Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ઈન્કમટેક્ષનું મેગા સર્ચ ઓપરેશન ૭૨ કલાકે પૂર્ણ

રાજકોટ ડીડીઆઈ વિંગના જો. ડાયરેકટર રાજન મહાજનના : વડપણ હેઠળ હાથ ધરાયેલા ડેકોરા ગ્રુપ, ઓમ ગ્રુપ, પટેલ ડેવલોપર્સ, સહયોગરેખા ઈન્ફાસ્ટ્રકચર, કિશાન ફાયનાન્સ, સ્વસ્તિક ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સના ૪૪ સ્થળોએ દરોડા પાડ્યા'તા : કરોડોના દાગીના અને રોકડ, બેંક લોકર સીઝ : થોકબંધ સાહિત્ય કબ્જે : હવે તમામ સ્તરે એસેસમેન્ટની : કાર્યવાહી : ૧૦૦ થી ૩૦૦% પેનલ્ટીની જોગવાઈ

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ આયકર વિભાગની ગુપ્તચર શાખાએ બુધવારે સવારે ટોચના ૪ બિલ્ડર્સ અને ત્રણ ફાયનાન્સ પેઢી અને તેમના સહયોગી જોડાણ ધરાવતી પેઢીના માલિકોના ૪૪ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે ગત મોડી રાત્રીના સંપન્ન થયું છે.

રાજકોટ આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગે ૪૪ સ્થળોએ હાથ ધરેલી તપાસના અંતે કરોડોની રકમના દાગીના - રોકડ તેમજ ૨૫ બેંક લોકર્સ મળી થોકબંધ સાહિત્ય કબ્જે કર્યુ હતું. આ સાહિત્ય અને રોકડની હિસાબી કે બિનહિસાબી તેમજ તમામ પેપર્સનું મૂલ્યાંકન કરીને તપાસ આગળ ધપાવશે. અમદાવાદ, વડોદરા, સુરતથી આવેલા આયકર અધિકારીઓ રવાના થયા છે. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલ દરોડામાં ૧૦૦ થી ૩૦૦ ટકા પેનલ્ટી થઈ શકે તેવી જોગવાઈ સીબીડીટીમાં રહેલ છે.

રાજકોટ ઇન્કમટેક્ષ ઈન્વેસ્ટીગેશન વીંગના જોઈન્ટ ડાયરેકટર રાજેશ મહાજન, આસિસ્ટન્ટ ડાયરેકટર પ્રદિપસિંહ સખ્તાવત અને કે. આર. દહીયા અને વી. એમ. ડાંગરના માર્ગદર્શન તળે ૪૫થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગે ઓપરેશન હાથ ધર્યુ હતું.

સાધુ વાસવાણી રોડ ઉપર ગાર્ડન સીટી અને અવધ રોડ ઉપર ભવ્ય ઈમારતનું નિર્માણ કરનાર ડેકોરા ગ્રુપ, જમનભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ અને કુલદીપ રાઠોડ અને તેના સહયોગી કલાસીક ગ્રુપ, લાડાણી ગ્રુપના ભાગીદારો તેમજ ઓમ બિલ્ડર્સ ગ્રુપના ગોપાલભાઈ ચુડાસમા તેમજ પટેલ ડેવલોપર્સના શ્રી ધીરૂભાઈ રોકડ, શ્રી ચેતનભાઈ રોકડ ઉપરાંત કૃતિ ઓનીલા નામના પ્રોજેકટનું નિર્માણ કરતી પેઢી સહયોગરેખા ઈન્ફાસ્ટ્રકચરના ડો.દિલીપભાઈ પટેલ, નવીનભાઈ બેલાણી, શ્રી ગુણુભાઈ ભાદાણી સહિતના ભાગીદારોના નિવાસસ્થાન તેમજ ઓફીસો અને સાઈટો ઉપર ૨૨૫થી વધુ આયકર અધિકારીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત હેઠળ ૪૪ સ્થળોએ ત્રાટકયો હતો.

ઉપરાંત ઉપરોકત પ્રોજેકટ સંદર્ભે ત્રણ ફાયનાન્સ પેઢી સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ, વિનાયક ફાયનાન્સ ઉપર પણ આવકવેરા વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી હતી.

ડેકોરા ગ્રુપ રાજકોટમાં નાના મૌવા સર્કલ પાસે ૨૨ માળનું અતિ આધુનિક કોમર્શીયલ બિલ્ડીંગ - ૯ સ્કવેરનું નિર્માણ કરી રહ્યા છે. ત્યાં પણ આયકર અધિકારીઓના કાફલાએ તપાસ હાથ ધરી હતી. (૩૭.૬)

(3:45 pm IST)