Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વડાપ્રધાન રાજકોટ સાથેના સંભારણા વાગોળી રણશીંગુ ફૂંકશે

લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વેની વડાપ્રધાનની રાજકોટની સંભવિત અંતિમ મુલાકાતઃ મોટી જાહેરાત કરે તો નવાઈ નહિઃ ૪ાા વર્ષની કામગીરીનો હિસાબ આપવા પ્રયાસ કરશેઃ પ્રવચનમાં ગાંધી-સરદાર અને વિકાસ અગ્રસ્થાને રહેવાની ધારણાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવાદનો જવાબ આપશે ?

રાજકોટ, તા. ૨૯ :. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ધારાસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આવતા ૬ મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે તેમની આ રાજકોટની અંતિમ મુલાકાત બની રહે તેવી ધારણા છે. સત્તાવાર રીતે તેઓ મહાત્મા ગાંધી મ્યુઝીયમનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે. વર્તમાન સંજોગોમાં રાજકીય રીતે પણ તેમની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ આવતીકાલે રાજકોટમાં વિકાસના મુદ્દાને ઉજાગર કરી રણશીંગુ ફુંકે તેવુ અનુમાન થઈ રહ્યુ છે.

શ્રી મોદી તેમની કારકિર્દીની પ્રથમ ચૂંટણી ૨૦૦૨માં રાજકોટમાં લડેલા. તેમની રાજકીય યાત્રામાં રાજકોટનું મહત્વનુ પ્રદાન છે. ભૂતકાળમાં આ બાબત તેઓ જાહેરમાં કહી ચૂકયા છે. આવતીકાલે ફરી રાજકોટ સાથેના સંભારણા અને આત્મીય નાતો વાગોળે તેવી સંભાવના છે. તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને સાડા ચાર વર્ષ પુરા થયા છે તેથી પોતાની સરકારની કામગીરીનો હિસાબ આપવાનો પ્રયત્ન કરશે. સાંજે ૫ વાગ્યે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં તેમની જાહેરસભા યોજવામાં આવી છે.

વડાપ્રધાનના પ્રવચનમાં વિકાસ ઉપરાંત ગાંધીજી અને સરદાર પટેલ કેન્દ્ર સ્થાને રહે તેવી અટકળ થઈ રહી છે. કોંગ્રેસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ અંગે વિવાદ કરવા પ્રયાસ કર્યો છે. આ અંગે રાહુલ ગાંધીની ટ્વીટનો વડાપ્રધાન રાજકોટમાં સીધો કે આડકતરો જવાબ આપે તો નવાઈ નહિં. ગુજરાતના મહત્વના પ્રશ્નો બાબતે અને કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરેલી કામગીરી બાબતે તેઓ પ્રકાશ પાડી શકે છે. રાજકોટમાં એઈમ્સ જેવી કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શકયતા નકારાતી નથી.(૨-૧૭)

 

(3:42 pm IST)