Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

'ગાંધી માય હિરો ' ફિલાટેલિક પ્રદર્શનમાં 5 કરોડની ચાર દુર્લભ ટિકિટ, 26 ગોલ્ડ ટિકિટ, ભૂલભરેલી 8 ટિકિટ આકર્ષણ જમાવશે

ગાંધી જયંતિએ શાળાઓમાં ગાંધી વિચારોનું વાંચન અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન

રાજકોટ :મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોસ્ટ વિભાગનાં સહયોગથી 1 ઓકટોબરે ‘ગાંધી માય હિરો' વિષય પર ફિલાટેલીક એક્ઝિબિશન યોજાશે. જેમાં 5 કરોડની 4 દુર્લભ ટિકિટ, 26 ગોલ્ડની ટિકિટ અને ભૂલભરેલી 8 ટિકિટ આકર્ષણ જગાવશે જયારે શાળાઓમાં ગાંધી જયંતિએ મહાત્મા ગાંધીનાં વિચારોનું પ્રવચન નહીં વાંચન યોજાશે.સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે

  સૌરાષ્ટ્ર યુનિ.નાં ફાર્મસી વિભાગનાં સેન્ટ્રલ હોલમાં 1 ઓકટોબરે સવારે 10 થી 5 વાગ્યા દરમ્યાન ફિલાટેલિક એક્ઝિબિશન યોજાશે.જેમાં ગાંધી પ્રેમી પરેશ ઉપાધ્યાયે સંગ્રહ કરેલી ગાંધીજીનાં સ્ટેમ્પ, પોસ્ટ કાર્ડ, થ્રી પાર્ટ પીકચર પોસ્ટ કાર્ડ, ગોલ્ડ અને એરર ટિકિટ પ્રદર્શન માટે મૂકાશે. ભારત સરકારે ગાંધીજીની 100 ટિકિટ પોસ્ટ વિભાગ પાસેથી લીધી હતી અને તેના પર રબ્બર સ્ટેમ્પ મારી ‘સર્વિસ' લખી ટિકિટ બહાર પાડી. જેમાંથી 52 ટિકિટનું કલેક્શન હાલ ઈંગ્લેન્ડની રાણી વિકટોરિયાનાં સંગ્રહમાં છે. 6 ટિકિટ બેંગલોરની લેડી ગાયનેક છે જ્યારે તેમાંની 4 ટિકિટ પરેશભાઈ પાસે છે. જેની બજાર કિંમત રૂ.5 કરોડ હોવાનો તેમનો દાવો છે.

 2011 માં ખાદીનાં કાપડ પર પ્રિન્ટ થયેલી ગાંધીજીની ટિકિટ પણ ઉપલબ્ધ છે. ગાંધીજીની ભૂલભરેલી 8 ટિકિટ પણ પ્રદર્શનમાં મુકાશે. દુ:ખની વાત એ છે કે દક્ષિણ આફ્રિકાનાં ડોમીનીકા શહેરે વર્ષ 1972 માં ‘GANDI'લખેલી ટિકિટ બહાર પાડી હતી. જે ભૂલભરેલી હોવા છતાં હજુ સુધી ભારત સરકારે વિરોધ પણ કર્યો નથી. આ પ્રદર્શન ઓછી જગ્યામાં યોજાતું હોવાથી માત્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ નિહાળી શકશે.

 આ તકે કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરી દવે, પોસ્ટ માસ્ટર જનરલ બી.પી.સારંગી, ફાર્મસી ભવનના હેડ ડો.મિહિર રાવલ અને કેમેસ્ટ્રી ભવનના હેડ ડો.એચ.એસ.જોશી સહિતના અધિકારીઓએ ગાંધી જયંતિની ઉજવણીરૂપે દુર્લભ ટિકિટો છાત્રો નિહાળી શકે તેવું આયોજન કર્યું છે. 

 
(6:32 pm IST)