Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

દિવના દરિયામાં ગરક રાજકોટના બે છાત્રો હજૂ લાપતા

રેલનગરની જવાહર શિશુવિહાર શાળાના ૧૦૫ છાત્રા-છાત્રો શુક્રવારે સવારે ૪ વાગ્યે બે બસ મારફત સોમનાથ-દિવ ગયા ને બપોરે દોઢેક વાગ્યે દૂર્ઘટના સર્જાઇઃ રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં ધોરણ-૧૦ના બે વિદ્યાર્થી વણકર પરિવારનો પ્રિત રાઠોડ (ઉ.૧૬) અને કોળી પરિવારનો અજય કોરડીયા (ઉ.૧૫) નાગવા બીચ પર ન્હાતી વખતે તણાઇ ગયાઃ દિવના કલેકટર-એસપી-પોલીસ અધિકારીઓની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડની ટીમો, તરવૈયાઓની રાતભર શોધખોળ છતાં બંનેનો સવારે ૧૦ વાગ્યે પણ પત્તો નથીઃ ડૂબેલા બંને બાળકોના સ્વજનો દિવ પહોંચ્યાઃ સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ અને બાકીના છાત્રોની બે બસ રાત્રે બે વાગ્યે રાજકોટ પરત આવી ગઇઃ અજય અને પ્રિત બીજા છાત્રો કરતાં વધુ આગળ ન્હાવા ગયા ને દૂર્ઘટના સર્જાયાનું પોલીસને જાણવા મળ્યું છાત્રો ન્હાતા હતાં ત્યારે સાથેના શિક્ષકો કેમ બેદરકાર રહ્યા? બાળકો દૂર સુધી કેમ જતાં રહ્યા? સવારે માછીમારોની મોટી જાળ દરિયામાં નાંખીને બંને બાળકોને શોધવા માટેના પ્રયાસો શરૂ

જ્યાં ઘટના બની તે નાગવા બીચ અને  તેમાં ગરક બંને છાત્ર અજય અને પ્રિતની ફાઇલ તસ્વીર. લાડકવાયા દરિયામાં ગરક થતાં  કોળી અને વણકર પરિવારના સભ્યો ચિંતામાં ગરક થઇ ગયા છે

રાજકોટ તા. ૨૯: 'મમ્મી આવજો, ચિંતા ન કરતાં...અમે રાતે તો પાછા આવી જઇશું...હાલ બહેન જલ્દી કર, મોડુ થઇ જશે'...રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં કોળી અને વણકર પરિવારના સભ્યોમાં શુક્રવારે વહેલી સવારે ધોરણ-૧૦માં ભણતા ભાઇ-બહેનો અને  માતા-પિતા સાથે કંઇક આવા જ સંવાદો થયા હતાં. સંતાનો શાળા મારફત સોમનાથ-દિવના પ્રવાસમાં જતાં હોઇ પરિવારજનોએ  બધાને હસી-ખુશીથી આવજો કહ્યું હતું...પણ કોઇને કયાં ખબર હતી કે બે છાત્રો દિવના દરિયામાં ગરક થઇ જશે?! રાજકોટની રેલનગરની જવાહર શિશુવિહાર માધ્યમિક શાળાના ૧૦૫ છાત્રા-છાત્રોને ગઇકાલે બે બસ મારફત પ્રવાસમાં લઇ જવાયા હતાં. જેમાં દિવના નાગવા બીચ ખાતે દરિયાના મોજાની મોજ માણતી વખતે ધોરણ-૧૦ના બે છાત્રો અજય નથુભાઇ કોરડીયા (કોળી) (ઉ.૧૫) અને પ્રિત કિશોરભાઇ રાઠોડ (વણકર) (ઉ.૧૬) દરિયામાં ગરક થઇ જતાં પ્રવાસનો આનંદ ઘેરી ચિંતામાં પલ્ટાઇ ગયો હતો. ગઇકાલે બપોરે તણાયેલા આ બંને છાત્રોને આજે સવારે દસ વાગ્યે પણ પત્તો લાગ્યો ન હોઇ તરવૈયાઓ, ફાયર બ્રિગેડના જવાનો અને માછીમારોએ પોતાની મોટી જાળ સાથે દરિયાના પાણી ડખોળવાનું યથાવત રાખ્યું છે.

દરિયામાં ગરક થયેલા બે છાત્રોમાં અજય કોરડીયા બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. અજય સાથે તેની બહેન પ્રિયા કે જે પણ જવાહર સ્કૂલમાં જ ધોરણ-૧૦માં ભણે છે તે તથા નાનો ભાઇ ભાવેશ કે જે ૮મુ ભણે છે તે પણ પ્રવાસમાં સામેલ હતાં. અજયના માતાનું નામ હંસાબેન છે અને પિતા નથુભાઇ ઘડીયાળના કાચ બનાવવાની મજૂરી કરે છે. મોડી રાત્રે બીજા છાત્રા-છાત્રો સાથે પ્રિયા અને ભાવેશ પરત આવી ગયા છે. આ બંને ભાઇ-બહેન ખુબ જ હતપ્રભ થઇ ગયા છે.

