Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કોઠારિયા રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં સામાન લેવા આવેલા બે ગઠિયા ર લાખની રોકડ બઠાવી ગયા

વેપારી ભરતભાઇ ખખ્ખર પાસે બે હજારના છુટા માંગ્યા ત્યારે ગલ્લામાં મોટી રકમ જોઇ જતાં સામાન લેવાના બહાને નજર ચૂકવી રૂપિયા સેરવી લીધા

રાજકોટ, તા.૨૯: કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકી નજીક આવેલ પ્રોવિઝન સ્ટોરમાં સામાન લેવાના બહાને આવેલા બે શખ્સોએ લોહાણા વેપારીની નજર ચૂકવી દુકાનના કાઉન્ટરમાંથી રૂ.૨ લાખની રોકડ લઇ કારમાં નાસી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર જૂનુ સુભાષનગર શેરી નં.પમાં રહેતા ભરતભાઇ અમૃતલાલભાઇ ખખ્ખર (ઉ.વ.૪૯) ગત તા.૧૮/૯ના રોજ પોતાની કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકી નજીક આવેલ ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર નામની દુકાને હતા ત્યારે ૩પ થી ૪પ વર્ષના બે અજાણ્યા શખ્સો તેની દુકાને આવ્યા હતા અને તેણે ભરતભાઇ પાસે 'પેપર ડીસ લેવી છે' તેમ કહેતા ભરતભાઇએ બંનેને પેપરડીસ બતાવી હતી. દરમ્યાન બે પૈકી એક શખ્સે બે હજારની નોટ કાઢી ભરતભાઇને છૂટા આપવાનું કહેતા ભરતભાઇ કાઉન્ટરનું ખાનુ ખોલી છુટા પૈસા આપવા જતા બંને શખ્સોની નજર ખાનામાં પડેલી મોટી રોકડ રકમ ઉપર પડી હતી. અને તુરત જ બંનેએ ભરતભાઇને કહ્યુ કે અમારે દાનમાં આપવા માટે પ્લાસ્ટિકના ડબલા અને પાણી પીવા માટેની બોટલો જોઇએ છે તેમ કહેતા ભરતભાઇ સામાન કાઢવા માટે સ્ટોરમાં ગયા ત્યાં બંને શખ્સોએ કાઉન્ટરનું ખાનુ ખોલી તેમાં પડેલી રૂ.૨ લાખની રોકડ લઇ એક નંબર વગરની કારમાં ભાગી ગયા હતા. ભરતભાઇ સામાન લઇને આવ્યા ત્યારે બે શખ્સો જોવા ન મળતા ત્યાં ઉભેલી મહિલા ગ્રાહકને બંને વિશે પૂછતા, તે બંને તો એક કારમાં બેસી જતા રહ્યા હોવાનું મહિલાએ જણાવ્યું હતું અને ભરતભાઇ તુરત જ દુકાનની બહાર નીકળી આસપાસ તપાસ કરી હતી પરંતુ કોઇ ન મળી આવતા તેણે ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ. બી.બી.કોડીયાતર અને રાઇટર નિલેષભાઇએ ભરતભાઇ ખખ્ખરની ફરિયાદ દાખલ કરી પીએસઆઇ ડી એન.વાંજાએ તપાસ હાથ ધરી છે.(૨૩.૯)

(3:51 pm IST)