Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અઠવાડીયા પહેલા કારમાંથી ચાર લાખ તફડાવી લેનાર 'ઓઇલ ગેંગ'ને વડોદરાથી ઝડપી લેવાઇ

પુરૂષો, મહિલા, બાળકો સાથે ઇનોવામાં નીકળી 'તમારી કારમાંથી ઓઇલ લીક થાય છે' તેવું કહી વાહનચાલકોને રસ્તા પર ઉતરવા મજબૂર કરી કારમાંથી નાણા તફડાવી લેતાં: રાજકોટમાં ગુનો કર્યા બાદ આણંદ, અમદાવાદ, સુરતમાં પણ તફડંચી કરી'તીઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચને સફળતા

રાજકોટ તા. ૨૯: અઠવાડીયા પહેલા ૨૨મીએ ભકિતનગર સ્ટેશન રોડ પર પટેલ ધર્મશાળા પાસે 'તમારી કારમાંથી ઓઇલ લિક થાય છે' તેવું જણાવી વેપારીને રસ્તા પર ઉતરવા મજબુર કરી તેની કારમાંથી રૂ. ૪ લાખની તફડંચી કરી લેવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ગણત્રીના દિવસોમાં ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. આ ગેંગને આજે વડોદરાથી ઝડપી લેવાયાનું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

દર વર્ષે દિવાળી સહિતના મોટા તહેવારો નજીક આવે ત્યારે ચોર, ગઠીયા, ઉઠાવગીરો પોતપોતાની રીતે 'કળા' કરવા લાગે છે. છારા ગેંગની મહિલાઓ સમુહમાં  'અપ ટુ ડેટ' થઇ ખરીદીના બહાને જે તે શો રૂમ કે દૂકાનોમાં જઇ શિફતપૂર્વક ચોરી કરતી હોય છે. બીજા તફડંચીબાજો બેંક કે આંગડિયા પેઢી કે પછી પોતાના સ્થાનોએથી રોકડ લઇને નીકળતાં વેપારી કે કર્મચારી પર ગંદો પદાર્થ છાંટી બેધ્યાન કરી તેમની પાસેના નાણા સાથેના થેલા-થેલી તફડાવી લેતાં હોય છે. ચિલઝડપકારો નિર્જન રસ્તે જતી મહિલાઓ પાસે ઓચિંતા બાઇક સાથે પહોંચી જઇ ડોક પર ઝોંટ મારી સોનાના ઘરેણા ખેંચી જતાં હોય છે. ગુનો કરવાની આવી જુદી-જુદી રીતોમાં વધુ એકનો છેલ્લા કેટલાક મહિનાઓથી ઉમેરો થયો છે.

'ઓઇલ ગેંગ'ના નામે ઓળખાતી આ ગેંગમાં મહિલા, પુરૂષો અને બાળકો ઇનોવા કારમાં સાથે લટાર મારવા નીકળે છે અને 'તમારી કારમાંથી ઓઇલ લીક થાય છે'...વાળી મોડેસ ઓપરેન્ડી અપનાવી જે તે કારચાલકને બેધ્યાન કરી તેમાંથી રોકડ સહિતની કિંમતી ચીજવસ્તુઓ તફડાવી લે છે. આ ટોળકીને રાજકોટ લાવી પુછપરછ હાથ ધરાશે.

પ્રાથમિક તપાસમાં ૨૨મીએ આજી વસાહતમાં સિતારામ સ્ટીલ નામનું કારખાનુ ધરાવતો પાર્થ ભરતભાઇ નથવાણી (ઉ.૨૬) નામનો યુવાન પોતાની કારમાં ભકિતનગર સ્ટેશન પ્લોટમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની કારમાંથી ચાર લાખની રોકડ તફડાવ્યાની ગેંગે કબુલાત આપી છે. સાથોસાથ રાજકોટથી નીકળ્યા પછી આણંદ, અમદાવાદ અને સુરતમાં પણ આ પધ્ધતિથી તફડંચી કર્યાનું કબુલ્યું છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ઉમેર્યુ હતું કે આ ગેંગ દિલ્હીની છે. બેંક બહાર નજર રાખી શિકારનો પીછો કરી પોતાની પાસે રહેલી પીચકારીમાંથી કારના બોનેટ નીચે ઓઇલ છાંટી ધાર્યા નિશાનો પાર પાડતી હતી. દિવાળી સુધીમાં ૨૦થી વધુ લોકોને ટારગેટ બનાવવાના હતાં. આ ટારગેટ પુરો થાય એ પહેલા રાજકોટ પોલીસે ઝડપી લીધા છે. (૧૪.૧૩)

(3:35 pm IST)