Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

'બાપુ'ના જીવનની આબેહુબ અનુભૂતિ કરાવતુ 'ગાંધી મ્યુઝિયમ' પ્રેરણાધામ બની રહેશેઃ રાજુ ધ્રુવ

રાજકોટ તા.૨૯: ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે, રાજકોટના પનોતા પુત્ર અને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તમામ ભારતવાસીઓને ગર્વ થાય તેવી ભેટ આપી છે.

આગામી બીજી ઓકટોબરના રોજ ઉજવવામાં આવનારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નિમિતે રાજકોટ શહેરમાં 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' ઊભું કરવામાં આવ્યું છે. પૂ. 'બાપુ' રાજકોટની જે 'આલ્ફ્રેડ હાઇસ્કૂલ'માં ભણ્યા હતા એ શાળાને હવે 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' બનાવી દેવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના સમગ્ર જીવન-કવનની તમામ મહત્વની વાતો, પ્રસંગોને અદ્દભુત રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

નવી પેઢીઓ પૂ. બાપુના જીવનને આબેહુબ અનુભવી શકે અને ઉચ્ચ પ્રેરણા મેળવી શકે તે બાબત નજરમાં રાખીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરને આપેલી આ ભેટ આગામી સદીઓ સુધી પૂ. બાપુની પુણ્ય-સ્મૃતિને જીવંત રાખશે અને માત્ર ભારત જ નહીં, વિશ્વભરના લોકોને ગાંધીજીનો જીવનસંદેશ આપતી રહેશે.

આવતીકાલે ૩૦મી સપ્ટેમ્બર, રવિવારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરસ હસ્તે ખુલ્લા મુકાનારા પ્રેરણાધામ સામ આ અનોખા મ્યુઝિયમને 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' ની અચુક મુલાકાત લેવા શ્રી ધ્રુવે તમામ સૌરાષ્ટ્રવાસીઓને હાર્દિક અનુરોધ કર્યો છે.

મ્યુઝિયમ વિષે રસપ્રદ માહિતી આપતાં તેમણે જણાવ્યું છે કે, 'મોહનથી મહાત્મા' બનેલા ગાંધીજીના સત્ય, અહિંસા, ભાઇચારાનાં આદર્શો, દેશભાવનાના અનન્ય વૈચારિક સિદ્ધાંતો તેમજ મુલ્યનિષ્ઠ જીવનસફરનાં અનેક સંસ્મરણોને 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'માં અદ્યતન ટેકનોલોજીની મદદથી અલગ-અલગ પ્રકારે આધુનિક ઢબે પ્રસ્તુત કરવામાં આવશે.

ગાંધી બાપુનાં માનવીય મુલ્યો અને સિદ્ધાંતોનું જે સ્થળે ઘડતર થયું હતું તેવી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં નિર્માણ પામેલા ગાંધી મ્યુઝિયમમાં મિનિ થિયેટર, દાંડીયાત્રાનો 'ડાયોરામા' (Diorama) , ગાંધીજીનાં જીવનકાર્યો તથા આદર્શોને વિવિધ રીતે વર્ણન કરતા ચિત્રો, કટઆઉટસ, મલ્ટિપલ સ્ક્રીન્સ, મોશન ગ્રાફીકસ એનિમેશન, ઓગમેન્ટેડ રિયાલીટી, સકર્યુલર વિડીયો પ્રોજેકશન, ૩-ડી પ્રોજેકશન મેપીંગ ફિલ્મ, વિશાળ વિડીયો આર્કવોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, વી.આઇ.પી. લોન્જ, ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલી લાઇબ્રેરી, મ્યુરલ્સલ, પ્રાર્થના હોલ, ઇન્ટરેકટીવ મોડસ ઓફ લર્નિગ સહિતની વિવિધ સુવિધાઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં સક્રિય માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી છે. જેથી આ મ્યુઝિયમ ગાંધીજી વિશેનું વિશ્વનું સૌથી અનોખું મ્યુઝિયમ બની રહેનાર છે.

રાજકોટમાં 'સૌની' યોજના અંતર્ગત નર્મદાનાં નીરથી આજીડેમમાં બારેમાસ પાણી, ન્યુ રેસકોર્ષ-ર, અટલ સરોવર, આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, આધુનિક બસપોર્ટ, રૈયા અને મવડી સર્કલ ઓવરબ્રીજ, નવી જીઆઇડીસી, નવો કન્ટેનર ડેપો, નવા ઓડિટોરીયમ, નવુ કોર્ટ સંકુલ- પોલીસમથકો, રાજકોટ આઇવે પ્રોજેકટ સહિત કેટકેટલી ભેટ શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રાજકોટને આપી છે.

પોતાનાં વ્હાલા શહેરના વિકાસની નવી જ કેડી તેમણે કંડારી છે. મુખ્યમંત્રીના હૈયે હંમેશા રાજકોટનું હિત વસેલું છે. એ વારંવાર સાબિત થતું આવ્યું છે. એક પછી એક કરોડો રૂપિયાના અભુતપુર્વ વિકાસ કાર્યોની ભેટ રાજકોટને આપનારા વિજયભાઇ રૂપાણીએ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' દ્વારા રાજકોટ આંતરરાષ્ટ્રીય કક્ષાની વધુ એક અમુલ્ય ભેટ ધરી છે. રાજકોટવાસીઓ સદાય તેમના ઋણી રહેશે. તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.(૧.૨૦)

(3:48 pm IST)