૧.૨૩)

(4:02 pm IST)