Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગેરકાયદે તમંચો રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૨૯ : ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામા દેશી બનાવટનો લોખંડનો તમંચો રાખવાના ગુન્હામા આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઈ/ચા પોલીસ ઈન્સપેકટરશ્રી આર. આર.સોલંકીએ તા.ર૭/૧૦/ર૦૧પ ના રોજ તેઓના વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કાલાવડ રોડ એ. જી. ચોક પાસે આવતા આરોપી મહીપાલસિંહ પ્રઘ્યુમનસિંહ ઝાલા રહે. ચુડવા તા. માણાવદર જી. જુનાગઢ વાળાની અંગજડતી કરતા તેઓના પેંટના નેફામા શર્ટ નીચેના ભાગે દેશી બનાવટનો લોખંડનો તમંચો મળી આવેલ, જેથી તેઓ સામે આર્મ્સ એકટનો ગુન્હો બનેલ અને તેઓ જાતે ફરીયાદી બની આરોપીની ધરપકડ કરેલી.

સદર કેસ ચાલી જતા આરોપીને સજા કરવામા આવેલ જે સજાનો હુકમ કાયદાના પ્રબંધોથી વિરૂઘ્ધનો હોય જેથી સદરહુ હુકમ સામે સેશન્સ અદાલત સમક્ષ અપીલ કરવામા આવેલ, ત્યારબાદ અપીલ કોર્ટે કેસ રીમાન્ડ કરતા ફરી નીચેની કોર્ટમાં કેસ ચાલેલ હતો.

રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.શ્રી પોલીસ તપાસના કાગળો, સાહેદોની જુબાની અને કાયદાકીય પરીસ્થીતીને લક્ષમા લઈ એવા નિર્ણય ઉપર આવેલ કે આર્મ્સ એકટની જોગવાઈ અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીને આર્મ્સ મોકલવામા આવેલ હોય અને તે હથીયાર તપાસી પરવાનગી આપેલ હોય તેવી કોઈ વિગતો રેકર્ડ ઉપર જોવા મળતી નથી તેમજ સ્વતંત્ર સાહેદોએ ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપ્યાનુ પુરવાર થતુ નથી, તથા ફરીયાદ પક્ષ તેનો કેસ શંકા થી પર પુરવાર કરી શકેલ નથી તેમજ પોલીસ સાહેદ સીવાય અન્ય કોઈ સાહેદોના પુરાવા રેકર્ડ ઉપર નથી, તેમજ તપાસનીશ અધિકારીશ્રીએ કોઈ સ્વતંત્ર સાહેદોને તપાસેલ ન હોય, જે તમામ હકીકતોને લક્ષમા લઈ આરોપીને આર્મ્સ એકટના ગુન્હા માંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમા આરોપી વતી એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંન્દ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ આર. ફળદુ, હીતેષ જી. ગોહેલ, મનીષ આર. ગુરૃંગ, નિશાંત એમ. જોષી, દેવેન બી. ગઢવી, તથા કિરીટસિંહ જે. જાડેજા રોકાયેલ હતા.

(2:44 pm IST)