Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

શ્રાવણ અને પર્યુષણમાં 'માસ વેંચાણ બંધી'નો કડક અમલ કરાવો

વિહીપ, બજરંગદળ અને જીવદયાપ્રેમીઓ દ્વારા મેયર અને મ્યુ. કમિશ્નરને વિસ્તૃત રજીઆત

રાજકોટ તા. ૨૯ : પવિત્ર શ્રાવણ માસમાં સોમવાર, જન્માષ્ટમી સહીતના પવિત્ર તહેવારો તેમજ આગામી દિવસોમાં શરૂ થઇ રહેલ જૈનોના પર્યુષણ પર્વે કતલખાના, મીટ શોપ, પોલ્ટ્રી શોપ, ફીશ શોપ સહીતના માસનું વેંચાણ કરતા ધંધા બંધ રાખવા જાહરેનામુ બહાર પડતુ હોવા છતા કડક અમલવારી થતી ન હોવાના અસંતોષ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, જૈન સમાજ અને જીવદયાપ્રેમીઓએ સંયુકત રીતે મેયર તથા મ્યુ. કમિશ્નરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી કડક અમલવારી કરાવવા રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવેલ છે કે હાલ શ્રાવણના પવિત્ર તહેવારો ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં જન્માષ્ટમી છે. તેમજ તા. ૬ થી ૧૩ સપ્ટેમ્બર શ્વેતાંબર જૈન સમુદાયના પર્યુષણ અને તા. ૧૪ થી ૨૩ સપ્ટેમ્બર દિગંબર જૈન સમુદાયના પર્યુષણ પર્વ ઉજવાશે.

આ દિવસોમાં રાજકોટમાં માસ મટન મચ્છી વગેરે નોનવેજ વેંચાણ નહી કરવા જાહેરનામુ બહાર પડે છે છતા આવી પ્રવૃત્તી બેરોકટોક ચાલતી રહે છે. અરે જાહેર રોડ પરના દબાણ હટાવવાની થતી કામગીરી દરમિયાન પણ આવા ધંધાર્થીઓની રેકડીઓને કોઇ હાથ શુધ્ધા લગાડતુ ન હોવાનો રોષ આવેદનપત્રમાં વ્યકત કરાયો છે.

આ લેખિત આવેદનપત્રમાં જીવદયાપ્રેમીઓએ વિસ્તારોનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને જણાવેલ છે કે સદર, ફુલછાબ ચોક, મોચી બજાર, જંગલેશ્વર, ભગવતીપરા, મોરબી રોડ, થોરાળા, દુધની ડેરી, કોઠારીયા સોલવન્ટ પાસે, ૮૦ ફુટ રોડ પાસે, મોટા મવા, કિડની હોસ્પિટલ સામે સહીતના વિસ્તારોમાં માસ, મટન, ઇંડા સહીતનું વેંચાણ ધમધમતુ રહે છે. શહેરમાં ૩૦૦ થી વધુ આવી લારીઓ ખડકાતી રહે છે. અનેક વિસતારોમાં ગેરકાયદે કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે. આ બાબતે પોલીસ કમિશ્નર અને કલેકટરને વખતો વખત રજુઆતો થતી આવી છે છતા કડક હાથે કામગીરી થતી નથી.

એજ રીતે જળાશયોમાં પણ ગેરકાયદેસર નિયમિત માછીમારી થઇ રહી છે. આ બાબતે પણ ઘટીત કાર્યવાહી થાય તેવી આશા જીવદયાપ્રેમીઓએ આવેદનપત્રના અંતમાં વ્યકત કરી છે.

આ રજુઆતમાં વિહીપના સૌરાષ્ટ્ર પ્રાંતના શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, બજરંગદળના હરેશભાઇ ચૌહાણ, રાજુભાઇ જુંજા, એનીમલ વેલ્ફેર બોર્ડના મિતલ ખેતાણી, રાજેન્દ્ર શાહ, પ્રતિક સંઘાણી, કિશોરભાઇ કોરડીયા, સુનીલભાઇ દામાણી, હેમાબેન પારસભાઇ મોદી, ભાસ્કરભાઇ પારેખ, જયભાઇ મહેતા, ચંદ્રેશભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, કલ્પેશભાઇ ગમારા, કમલેશ મોદી, નરેન્દ્રભાઇ સરધારા, ઉમંગ મહેતા, સાગર પરમાર, દિનેશભાઇ પરમાર સહીત સંખ્યાબંધ જીવદયાપ્રેમીઓ સાથે જોડાયા હતા.

એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન ગાંધીનગરની એક યાદીમાં જણાવ્યા મુજબ પર્યુષણ પર્વ નિમિતે રાજયના તમામ કતલખાના બંધ રાખવા સરકાર જાહેરનામુ પહાર પાડવા અને કડક અમલ કરાવાય તેવી વિનંતી કરાઇ છે.

(4:01 pm IST)