Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બજરંગવાડી પાસે કોલેજીયન જયરાજસિંહ જાડેજાની છરી ઝીંકી હત્યા

રેલનગરનો ૨૧ વર્ષનો ગરાસીયા પિતાને ટિફીન દેવા એકટીવા પર મિત્ર સાથે નીકળ્યો ત્યારે અજયસિંહ વાળાના બુલેટને એકટીવા અડી જતાં ડખ્ખોઃ બજરંગવાડી-પુનિતનગર વચ્ચે શિતલ પાર્ક પાસે આંતરી પેટમાં છરીનો ઘા ઝીંકી દીધોઃ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં કલ્પાંત :હત્યાનો ભોગ બનનાર રાજકોટ શહેર એનએસયુઆઇમાં મહામંત્રીનો હોદ્દો ધરાવતાં હતાં : વાહન અથડાવા જેવી બાબતે લોથ ઢળી!

બચાવવા દોડી આવેલા મોટા ભાઇને પણ ઇજાઃ સમરસિંહની ક્રાઇમ બ્રાંચ દ્વારા પુછતાછ :હત્યાનો ભોગ જયરાજસિંહના નિષ્પ્રાણ દેહ પાસે શોકમય સ્વજનો, મૃતદેહને વળગીને વિલાપ કરતાં માતા અરૂણાબા અને અન્ય તસ્વીરમાં આક્રંદ કરતાં સ્વજનો તેમજ ઇન્સેટમાં જયરાજસિંહનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. વધુ માહિતી મુજબ જયરાજસિંહ પર હુમલો થયો ત્યારે નજીકમાં જ તેમના મોટા ભાઇ ઋતુરાજસિંહ હોઇ તે બચાવવા દોડી આવતાં તેને પણ હાથમાં છરી ઝીંકી દેવાઇ હતી. હુમલાખોરોએ નશો કરેલો હોવાની પણ ચર્ચા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: હત્યાનો વધુ એક બનાવ આજે બપોરે બજરંગવાડી પાસે શિતલ પાર્કમાં બન્યો છે. ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરતાં અને બજરંગવાડીના રેલનગરમાં રહેતાં ૨૧ વર્ષના યુવાનને તે બપોરે મિત્ર સાથે એકટીવામાં બેસી તેના પિતાને ટિફીન આપવા જતો હતો ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા તેને અન્ય એક દરબાર શખ્સ સહિત બે જણાએ આંતરી પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. હત્યાના આ બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વાહન અથડાવી જેવી બાબતે હત્યા થયાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ બજરંગવાડી રેલનગર-૩ શેરી નં. ૧માં રહેતો જયરાજસિંહ ભુપતસિંહ જાડેજા (ઉ.૨૧) નામનો ગરાસીયા યુવાન બપોરે પોતાનું એકટીવા લઇ ઘરેથી મવડી ચોકડી પાસે ગોવર્ધન ચોકમાં બેરીંગનું કારખાનુ ધરાવતાં પિતા ભુપતસિંહ જાડેજાને ટિફીન આપવા નીકળ્યો હતો. સાથે મિત્ર સમરસિંહ ઝાલા પણ હતો. એકટીવા સમરસિંહ ચલાવી રહ્યો હતો.

જયરાજસિંહ અને સમરસિંહ બજરંગ વાડીથી પુનિત નગરના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સામેથી અજયસિંહ વાળા નામનો દરબાર શખ્સ અને બીજો એક શખ્સ બૂલેટમાં આવતાં સમરસિંહથી એકટીવા બૂલેટમાં અડી જતાં બોલાચાલી થઇ હતી. બાદમાં અજયસિંહ અને સાથેના શખ્સે એકટીવા પાછળ બેઠેલા જયરાજસિંહને પકડી લઇ છરીનો ઘા ઝીંકી દીધો હતો.  શિતલ પાર્ક પાસે આ બનાવ બન્યોહ તો. હુમલાખોરો ભાગી જતાં સમરસિંહે જાણ કરતાં જયરાજસિંહના પરિવારજનો દોડી આવ્યા હતાં અને લોહીલુહાણ થઇ પડી ગયેલા જયરાજસિંહને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

ઘટનાની જાણ થતાં હત્યાનો ભોગ બનનારના સ્વજનો, મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પી.આઇ. એચ. આર. ભાટુ, ભાનુભાઇ મિંયાત્રા, કેતનભાઇ સહિતના સ્ટાફે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનો ભોગ બનનાર જયરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. મોટા ભાઇનું નામ ઋતુરાજસિંહ છે અને બહેનનું નામ જીજ્ઞાબા છે. જયરાજસિંહ ક્રાઇસ્ટ કોલેજમાં એસ.વાય.માં અભ્યાસ કરતાં હતાં. વાહન અથડાવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી હોવાની હાલ ચર્ચા થઇ રહી છે. પોલીસે સાચુ કારણ મેળવવા વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)