Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સ્કૂલ ફીના હપ્તા પિતા કઇ રીતે ભરશે? તેની ચિંતામાં ધોરણ-૯ના છાત્રએ જિંદગી ટૂંકાવી

ગાંધીગ્રામના જિવંતીકાનગરના રજપૂત પરિવારમાં ગમગીનીઃ રિક્ષાચાલક કિરીટભાઇ સોલંકી પત્નિ સાથે ફી બાબતે વાત કરતા'તા તે પુત્ર સાંભળી જતાં ગળાફાંસો ખાધો

રાજકોટ તા. ૨૯: આજનું ભણતર ભારવાળુ થઇ ગયું છે. કમરતોડ ફી વધારો વાલીઓની મુંજવણ વધારી દે છે. ત્યારે ગાંધીગ્રામના જિવંતીકાનગરમાં ધોરણ-૯ના છાત્રએ પિતા પોતાની સ્કૂલી ફીના હપ્તા કઇ રીતે ભરશે? તેની ચિંતામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં રજપૂત પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જિવંતીકાનગર-૨માં રહેતાં તરૂણ કિરીટભાઇ સોલંકી (ઉ.૧૬) નામના રજપૂત છાત્રએ સાંજે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મોટા ભાઇને જાણ થતાં તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્સ. જેન્તીભાઇ ગોવાણી અને કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર તરૂણ ત્રણ ભાઇમાં વચેટ હતો અને માધાપર ચોકડી પાસેથી સ્કૂલમાં ધોરણ-૯માં ભણતો હતો. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.

તરૂણની ફી ભરવાના તેના પિતા કિરીટભાઇ પાસે પૈસા ન હોઇ તેણે લોન લઇ ફી ભરી હતી. લોનના હપ્તા બાબતે કિરીટભાઇ તેના પત્નિ સાથે વાતચીત કરતાં હતાં એ વાત તરૂણ સાંભળી ગયો હશે અને હવે પિતા ફી કઇ રીતે ભરશે? તેની ચિંતાને કારણે તેણે આ પગલું ભરી લીધાનું પરિવારજનોનું માનવું છે. બનાવથી રજપૂત પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. બીજુ કોઇ કારણ જવાબદાર તો નથી ને? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

(12:08 pm IST)