Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ર૮ વર્ષ શહેર પ્રમુખ, પ ટર્મ ધારાસભ્ય, બે વખત કેબીનેટ મંત્રી રહીને

આજીવન કોંગ્રેસની ''વિચારધારા''ને વળગી રહેલા દાદાની અંતિમયાત્રામાં આવવાનો કોંગી નેતાઓને ''વિચાર''ના આવ્યો!!

મામુલી કાર્યક્રમોમાં સાગમટે રાજકોટમાં ટપકી પડયા પરંતુ મહારથીને ''માન'' આપવાથી દૂર રહેતા ચકચાર

રાજકોટ તા. ર૯: રાજકોટ શહેર ગઇકાલે પોતાના સિધ્ધાંતવાદી અને પ્રમાણીક રાજવીને ગુમાવ્યા સમગ્ર રાજકોટ હીબકે ચડયું પરંતુ ર૮ વર્ષ કોંગ્રેસના શહેર પ્રમુખપદે અડીખમ રહી કોંગ્રેસને સજીવન રાખનાર, પ ટર્મ રાજકોટનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનાર અને બે વખત કોંગ્રેસી સરકારના પ્રથમ હરોળના કેબીનેટ મંત્રી રહેનાર રાજવી ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા આજીવન કોંગ્રેસની ''વિચારધારા''ને વળગી રહ્યા પરંતુ દાદાની અંતિમયાત્રામાં આવવાનો પ્રદેશ કોંગ્રેસના નેતાઓને વિચાર સુધ્ધા ના આવ્યો તે બાબતે રાજકોટવાસીઓ ત્થા સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોને વસવસો રહ્યા સાથે ચકચાર જાગી છે.

 

મામુલી કાર્યક્રમોમાં પણ રાજકોટમાં સાગમટે ટપકી પડતા પ્રદેશના કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસના આજીવન મહારથીએ અંતિમશ્વાસ લીધા ત્યારે અંતિમ દર્શને આવવા ત્થા અંતિમયાત્રામાં જોડાવવા માટે પ્રદેશ કોંગ્રેસનાં એકપણ નેતા નજરે ન પડતા ખુદ કોંગ્રેસી આગેવાનો ત્થા કાર્યકરોમાં પણ કચવાટ ફેલાયો છે.

સૌરાષ્ટ્રની ધીંગી ધરા તો એવી છે કે અહીંયા દુશ્મનોના ઘેર પણ ખોટકાના પ્રસંગે જવાનો ઇતિહાસ છે. ભાવનગરના રજવાળા સામે બહારવટુ ખેલતા જોગીદાસ ખુમાણનો દાખલો તો જગજાહેર છે ત્યારે સૌરાષ્ટ્રના સંસ્કારોને જીવી જાણેલા રાજકોટના રાજવીએ તો કોંગ્રેસને મજબૂત બનાવવામાં આયખું ઘસી નાખ્યું હતું ત્યારે લોકોમાં એવો પ્રશ્ન થઇ રહ્યો છે કે, ગુજરાતના પ્રદેશ નેતાઓ એવી તે કઇ મહામૂલી પ્રવૃતિમાં ઓતપ્રોત હતા કે પોતાના પક્ષના તેજસ્વી તારલાના અંતિમદર્શને કે અંતિમ યાત્રામાં જોડાઇ ના શકયા.

રાજકોટમાં દાદાનું શરીર ચાલતું હતું ત્યાં સુધી કોંગ્રેસ શહેરમાં મજબુત હતી શહેરમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર આખામાં તેમનું જબરૂ પ્રભુત્વ હતું ત્યારે એક સમયના કોંગી મહારથીને અંતિમ માન આપવા બાબતે પ્રદેશ કોંગ્રેસી નેતા કેમ ઉણા ઉતર્યા તે સવાલે રાજકોટવાસીઓને વિચારતા કરી દીધા છે.

આજીવન કોંગ્રેસી વિચારધારાને વરેલા અને છેલ્લે નાદુરસ્ત તબીયત છતાં રાજકોટ પૂર્વની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજયગુરૂ માટે ઝુંપડ પટ્ટીઓની પણ મુલાકાત લઇને કોંગ્રેસને મળેલી એકમાત્ર શહેરની વિધાનસભા બેઠકમાં યથાયોગ્ય યોગદાન આપનાર સિધ્ધાંતવાદી રાજપુરૂષ રાજવી મનોહરસિંહજી જાડેજાના અંતિમદર્શન ત્થા અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણમંત્રી ભાજપના સાંસદ મેયર નિગમ ચેરમેનો સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓની હાજરી સ્પષ્ટ નજરે પડી પરંતુ કોંગ્રેસના એકપણ પ્રદેશ નેતાઓ નજરે ન પડતા ચકચાર જાગી હતી.

જો કે દાદા સાથે અતૂટ લાગણીથી જોડાયેલા શહેરના તમામ સ્થાનિક કોંગી આગેવાનો, કાર્યકરો ભીની આંખે દુઃખની લાગણી સાથે છેક સુધી ઉપસ્થિત હતા પરંતુ કોંગ્રેસી નેતાઓની પીડાદાયક ગેરહાજરી સ્પષ્ટ નજરે પડી હતી. (૭.૪ર)

(3:31 pm IST)