Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કલેકટર કચેરી બહાર વિધવા વૃદ્ધાનો કેરોસીનના ડબલા સાથે આત્મવિલોપનનો પ્રયાસઃ તાલુકા વિકાસ અધિકારી કચેરીનો મામલો

પ્રધ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતઃ સરકારી સહાય માટે ''હપ્તા'' માગ્યાના ગંભીર આક્ષેપોઃ આત્મ વિલોપન સમયે વૃદ્ધા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયાઃ ધરણા માટે મંજુરી નહી આપતા આખરે આત્મ વિલોપનનો પ્રયાસ

કલેકટર કચેરી બહાર વિધવા વૃદ્ધાએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીના મામલે કેરોસીનના ડબલા સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, પણ પોલીસે અટકાયત કરી લીધી હતો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૯: વડાપ્રધાન આવતીકાલે રાજકોટ આવવાના છે તે પુર્વે જ આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ કલેકટર કચેરીની પાછળના ભાગે આવેલ ગેઇટની બહાર મૂળ ખોરાણાના વતની વિધવા વૃદ્ધા જયાબેન શામજીભાઇ દંતેસરીયાએ અગાઉ જાહેર કરેલ મુજબ કેરોસીનનું ડબલુ લાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર અને કલેકટર તંત્રને દોડધામ થઇ પડી હતી.

પોલીસનો સધન બંદોબસ્ત હતો, પરિણામે કોઇ અજુગતી ઘટના બને તે પહેલા પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી ગોસાઇ અને સ્ટાફે આ વૃદ્ધાને ઝડપી લઇ અટકાયત કરી કુવાડવા પોલીસ સ્ટેશને લઇ ગયા છે, આ વૃદ્ધા આત્મવિલોપન સમયે ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતા, તાલુકા વિકાસ અધિકારી કચેરી અને તેના જવાબદાર અધિકારીનો મામલો બહાર આવ્યો છે, સરકારી સહાય માટે ખાસ અધિકારીએ હપ્તા માંગ્યાના ગંભીર આક્ષેપો પણ કરાતા સનસનાટી મચી જવા પામી છે, જેમણે ૧૦ હજારનો હપ્તો માંગ્યો તે અધિકારીનું નામ જોગ કલેકટરને થયેલ ફરિયાાદમાં લખાયું છે, આ મહિલાનો મામલો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ઉઠયો હતો, પણ કોઇ ન્યાય નહિ મળતા કલેકટર કચેરી સામે ધરણા માટે મંજુરી માંગી હતી, પરંતુ તેમાટે મંજુરી નહિ આપતા આખરે આત્મ વિલોપનનો પ્રયાસ કરાયાનું આ વૃદ્ધાએ ઉમેર્યુ હતું.

કલેકટરશ્રીને લેખીતમાં કરાયેલ ફરિયાદમાં ઉપરોકત જયાબેન શામજીભાઇ દંતેસરીયાએ જણાવેલ કે, ૨૦૧૧-૧૨માં અમને સરકાર દ્વારા મકાન સહાયમાં અમને મકાન મળેલ. આ પછી તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ રજૂઆત કરાઇ, અમારા કાચા મકાનન તપાસ થઇ, ફોર્મ ભરાયા, ફોટા પડાયા, કાચુ મકાન પાડવાની સુચના આપી -નવુ બાંધકામ અમે ચાલું કર્યુ, અને છેવટે સરકારી ૫૦ હજારની સહાયમાં કહેવાતો હપ્તો જવાબદાર અધિકારીઓ માંગ્યો... આ પછી અમે ટીડીઓને રૂબરૂ મળ્યા, એમણે સરખો જવાબ ન આપ્યો અને અમારૂ નામ સર્વે-કોમ્પ્યુટરની યાદીમાંથી કાઢી નાંખ્યું.

વિધવા વૃદ્ધાએ ઉમેર્યુ છે કે, આ પછી અમે જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી, ધારાસભ્ય અને છેલ્લે ૪-૭-૨૦૧૮માં જિલ્લા સ્વાગતમાં અરજી કરી પણ કોઇ સંતોષકારક જવાબ ન મળ્યો, ગાંધીનગર રજૂઆતો કરાઇ, પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નહીં. આથી તા. ૧૦-૯-૨૦૧૮ના રોજ પોલીસ કમિશનર સમક્ષ પ્રતિક ધરણા માટે મંજુરી માંગી પણ મંજુરી મળી નહી, અને તેના પરિણામે નાછુટકે કલેકટરશ્રી સમક્ષ તા. ૨૯-૯-૧૮ના રોજ આત્મ વિલોપન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી આપેલ અને બપોરે ૧૨ વાગ્યે આ વૃદ્ધા કેરોસીનના ડબલા સાથે આવતા પ્ર.નગર પોલીસે આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર જયાબેન શામજીભાઇ દંતેસરીયા (રહે. ખોરાણા) ને પકડી લઇ કુવાડવા પોલીસને સોંપતા પોલીસે તેની સામે અટકાયતી પગલા લઇ કાર્યવાહી કરી હતી. (૧.૨૧)

(3:44 pm IST)