Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કોર્પોરેશનના બજેટમાં ૫૦૦ કરોડનો ઘટાડોઃ અનેક યોજનાઓ કાગળમાં જ

મેયર-કમિશ્નર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ વચ્ચે બજેટ સમીક્ષા શરૃઃ વર્ષ ૨૦૧૮-૧૯નું મૂળ ૧૭૦૦ કરોડનું બજેટ વર્ષાંતે ૧૧૦૦ કરોડ આસપાસ જ અટકી જશેઃ ૨૪ કલાક પાણી વિતરણ - સ્માર્ટ સીટી - એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની યોજનાઓ મૂર્તિમંત કરવામાં તંત્ર નિષ્ફળઃ ટેક્ષ અને વ્યવસાય વેરાની આવકમાં પણ ૧૦૦ કરોડથી વધુનુ ગાબડુ

રાજકોટ તા. ર૯ :. મ્યુ.કોર્પોરેશનનાં વર્ષ ૨૦૧૮-૧૯નાં બજેટમાં ૫૦૦ કરોડ સુધીનો ઘટાડો થવાની ભીતી સર્જાઇ છે. કેમ કે અનેક યોજનાઓ હજુ કાગળિયામાં જ છે. અને હવેનાણાકિય વર્ષ પુર્ણ થવાનેઆડે માત્ર ત્રણ મહિનાં જ બાકી છે. આથી આજે મેયર અને મ્યુ.કમિશનર સહિતનાં પદાધિકારીઓ તથા અધિકારીઓ વચ્ચે બજેટની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

મેયર બીનાબેન આચાર્ય, ભાજપના સિનિયર કોર્પોરેટર અને પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ શહેર ભાજપ પ્રમુખ તથા કોર્પોરેટર કમલેશ મીરાણી ડેે. મેયર અશ્વિનભાઇ મોલિયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ વગેરેએ આજે સવારે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને મેયર ચેમ્બરમાં બોલાવીને વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં સુચવાયેલા કેટલા કામો તથા યોજનાઓ પૂર્ણ થયા છે ? કેટલી યોજનાના કામો ચાલુ છે ? અને હવે બાકીના ત્રણ મહિનામાં કેટલા વિકાસકામો થઈ શકશે ? અને કઈ કઈ યોજના માત્ર કાગળીયામાં જ રહી જશે ? તે તમામ બાબતોની આંકડાકીય વિસ્તૃત વિગતો મેળવી અને હવે અમૃત યોજના હેઠળ લાઈટ, પાણી, ડ્રેનેજ, રસ્તાના જે કામો બાકી રહી ગયા હોય તેને ઝડપથી શરૂ કરી દેવા તથા ખાસ નવા ભેળવાયેલા કોઠારીયા, વાવડી વિસ્તારમાં વિકાસકામો શરૂ કરાવી દેવા સૂચનો કર્યા હતા. બજેટની સમીક્ષા દરમિયાન આ વર્ષે સાકાર નહી થયેલા ન્યુ રાજકોટમા ૨૪ કલાક પાણી વિતરણનો ૩૦૦ કરોડનો પ્રોજેકટ, સ્માર્ટ સીટી માટે કરાયેલ ૫૦ કરોડની જોગવાઈ, ન્યારી અને આજી ડેમે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની યોજનાઓ કાગળમાં જ રહી ગયાનુ ખુલ્યુ હતું.

આ ઉપરાંત આવકની બાજુએ પણ મિલ્કત વેરામાં ૧૦૦ કરોડનું અને વ્યવસાય વેરામાં ૨૦ કરોડનું ગાબડુ પડવાની ભીતિ છે.  આમ વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટના કદમાં ૫૦૦થી ૬૦૦ કરોડનો ઘટાડો થવાની ભીતિ સર્જાઈ છે.(૨-૧૮)

બજેટમાં આવકનુ ગાબડુ પુરવા કોર્પોરેશન જમીનો વેચવા કાઢશે

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ની બજેટ સમીક્ષા શરૂ થઈ છે અને તેમા આવક બાજુએ મિલ્કત વેરામાં ૧૦૦ કરોડની આવકનું ગાબડુ પડયાની ભીતિ દર્શાતા હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા જમીનના પ્લોટ વેંચીને આવકનું ગાબડુ પુરવા વિચારણા શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ મ્યુ. કમિશ્નરે ટી.પી. વિભાગને ૫૦ થી ૧૦૦ કરોડ ભેગા થઈ શકે તેવા પ્લોટ વેચવા માટે લીસ્ટ બનાવવા સૂચના આપી છે અને સંભવત નાનામૌવા મેઈન રોડ ટચનો મોકાનો પ્લોટ પણ આ વર્ષે વેચવો પડે તેવી સ્થિતિ સર્જાશે. ટૂંકમાં જમીન વેચાણથી ૮૦ કરોડ જેટલી આવક કરવાની કવાયત શરૂ થયાનું જાણવા મળ્યુ છે.(૨-૧૯)

(3:55 pm IST)