બીજી તરફ અજયની સાથે જ દરિયામાં તણાઇ ગયેલો પ્રિત રાઠોડ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેની મોટી બહેનનું નામ વંદના અને ભાઇનું નામ જીજ્ઞેશ તથા માતાનું નામ સંગીતા બહેન છે. આ પરિવાર મુળ ઉપલેટાનો છે અને બે વર્ષથી રાજકોટ સ્થાયી થયો છે. પ્રિતના પિતા કિશોરભાઇ વિદ્યાનગર રોડ પર ડોકટરની હોસ્પિટલમાં નોકરી કરે છે.

વ્હાલસોયા દિકરાઓ અજય અને પ્રિત દરિયામાં ગરક થઇ ગયાની શાળા સંચાલક મારફત જાણ થતાં બંનેના વાલીઓ, સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. અજયના પિતા સહિતના સ્વજનો અને પ્રિતના માતા-પિતા સહિતના પરિવાજનો દિવ રવાના થઇ ગયા હતાં. ચિંતાની બાબત એ છે કે ગઇકાલે બપોરથી આખી રાત અને આજ સવારથી ફરીથી તરવૈયાઓ, ફાયર બ્રિગેડના જવાનો અને માછીમારો દ્વારા દરિયામાં શોધખોળ યથાવત રાખવામાં આવી છે. છતાં સવારે દસ વાગ્યા સુધી પણ બે માંથી એકેય છાત્રનો પત્તો મળ્યો નથી.

દિવ નાગવા પોલીસ ચોકીના સ્ટાફ મારફત જાણવા મળેલી વિગતો મુજબ કલેકટરશ્રી તથા દિવ એસપી શ્રી હરિશ્વર સ્વામિની રાહબરીમાં બચાવ ટૂકડીઓ, સ્થાનિક પોલીસની ટૂકડીઓ સતત નાગવા બીચ પર તૈનાત છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ચોકીના સ્ટાફે જણાવ્યું હતું કે છાત્રો ન્હાવા ગયા હતાં તે પૈકી અજય અને પ્રિત બીજા છાત્રો કરતાં આગળ જતાં રહ્યા હતાં. તેને સાથેના છાત્રોએ નજીક આવી જવા બૂમ પાડી હતી, પરંતુ એ પહેલા બંનેને મોટુ મોજુ તાણી ગયું હતું. આ વાત અજય અને પ્રિત સાથે ન્હાઇ રહેલા છાત્રો મારફત પોલીસને જાણવા મળી હતી.

અહિ સવાલ એ છે કે છાત્રો ન્હાતા હતાં ત્યારે સાથેના શિક્ષકો કયાં હતાં? શા માટે છાત્રોને દરિયામાં દૂર સુધી ન્હાવા જવા દેવામાં આવ્યા? શાળા સંચાલક અને સાથે ગયેલા શિક્ષકો સામે વાલીઓમાં આ બાબતે રોષ પ્રવર્તી રહ્યો છે. (૧૪.૮)

પ્રવાસની બે બસમાં એક મહિલા પ્રિન્સીપાલ અને ચાર શિક્ષકો જોડાયા હતાં પોલીસ પ્રોટકશન સાથે રાત્રે બે વાગ્યે બસ પરત આવી

. સોમનાથ-દિવના પ્રવાસ માટે બે બસ ગઇ હતી. જેમાં એક બસમાં વિદ્યાર્થીનીઓ અને બીજી બસમાં વિદ્યાર્થીઓ બેઠા હતાં. વિદ્યાર્થીનીઓની બસમાં મહિલા પ્રિન્સીપાલ ગિતાબેન કાલાવડીયા બેઠા હતાં અને છાત્રો જે બસમાં હતાં તેમાં ચાર શિક્ષકો ગડારાસાહેબ, ગઢવીસાહેબ, ગોસ્વામીસાહેબ અને ભોરણીયાસાહેબ બેઠા હતાં. આ વિગતો મોડી રાત્રે બે વાગ્યે દિવથી અન્ય છાત્રો સાથે પરત આવી ગયેલી છાત્રા અને તણાઇ ગયેલા અજયની બહેન પ્રિયાએ જણાવી હતી. ઘટનાને પગલે વાલીઓમાં રોષ વ્યાપી ગયો હોઇ પ્રવાસની બસો રાત્રે રાજકોટ પરત આવી ત્યારે પોલીસ પ્રોટકશન લેવામાં આવ્યું હતું. (૧૪.૮)

(11:51 am IST)