Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અહંશૂન્યતા સભર મહાપુરુષ – પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ

અહંશૂન્યતા એટલે નિર્માનીપણું, પરમાત્માના સકલ સદગુણોનો સરવાળો આ એક જ સદગુણમાં સમાઈ જાય છે. કદાચ એટલે જ સકલ સદગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે મુકયો હશે. આ જ સદગુણથી સંતત્વની સાચી પ્રતીતિ આવે છે. અહંશૂન્યતા એટલે જયાં 'હું 'ભાવનો પ્રલય થઇ ગયો છે. પ્રમુખસ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજતા જયાં હું ભાવનું કોઈ અસ્તિત્વ માત્ર નથી. અને તેમાં પણ સૌથી વધુ આકર્ષક છે એમનું અહંશૂન્ય ભકતહૃદયી વ્યકિતત્વ. નમ્ર અને સરળ. સહજ અને પારદર્શક. મન-મોટપની કોઈ આશા-અપેક્ષા જ નહિ.

ગુરૂપદે આવ્યા પછી એકપણ દિવસ એવો નહિ વિત્યો નહિ હોય કે જે દિવસે એમનું સન્માન, બહુમાન કે અભિવાદન ન કરાયું હોય, એમની ઉપસ્થિતિમાં જ એમનો મહિમા ગવાયો ન હોય. બ્રિટીશ પાર્લામેન્ટથી યુનાઈટેડ નેશન્સ સુધી ! બિલ કિલન્ટનથી લઇ બહરીનના શેખ બિન સલમાન સુધી! જગતનો કોઈપણ માનવી ચકિત થઇ જાય એટલું કાર્ય કર્યા પછી સમાજનાં તમામ સ્તરોનો અપાર આદર મેળવ્યા પછી, વિશ્વનાં અનેક માંધાતાઓના બહુમાન મેળવ્યા પછી પણ સ્વામીશ્રીનો તેના પ્રત્યે પ્રતિભાવ કેવો હોય છે !!! મીણ પરથી પાણી સરકી જાય તેવો. કારણ ? કારણ કે 'આ મેં કર્યું છે' તેવો ભાવ જ નથી. હંમેશા માત્ર એક જ વાત 'કર્તા તો માત્ર ભગવાન અને ગુરૂ જ છે, આપણાથી તો શેકેલો પાપડ પણ ભંગાય નહિ.'

સન ૧૯૯૪ના રોજ મદ્રાસમાં અહીના અગ્રણી બિલ્ડર અને જૈન બિરાદર કાંતિભાઈ કામદારે સ્વામીશ્રીને કહ્યું: 'પંચમકાળમાં જેમ તીર્થંકરને મોકલ્યા એમ આ કલિકાલમાં ભગવાને આપને મોકલ્યા છે. અત્યારે ભારતમાં સારામાં સારું કાર્ય કર્યું હોય તો તે આપ જ છો.' સ્વામીશ્રી કહેઃ 'અમે તો સેવક છીએ, કર્તા-હર્તા ભગવાન છે.'

સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું એક અણમોલ નજરાણું એટલે સ્વામિનારાયણ અક્ષરધામ, જેને નિહાળીને મોટા મોટા માંધાતાઓ પણ નતમસ્તક થઇ જાય છે અને પૂછે છે, 'માત્ર પાંચ જ વર્ષમાં આ દિવ્ય સર્જન સાકાર કરનાર વિશ્વકર્મા કોણ છે ? સ્વયં ભગવાન કે એમના દૂત ?' સન ૨૦૦૬માં સુરત જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ કે. જી. જોશીએ સ્વામીશ્રીને કહ્યું, હમણાં અહી માંગરોળની કોર્ટના ઉદઘાટનમાં ગુજરાતના ચીફ જસ્ટિસ ભવાનીસિંહ આવ્યા હતા. તેઓએ મને વાત કરતા કહ્યું, 'હમણાં દિલ્હીમાં દરેક રાજયના ચીફ જસ્ટિસની એક કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિશ્રી અબ્દુલ કલામે પ્રવચનમાં કહ્યું કે વિજ્ઞાન જે નથી કરી શકતું એ પ્રમુખસ્વામીની શકિતથી થઇ શકે છે, એનો મૂર્તિમાન દાખલો અક્ષરધામ છે.' આ સાંભળતા જ સ્વામીશ્રીએ કહ્યું : 'ભગવાન સિવાય કાંઈ થઇ શકતું નથી.' અને સ્વામીશ્રી એ પોતાના માટે મળેલા માનનો ઘડો ભગવાન પર ઢોળી દીધો. અક્ષરધામ નિહાળીને પ્રભાવિત થતાં સ્ટોક હોલ્ડિંગ ઇન્ડિયાના ચેરમેન શ્રી આર. જયરામનજીએ સ્વામીશ્રીને કહ્યું: આપ તો સાક્ષાત્ ઈશ્વર હૈ.' સ્વામીશ્રીએ સહજ નમ્રતાથી કહ્યું, 'નહીં, નહીં. હમ તો સેવક હૈ'. ખરેખર સ્વામીશ્રી અહંશૂન્યતાના શિખરે બિરાજતા હતા તેવી પ્રતીતિ થાય છે.

તા. ૧૨-૧૦-૯૩ના રોજ સુરેન્દ્રનગરમાં સવારના નવસારી તપોવન આશ્રમના મુનિ ચંદ્રશેખરવિજયજીને મળ્યા. વાતચીત દરમ્યાન તેમણે સહેજે ઉચ્ચાર્યું: 'બધા ગુરૂઓ કરતાં આપ આગળ નીકળી ગયા.' એ સાંભળતાં જ જાણે પોતે અક્ષમ્ય અપરાધ કર્યો હોય એમ દીનભાવે સ્વામીશ્રી બોલી ઊઠ્યાઃ 'એમનાથી આગળ નીકળાય એવું છે જ નહીં. આપણે શું નીકળવાના? એ પાયા નાખી ન ગયા હોત તો આપણાથી શું થાત ? એમણે જ આ બધું ઊભું કર્યું છે !લૃ હૃદયમાં ધરબાયેલી ગુરૂભકિત સ્વામીશ્રીની આંખોમાં ઝબકી આવી અને શબ્દો દ્વારા મુનિશ્રીને અભિભૂત કરી ગઈ.

જયાં 'હું'નથી જયાં 'મારૃં'નથી ત્યાં અહંકાર કેવી રીતે હોય ? ત્યાં ઉદ્વેગ કેવી રીતે હોય ? ત્યાં તો નરી પ્રફુલ્લિતતા, નરી હળવાશ, નર્યો આનંદ જ હોય ! સ્વામીશ્રીના સમગ્ર જીવનમાં દેખાઈ આવતું. સ્વામીશ્રીને મળતા જણાઈ આવતું કે આ સંતની પાસે ભગવાન પ્રગટ હતા. 

જેના જીવનમાં અહંકારનો સ્પર્શમાત્ર ન હતો એવા અહંશૂન્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના ૯૮મા જન્મજયંતી મહોત્સવે, અહંશૂન્યતાના ગુણને આપણા જીવનમાં સાર્થક કરીને ભકિતઅર્ઘ્ય અર્પણ કરીએ.

(3:54 pm IST)