Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો શાનદાર થનગનાટ યુવક મહોત્સવ

યુવક મહોત્સવના આયોજન માટે ૨૦ કમિટીની રચનાઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કુલપતિ નિલાંબરીબેન દવેના નેતૃત્વમાં તડામાર તૈયારીઓ

રાજકોટ તા.૨૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન થાય છે તે અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસ ખાતે તો ૮,૯ અને ૧૦ ઓકટોબર એમ ત્રણ દિવસ ૪૮મા યુવક મહોત્સવ ''થનગનાટ-૨૦૧૮'' નું આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર ૪૮માં યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જિલ્લાઓની ૯૭ કોલેજોના આશરે ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ૩૩ જેટલી સ્પર્ધાઓમાં સહભાગી થવા માટે થનગની રહયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮માં યુવક મહોત્સવ ''થનગનાથ-૨૦૧૮''નું ઉદ્દઘાટન તા. ૮ના સવારે ૯:૪૫ કલાકે ગુજરાત ના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા તેમજ લોકગાયક બિહારી હેમુભાઇ ગઢવી ઉપસ્થિત રહેશે.

ભારત સરકારશ્રી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગંાધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપિતાશ્રી ગાંધીજીની જન્મભુમિ પોરબંદર અને ગાંધીજીની કર્મભુમિ એટલે કે રાજકોટ આ બે મહત્વના સ્થળો ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા છે. ગાંધીજી માંથી પ્રેરણા લઇ સામાન્ય મોહનદાસ કરમચંદ ગાંધી માંથી મહાત્મા તરફની કુચ પ્રતિકુળતા વચ્ચે કરી હતી તેમાંથી યુવાનોને પ્રેરણા મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ યુવક મહોત્સવમાં ગાંધીજીના જીવન આધારિત વિવિધ ઘટનાઓને પ્રદર્શિત કરવામાં આવનાર છે.

 આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ શ્રી પ્રો.નીલાંબરીબેન દવે તથા કુલસીચવ ડો.ધીરેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ૨૦ કમિટીઓની રચના કરવામાં આવેલ છે.

જેમાં સ્વાગત કમિટી કુલપતિશ્રી કુલસચિવશ્રી અને સિન્ડિકેટ સભ્યશ્રીઓ મુખ્ય રંગમંચ કમિટી ડો.કલાધર આર્ય, કન્વીનર, બેઠક વ્યવસ્થા કમિટી જે.એન.ટેવાણી, કન્વીનર લાઇટ સાઉન્ડ કમિટી એ.સી.દવે કન્વીનર પ્રેસ મિડીયા કમિટી ડો.કે.એમ. પાઠક, કન્વીનર ફર્સ્ટ એઇડ કમિટી ડો.એન.ડી.અગ્રાવત, કન્વીનર,વિડીયો ફોટોગ્રાફી કમિટી એસ.આર.વાગડીયા, કન્વીનર પાણી કમિટી એન.જે.બરોચીયા, કન્વીનર, ભોજન કમિટી એમ.એમ.ઝાલા કન્વીનર, વી.આઇ.પી ભોજન કમિટી ડો.આર.જી.પરમાર, કન્વીનર, ગાર્ડ ઓફ ઓનર કમિટી ડો.એન.કે.ડોબરીયા, કન્વીનર પાકિગ કમિટી વી.જે.ઝાલા, કન્વીનર આઇ.ટી. કમિટી ડો.પી.એન.ગૌસ્વામી, કન્વીનર, કાર્યાલય કમિટી ડો.જે.રાવલ કન્વીનર પ્રમાણપત્ર કમિટી આર.જે.ચાવડા, કન્વીનર, પ્રીફેકટ કમિટી વિક્રમ વકાણી કન્વીનર, ફુડ પેકેટ વિતરણ કમિટી ડો.એમ.વી ધામેચા કન્વીનર, ગ્રીન રૂમ કમિટી ડો.કે.એન.ખેર, કન્વીનર.

આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ કમિટીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ, એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રીઓ તેમજ કોલેજોના આચાર્યશ્રીઓની વિવિધ ટીમ દ્વારા યુવક મહોત્સવની કામગીરીનું સંકલન તેમજ માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, વિવિધ ભવાનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓ, યુનિવર્સિટીના વિવિધ અધિકારીશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવે અને કુલસચિવ ડો.ધીરેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. (૧.૨૩)

(3:43 pm IST)