Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

'ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ'નો સોમવારથી મંગલ પ્રારંભ

૯ ફુટની હીરાજડીત મુર્તિ બિરાજમાન કરાશે : દાદાની સન્મુખ દરરોજ આરતી પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો : મહોત્સવનો ૨૦ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૯ : સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાર્વજનિકતાનો નવો આયામ આપનાર ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આગામી તા. ૨ ના સોમવારથી દબદબાભેર પ્રારંભ થઇ રહ્યો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે તા. ૨ થી ૧૧ સપ્ટેમ્બર સુધી ત્રિકોણબાગ ખાતે દાદાની ૯ ફુટની હિરાજડીત ઇકોફ્રેન્ડલી મુર્તિનું સ્થાપન કરાશે. ર સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યે  ગણપતિદાદાના જયજયકારથી આખો ચોક ગજાવી દેવાશે.

નાસીકમાં મૂર્તી તૈયાર થઇને આવ્યા બાદ રાજકોટમાં સ્થાનીક કારીગરો દ્વારા  વોટર કલર અને હીરા માણેકની સજાવટ કરવામાં આવે છે. ભકતોને આશિર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં ગણપતિ દાદા બીરાજશે. તેમના સિંહાસન પર વાંસડી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ તેમજ મયુર નૃત્યના દ્રશ્યો પણ શોભાયમાન થશે.

ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહોત્સવનો શુભારંભ કરાવાશે. સતત ૧૧ દિવસ સવાર સાંજ તમામ ધર્મ સંપ્રદાયના સંતો, સામાજીક, રાજકીય આગેવાનો, વિવિક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતીમાં પૂજા - આરતી થશે.

દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જેમાં તા. ૫ ના ગુરૂવારે સાંજે પ વાગ્યે બહેનો માટે મહેંદી સ્પર્ધા, તા. ૭ ના સાંજે પ વાગ્યે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા તથા રાત્રે ૮.૩૦ વાગ્યે શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, તા. ૯ ના સોમવારે સાંજે પ વાગ્યે જાહેર જનતા માટે રંગોળી સ્પર્ધા, તા. ૧૦ ના સાંજે પ વાગ્યે બાલ ચિત્ર સ્પર્ધા, તા. ૧૧ ના બુધવારે ઓરકેસ્ટ્રાના સથવારે દાંડીયા રાસ સ્પર્ધા, તા. ૪ ના બુધવારે સાંજે પ વાગ્યે વ્યસન મુકિત અભિયાન અંતર્ગત પ્રવચન, તા. ૮ ના રવિવારે સાંજે પ વાગ્યે રકતદાન શીબીર, થેલેસેમીયા પરિક્ષણ કેમ્પ થશે.

પ્રથમ દિવસે જ ગણેશ વંદના નૃત્ય વાટીકા, તા. ૫ ના ગુરૂવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ઇશ્કોન મંદિરનો ધૂન-કીર્તનનો કાર્યક્રમ, આર્ટ ઓફ લીવીંગનો સત્સંગ, તા. ૯ ના સોમવારે સંગીતમય મહા ઓમકાર આરતી, તા. ૧૧ ના બુધવારે સાંજે પ વાગ્યે સત્યનારાયણ કથા, તા. ૩ ના મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે હાસ્ય દરબાર- ડાયરો, તા. ૬ ના શુક્રવારે સાંજે પ વાગ્યે આરતી સુશોભન સ્પર્ધા, રાત્રે ૮.૩૦ વાગ્યે સંતવાણી, તા. ૧૦ ના બુધવારે શ્રીનાથજીની ઝાંખી રજુ થશે. આ કાર્યક્રમોમાં પધારવા જાહેર જનતાને નિમંત્રણ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના સુત્રધાર જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ ભરત રેલવાણી, વિશાલ નેનુજી, ચંદુભાઇ પાટડીયા, કમલેશ સંતુમલાણી, કુમારપાલ ભટ્ટી, દર્શન પાલા, આનંદ પાલા, નાગજીભાઇ બાંભવા, ઇન્દ્રદીપ વ્યાસ, નિલેશભાઇ ચૌહાણ, વિમલ નૈયા, કરણ મકવાણા, કિશન સિધ્ધપુરા, યશ ચંદવાણી, નયન દુદાણી, વિશાલ કવા, રાજન દેસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

મહોત્સવનો ૨૦ માં વર્ષમાં પ્રવેશ : માનતાના ગણેશનું પણ અહીં માનભેર સ્થાપન થાય છે

રાજકોટ તા. ૨૯ : આજથી ૧૯ વર્ષ પહેલા જનચેતના જગાવવા ત્રિકોણ બાગ ખાતે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેને બે દાયકા પૂર્ણ થતા ૨૦ માં પ્રવેશ થયો હોવાનું જીમ્મીભાઇ અડવાણીએ જણાવ્યુ હતુ. અહીંથી બાદમાં સમગ્ર શહેર અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે ગણેશ મહોત્સવની શરૂઆત થયેલ. કોઇને માનાતાના ગણેશ બેસાડવાના હોય કે પછી કોઇએ મહોત્સવ શરૂ કર્યા પછી કોઇ અડચણ આવી હોય તો તેવા ગણેશજીની મુર્તિઓને પણ ત્રિકોણબાગના મહોત્સવ સ્થળે સ્થાન અપાય છે. દરરોજ આરતી પૂજનમાં સામેલ કરી વિસર્જન કરી આપવા સુધીની જવાબદારી સંભાળવામાં આવે છે. ગણેશ સ્થાપન માટે કોઇને કાંઇપણ પ્રકારની જાણકારીની જરૂર હોય તો મો.૯૯૨૪૦ ૯૯૨૪૧ ઉપર હેલ્પલાઇન સેવા ચોવીસ કલાક ચાલુ રહેશે. તેમ જીમ્મીભાઇ અડવાણીએ જણાવ્યુ હતુ.

(3:30 pm IST)