Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

નોટબંધી અને જીએસટીના મુદ્દે કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે

કડવા પટેલોના સ્નેહમિલન કાર્યક્રમમાં વિજયભાઈનું સંબોધન : ગુજરાતની જનતાએ વિકાસની નીતિને સ્વીકારી : પ્રગતિમાં પાટીદારોનો અગ્રીમ ફાળો

રાજકોટ, તા. ર૯:  રાજકોટ પશ્ચિમના ઉમેદવાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં સમસ્ત કડવા પટેલ સમાજના સ્નેહમિલનમાં પાટીદારોને પ્રમાણિક, મહેનતુ અને નિષ્ઠાવાન ગણાવ્યા હતા. સાથોસાથ તેમના હૈયે કાયમ ગુજરાતનું હિત સમાયેલું છે તેમ જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં સમસ્ત કડવા પટેલ સમાજના અગ્રણીઓ સર્વશ્રી જેરામભાઇ વાસજાળીયા, બાબુભાઇ દ્યોડાસરા, મૌલેશભાઇ ઉકાણી, સ્મીતભાઇ કનેરીયા, મહેન્દ્રભાઇ ફળદું, બીપીનભાઇ હદવાણી, જે.બી.કાલરીયા, મુળજીભાઇ ભીમાણી, વલ્લભાઇ ભાલાળા, ચીંતનભાઇ સીતાપરા, ધરમશીભાઇ સીતાપરા, શીવલાલભાઇ ઘોડાસરા, ગૌતમભાઇ ધમસાણીયા, ભૂપતભાઇ પાચાણી અને આર.સી.ભાઇ ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, જીતિનભાઇ ભૂત, પ્રફલ કાથરોટીયા અને કાંન્તીભાઇ ઘેટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતુ કે, ગુજરાત એક નવી દિશા તરફ આગળ વધી રહયું છે દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના વિઝન અનુસાર ગુજરાત રાજય ખુબજ પ્રગતિ કરી રહ્યું છે તેમની આ પ્રગતીમાં પાટીદાર સહિતના સમાજનો અગ્રીમ ફાળો છે.તેમણે કહ્યું હતુ કે, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દે કોંગ્રેસ દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે પરંતુ સમજુ પ્રજાજનો સરકારના આ નિર્ણયને હકારાત્મક રીતે લઇ રહ્યા છે.

ગુજરાતનો સંતુલીત વિકાસ થઇ રહ્યો છે અને તેનો લાભ છેવાડાના માનવી સુધી મળી રહયો છે. ગુજરાતની જનતાએ વિકાસની નીતિને સ્વીકારી છે અને કદાચ એટલે જ છેલ્લી ત્રણ ચુંટણીમાં વિકાસનો મુદ્દોજ છવાયેલો રહ્યો હતો. કોંગ્રેસ વિકાસથી ઠરી રહી છે અને તેને બદનામ કરવાની એકપણ તક ચુકતી નથી દેશની જનતાએ ગુજરાતના મોડલનો સ્વીકાર પણ કર્યો છે.

તેમણે ઉમેર્યુ હતુ કે, કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવીને વિકાસની ટીકા કરી રહ્યા છે અને આ વિકાસ માટે કોંગ્રેસને જશ આપી રહ્યા છે પરંતુ મારે એટલું કહેવું છે કે કોંગ્રેસે વિકાસની રૃંધવાનો પ્રયાસ કયો છે. નર્મદા નદીના દરવાજા બંધ કરવાની મંજુરી આપવામાં કોંગ્રેસ સરકારે જે ઢીલ કરી છે તે પ્રજા જાણે છે.શ્રી વિજયભાઇએ આવનારા પાચ વર્ષમાં ગુજરાતને વિકાસની ચરમસીમાએ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યકત કરી હતી. પ્રવચનના અંતમાં શ્રી વિજયભાઇએ કહ્યું હતુ કે રાજકોટની પ્રજા માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો બેવડો લાભ છે તેથી ભાજપને મત આપીને વિકાસની નીતિ ઉપર મંજુરીની મહોર મારવી જરૂરીછે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાટીદારોને જેરામભાઇ વાસજાળીયા, બાબુભાઇ ઘોડાસરા વગેરેએ પણ સંબોધન કર્યું હતુ તેમ યાદીના અંતમાં જણાવાયું હતું.

(3:55 pm IST)