Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કલમ ૩૭૦ હટાવ્યા બાદ પ્રથમવાર ગુજરાત આવેલા અમિતભાઇ માટે પ્રજામાં અદમ્ય ઉત્સાહઃ રાજુ ધ્રુવ

રાજકોટ, તા., ૨૯:  ગત ઓગષ્ટ ર૦૧૪ માં ભાજપા અધ્યક્ષ તરીકે સતાવાર વરણી થયા પછી પાર્ટીને યોગ્ય દિશા આપવામાં અનન્ય પ્રદાન કરનાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નિતીઓ અને યોજનાઓને જન જન સુધી પહોંચાડવાની રણનીતીઓ ઘડનાર અને દરેક ચુંટણીઓની સફળ વ્યુહરચના ઘડનાર શ્રી અમિતભાઇ શાહ કેન્દ્રમાં ગૃહમંત્રી બન્યા અને કાશ્મીરની ૩૭૦ કલમ નાબુદ કર્યા પછી સૌ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવતા સમગ્ર પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ પ્રસર્યો હોવાનું ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

તાજેતરમાં અરૂણ જેટલીજીના થયેલ અવસાનને ધ્યાને લઇ રંગારંગ કાર્યક્રમો વગર સાદગીપુર્ણ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો.

અમિતભાઇ ભાજપા અધ્યક્ષ બન્યા ત્યારે પાર્ટીના સભ્યોની સંખ્યા લગભગ ૩.૬ કરોડની આસપાસ હતી. અધ્યક્ષ બન્યા પછી તેમણે પાર્ટીના જનાધારને મજબુત કરવાની દિશામાં કામ શરૂ કર્યુ. દેશવ્યાપી સદસ્યતા અભિયાન ચલાવ્યું અને જાતે અનેક રાજયમાં ફરીને અભિયાનને ઉતેજન આપ્યું. માત્ર એક વર્ષ કરતા પણ ટુંકાગાળામાં પાર્ટીના સભ્યોની સંખ્યા દશ કરોડને પાર થઇ ગઇ છે.

અમિતભાઇ શાહે પાર્ટીને સરકારની યોજનાઓની વાહક બનાવી છે. સરકાર જયાં સુધી ન પહોંચી શકે ત્યાં સુધી અમિતભાઇ શાહ રણનીતી સાથે પહોંચી જાય છે. ધીમે ધીમે ભાજપ તરફી વાતાવરણ તૈયાર કરે છે અને આખરે તે વિસ્તારને ભાજપની ઝોળીમાં ઉમેરી દે છે.

ગૃહ મંત્રાલય સંભાળતા જ તેમણે આંતરીક સ્તરે દેશ ઘર કરી ગયેલી સમસ્યાઓના નિવારણ માટે ધમધમાટ શરૂ કરાવ્યો. દેશના દરેક પ્રશ્ન માટે અલગ અલગ રણનીતી બનાવી અને તેને લાગુ કરવા માટે મહેનત કરવા લાગ્યા. આમા સૌથી વધુ જટીલ પ્રશ્ન હતો કાશ્મીરનો. આઝાદી પછીથી કાશ્મીર ભારત માટે કાયમ માથાનો દુઃખાવો સાબીત થયું છે. જે તે સમયે સ્થાનીક હિતોને સંતોષવા માટે બંધારણમાં અમુક એવી કલમો ઉમેરવામાં આવી હતી કે જે આગળ જતા ભારતની એકતા અને અખંડીતતા માટે અડચણ સાબીત થઇ રહી હતી.

એવામાં ગૃહમંત્રી તરીકે શ્રી અમિતભાઇ શાહે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કાશ્મીર સમસ્યાનું કાયમી નિરાકરણ શોધવાનું બીડુ ઝડપ્યું અનેક સંભાવનાઓ પર વિચાર કર્યા પછી આખરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો.

આખરે શ્રી શાહે સંસદમાં વાંધાજનક  કલમ રદ કરવા માટે પ્રસ્તાવ મુકયો એ સાથે જ ભારતીય રાજનીતીના ઇતિહાસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે અમિતભાઇ શાહનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાઇ ગયું.

ગૃહમંત્રી બન્યા પછી અમિતભાઇ શાહ પહેલી વાર ગુજરાત આવી રહયા છે ત્યારે ગુજરાતના કાર્યકર્તાઓ અને નેતાઓમાં તેમને આવકારવાનો અનેરો ઉત્સાહ હતો પણ આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાશ્રી અરૂણ જેટલીનું અવસાન થતા ખુદ અમિતભાઇ શાહે તમામ સ્વાગત કાર્યકમો રદ કરાવીને સ્વર્ગસ્થ નેતા પ્રત્યે પોતાનો ભાવ વ્યકત કરીને કરોડો લોકોના દિલ જીતી લીધા છે તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

(1:27 pm IST)