Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ફિલપકાર્ટે નકલી આઇ-ફોન ધાબડી દીધો!

જાયવાના સલીમભાઇ સાથે ઓન લાઇન છેતરપીંડી...: રૂ. ૧૪૬૦૩ નો નવો મોબાઇલ તકલીફ કરતા સર્વિસ સ્ટેશને ગયા.. ત્યાં કહ્યું કે, આ આઇફોન નકલી છે, અમે કંઇ ન કરી શકીએ * ફિલપકાર્ટે ગલ્લાતલ્લા કર્યા બાદ ફોન પરત કરવા આજીજ કરીઃ સલીમભાઇ કંપની સામે કાયદેસર કાર્યવાહી કરી

રાજકોટ તા. ર૯ :.. ઓન લાઇન માર્કેટ લોકપ્રિય બની રહ્યું છે, પરંતુ ગ્રાહકો સાથે છેતરપીંડીનો ગ્રાફ પણ ઊંચે ચઢી રહ્યો છે. ફિલપકાર્ટ જેવી પ્રતિષ્ઠિત ગણાતી કંપનીઓ પણ મોકો જોઇને ગ્રાહકને છેતરી લે છે. રાજકોટ પાસેના જાયવા ગામના સલીમભાઇ સુધાગુનીયા સાથે આવી છેતરપીંડી થઇ છે.

'અકિલા' સાથે વાતચીત કરતા સલીમભાઇએ કહ્યું હતું કે, ફિલપકાર્ટ દ્વારા આવેલો એપલનો આઇ-ફોન  5S નકલી નીકળ્યો છે.

સલીમભાઇએ ઓનલાઇન આ ફોન મંગાવ્યો હતો. ગત તા. ૮ ના ફોન આવી ગયો હતો. રૂ. ૧૪૬૦૩ ની કિંમતના ફોનમાં રૂ. ૬પ અન્ય ચૂકવાયા હતાં.

સલીમભાઇ કહે છે કે, નવે નવો એપલ-આઇફોન બંધ પડવા લાગતા રાજકોટમાં નિર્મલા રોડ પર આઇ-ફોનના સર્વિસ સેન્ટરમાં દેખાડયો. સર્વિસ સેન્ટરના અધિકારીએ કહયું કે, આ મોબાઇલ ફોન નકલી છે, અમે કંઇ ન કરી શકીએ. બાદમાં ખ્યાલ આવ્યો કે, બિલમાં લખાયેલા ફોનના બોડી નંબર અને ફોનમાં રહેલા બોડી નંબર બંને અલગ અલગ છે.

સલીમભાઇને છેતરાયાનો અહેસાસ  થયો. ફિલપકાર્ટને આ અંગે જાણ કરી તો કંપનીએ શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા, પરંતુ ભાંડો ફૂટી ગયાની જાણ થતા ફિલપકાર્ટે સલીમભાઇ પાસેથી ફોન પરત લેવા આજીજી કરી.

સલીમભાઇ કહે છે કે, આ ફોન માટે મેં રાજકોટ ધક્કા ખાધા. કવર સહિતના ખર્ચ કર્યા. માનસીક ત્રાસ અનુભવ્યો. ઉઘાડી છેતરપીંડી સામે હું ફિલપકાર્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરીશ, તેમ સલીમભાઇ (મો. ૯પ૭૪૦ ૬૭૮૯૩) એ અંતમાં જણાવ્યું છ. (પ-૩૪)

(4:02 pm IST)