Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સોરઠીયાવાડી ચોકમાં આઇસ્ક્રીમ પાર્લરના માલીક ઉપરના હુમલામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૯: રાજકોટના સોરઠીયાવાડી ચોકમાં આવેલ આઇસ્ક્રીમ પાર્લર માલીક તથા તેના પુત્ર ઉપર આઇસ્ક્રીમ ખરાબ હોવાના બહાને મારી નાખવાના ઇરાદે આઠ યુવક દ્વારા હુમલો કરવાના આરોપસર ફરીયાદના કામે આરોપી નં.૮ સુધીર ભાનુભાઇ બોરીચાને ચાલતા કામે રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા રાજકોટના એડી. સેશન્સ જજ શ્રી ડી.ડી.ઠકકરે હુકમ કર્યો હતો.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સુધીર ભાનુભાઇ બોરીચા વિગેરે સામે રાજકોટ શહેર ભકિતનગર પોલીસ મથકમાં સવા વર્ષ પહેલા સોરઠીયા વાડી ચોક પાસે આવેલ આઇસ્ક્રીમ પાર્લર માલીકના પુત્ર અર્જુનભાઇ બોરીચા વિગેરેએ સાથે રાહુલ ડાંગરે આઇસ્ક્રીમ પાર્લરમાંથી મંગાવેલ આઇસ્ક્રીમ સારો નથી અને આઇસ્ક્રીમના પૈસા આપવાને બદલે તેની સાથેના મીત્રો કાળુભાઇ હેરભા, રાહુલ ડાંગર, વિજય સુખા ડવ, ભાવેશ હેરભા, સુધીર બોરીચા, વિશાલ પાંચા કાનગડ વિગેરે પચ્ચીસથી ત્રીસ વર્ષના યુવકોએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ, ધોકા, તલવાર વિગેરેથી ખુની હુમલો કરી ગંભીર ઇજા પહોચાડેલ.

આ ગુન્હાના કામે પકડાયેલ મુખ્ય આરોપી કાળુભાઇ હેરભા વિગેરેને કોર્ટે અગાઉ જામીન મુકત કરેલ અને આરોપી નં.૮ સુધીર ભાનુભાઇ બોરીચાની થોડા સમય પહેલા ધરપકડ કરી નીચેની અદાલતમાં રજુ કરતા જેલ હવાલે કરેલ, નીચેની કોર્ટમાં કરેલ જામીન અરજી નામંજુર થયેલ અને રાજકોટના એડી. સેશન્સ જજ શ્રી ડી.ડી.ઠકકરની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ચાલતા કામે કરેલ જે જામીન અરજી એડી. સેશન્સ જજશ્રીએ શરતી જામીન મંજુર કરી રૂપિયા દસ હજારના જામીન તથા જાતમુચરકા ઉપર આરોપી સુધીર ભાનુભાઇ બોરીચાને મુકત કરવા હુકમ કરેલ હતો.

આ કામે આરોપી સુધીર ભાનુભાઇ બોરીચા તરફે રાજકોટ એડવોકેટ એલ.વી.લખતરીયા, દક્ષાબેન બી.પંડ્યા, બીનીતા જે.ખાંટ, ભાવિન આર.લીંબાણી રોકાયેલ હતા.(૬-૨૦)

(3:40 pm IST)