Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ગુજરાતનો વિકાસ અમારો મંત્ર છે, પણ કોંગ્રેસને ઈટાલીયન ચશ્મામાંથી એ દેખાતો નથી

ગુર્જર સુતાર જ્ઞાતિના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું ઉદ્દબોધન

રાજકોટ, તા.ર૯: શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટ તરફથી યોજાયેલા સ્નેહમિલનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ગુજરાતનો વિકાસ અમારો મંત્ર છે.પણ કોંગ્રેસને ઇટાલિયન ચશ્માથી તે દેખાતો નથી.ગુજરાતનો વિકાસ જોવો હોય તો સ્વદેશી બનવું જોઇએ.

વિશ્વકર્મા સમાજના સામાજિક યોગદાનની ભારોભાર પ્રશંસા કરતાં વિજયભાઇએ કહ્યું કે  આ સમાજ હંમેશા નિર્માણ કરતો આવ્યો છે.તે જોડવામાં માને છે, તોડવામાં નહીં, એટલે પોતાના કૌશલ્ય અને કુશળતા થકી અશકય કામોને તેણે શકય બનાવ્યા છે. ગુજરાતના વિકાસની સફળતામાં વિશ્વકર્મા સમાજનો નોંધપાત્ર હિસ્સો છે.

ગુજરાતના વિકાસબારામાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાલમાં ચુંટણીનો માહોલ છે. એક તરફ વિકાસ છે, તો બીજીબાજુ અરાજકતા છે. રાજયની સરકારને હૈયે પીડિતો તથા શોષિતોનું હિત સદા રહેલું છે. ગુજરાતની માથાદિઠ વાર્ષિક આવક પહેલા રૂ.૧૩ હજાર હતી, જે હવે વધીને રૂ. ૧.૪૦ લાખ થઇ છે રાજયમાં મેડિકલ શિક્ષણ માટે અગાઉ ફકત ૮ર૫ સીટો હતી. છેલ્લા ૧૫ વર્ષમાં નવી ચાર હજાર સીટોનો ઉમેરો તેમા થયો છે. આવતા એક કે બે વર્ષમાં નવી સાત મેડિકલ કોલેજો ગુજરાતમાં શરૂ થવાની છે.

શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીઓ કોંગ્રેસના શાસન દરમિયાન ૩૬ ટકા હતો, તે ધટાડીને એક ટકા સુધી લાવવામાં ભાજપની સરકારને સફળતા મળી છે.દેશના ૧૮ રાજયોમાં ભાજપની સરકાર સફળતાપૂર્વક શાસનધુરા સંભાળી રહી છે, તે પુરવાર કરે છે કે ભારતની પ્રજા ભાજપની સાથે છે.આ પક્ષ ઉપર પ્રજાએ મુકેલા ભરોસા અને વિશ્વાસને ઠેસ પહોંચે તેવું કોઇ કાર્ય ભાજપ દ્વારા કદી કરવામાં નહી આવે એવી ખાતરી વિજયભાઇએ  ઉચ્ચારી હતી.

તેમણે ઉમેર્યુ કે કોંગ્રેસ વિકાસની મજાક કરવા નીકળી છે, પણ ભાજપ માટે વિકાસએ અસલ મિજાજ છે. ડો.મનમોહનસિંઘની સરકાર સોનિયા ગાંધીના ઇશારે ગુજરાતને પરેશન કરતી હતી. અત્યારે ગુજરાતનું હિત જેને હૈયે છે, તેવી સરકાર દિલ્હીમાં બેઠી છે,ત્યારે ગુજરાતની પ્રજા ભાજપને ૧૫૦ કરતાં વધારે બેઠકો વિધાનસભાની ચૂંટણીમાં આપી વિકાસની ચરમસીમા પાર કરશે એવો વિશ્વાસ છે.

આ પ્રસંગે ગુાબદાન બારોટનો હાસ્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સ્નેહમિલનમાં ગુર્જર સુથાર જ્ઞાતિના અગ્રણીઓ વજુભાઇ તલસાણિયા, કસુમબેન સોકડેચા, હરિભાઇ ધ્રાંગધરિયા, ચંદ્રેશ પાટણવાડિયા, માલતીબેન ગજ્જર, ડોલીબેન તલસાણીયા, કિશોરભાઇ જાદવાણી, ચમનભાઇ ગોવિદિયા, જગદીશભાઇ ભારદિયા, ચંદ્રેશ ખંભાયતા, મનસુખભાઇ વડગામા, ધનજીભાઇ પંચાસરા, ગિરીશભાઇ વઢવાણા, અરવિંદ ગંગાજળિયા, રસિકભાઇ વાઘસણા, જગદીશ સોંડાગર વગેરે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇની સાથે અંજલિબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશ મીરાણી વગેરે હતા.

(5:12 pm IST)