Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

૨૩હોટલ-રેસ્ટોરન્ટ-હોસ્ટેલ દ્વારા એંઠવાડમાંથી ખાતર બનાવવા કરારો થયા

સ્વામિનારાયણ ગુરૂકુળ,કડવીબાઇ હોસ્ટેલ, હોટલ ક્રિષ્ના પાર્ક અને હોટલ ઇમ્પિરીયલ પેલેસે પોતાની અલગ વ્યવસ્થા કરીઃ ૨૦ હોટેલ-રેસ્ટોરન્ટો ખાનગી કોન્ટ્રાકટરનાં મોબ ટ્રેસ મશીનમાં એંઠવાડનો નિકાલ કરશે

રાજકોટ, તા. ર૯ : કેન્દ્ર સરકાર દ્વારા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો કાયદો બનાવાયો છે, જેમાં રોજના ૧૦૦ કિલો જેટલો એંઠવાડ ઉત્પન્ન થતો હોય તેવી હોટલો-રેસ્ટોરન્ટો હોસ્ટેલો અને ધાર્મિક સ્થળોએ ફરજીયાતપણે તેઓના એંઠવાડમાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા કરવી ફરજીયાત બનાવી છે જેની અમલવારી રાજકોટ કોર્પોરેશને શૂ કરાવતા આ માટે ર૩ જેટલા હોટલ-રેસ્ટોરન્ટ અને હોસ્ટેલોએ એંઠવાડમાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા અંગે કરારો કર્યાં છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યા મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ, કડવીબાઇ હોસ્ટેલ, હોટલ ક્રિષ્ના પાર્ક, અને હોટલ ઇમ્પીરીયલ પેલેસ દ્વારા તેઓના એંઠવાડમાંથી ખાતર અથવા મિથેલ ગેસ બનાવવાની વ્યવસ્થા તેઓએ કરી છે. જયારે અન્ય ર૦ જેટલી હોટલ-રેસ્ટોરન્ટોએ મ્યુ. કોર્પોરેશનના માધ્યમથી એંઠવાડમાંથી ખાતર બનાવતા ખાસ મોબાઇલ વાહનના ખાનગી કોન્ટ્રાકટરના 'મોબટ્રેસ' વાહનમાં એંઠવાડનો નિકાલ કરવા કરારો કર્યા છે.

જેમાં એપલબાઇટ હોસ્પીટલીટી પ્રાઇવેટ લીમીટેડ, ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ જયશન, હોટલ ધ એવર ગ્રાન્ડ પેલેસ, રીલાયન્સ મોલ, હોટલ પ્લેટીનમ, હોટલ ધ ગ્રાન્ડ રેજન્સી, હોટલ બીઝ, મીયીઝ રેસ્ટોરન્ટ, હોટલ ફર્ન રેસીડેન્સી, હોટલ ફોર્ચ્યુન, હોટલ કમ્ફર્ટઇન, હોટલ સરોવર પોર્ટીકો, વેરોના ઇટાલીકા રેસ્ટોરન્ટ, લોન્જ બોયઝ હોસ્ટેલ, રોયલ રેસ્ટોરન્ટ, સેલ્વઝ સાઉથ, વિક્રમ ચાવડા ફુડ ઝોન એન્ડ શ્રી ચાઇનીઝ, પલ્લવ હોટલ એન્ડ ફુડઝ, વગેરેનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ખાનગી કોન્ટ્રાકટરના મોબી ટ્રેસ વાહનમાં એંઠવાડનાં નિકાલ કરનાર ઉપરોકત તમામ હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોએ કોન્ટ્રાકટરને નિયત ચાર્જ ચુકાવવાનો રહેશે અને તેઓનાં એંઠવાડમાંથી જે ખાતર બનશે તે જે તે હોટલ-રેસ્ટોરન્ટને પરત આપી દેવાશે.

(3:53 pm IST)