Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રાજકોટના કેતનભાઇ પટેલના ૪૨ એ.સી. ચાંઉ કરી જનાર પાટણના વધુ બે પકડાયા

પાટણ જીલ્લા કોટન કપાસ ઉત્પાદક સંઘના એમ.ડી.ના નામે ફોન કરી ઠગાઇ કરતાં અગાઉ એક પકડાયો'તો : એ-ડિવીઝન પોલીસે સંજય અને અનિલની ધરપકડ કરીઃ ૧૨ એ.સી. કબ્જે

રાજકોટ તા. ૨૯: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે શિલ્પન રેસિડેન્સી બ્લોક નં. ૨૭ની સામે 'પંચવટી' ખાતે રહેતાં અને ટાગોર રોડ પર જે. પી. ટાવરમાં ગ્રાઉન્ડ ફલોરમાં કેે. કે. માર્કેટિંગ નામે કિરીટભાઇ ગોવિંદભાઇ ભાલોડીયા સાથે ભાગીદારીથી એ.સી. અને કોમર્શિયલ રેફ્રિજરેટરનો વેપાર કરતાં કેતનભાઇ ગોવિંદભાઇ તંતી (ઉ.૪૨) નામના પટેલ યુવાન સાથે પાટણ જીલ્લાના સમી તાબેના રવદ ગામના મિતુલ ઉર્ફ અમિત ભગવાનદાસ પટેલ નામના શખ્સે પોતે પાટણ જીલ્લા કોટન ઉત્પાદન સંઘ લિ.ની ઓફિસમાંથી  વેપારી સંઘના એમ.ડી. બોલે છે તેમ વાત કરી ખોટી ઓળખ આપી રૂ. ૧૩,૬૫,૦૦૦ના ૪૨ નંગ એ.સી. ખરીદ કરી પૈસા ન આપી ઠગાઇ કરતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી આ શખ્સને ઝડપી લીધો હતો. તેની પુછતાછમાં વધુ બે શખ્સના નામ ખુલ્યા હતાં. તેની પણ આજે એ-ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે.

કેતનભાઇને ૧૪/૫ના બપોરે બારેક વાગ્યે પોતે શો રૂમ ખાતે હતાં ત્યારે તેના મોબાઇલમાં ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે પાટણ જીલ્લા કોટન (કપાસ) ઉત્પાદક સંઘ લી. દૂકાન નં. ૩૧૭, તિરૂપતી કોમ્પલેક્ષ સિધ્ધપુર ચાર રસ્તા પાટણ સંસ્થાના એમ.ડી. અમિત પટેલ વાત કરે છે તેમ જણાવી સંસ્થા માટે ૧ાા ટનના ૪૨ નંગ એ.સી.ની જરૂર હોઇ ભાવ મંગાવ્યા હતાં. આથી કેતનભાઇએ એક એ.સી.ના રૂ. ૩૨૫૦૦ થાય તેમ જણાવીતેના વ્હોટ્સએપ નંબર પર ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. એ પછી અમિતે પટેલે પોતાને આ ભાવ અનુકુળ છે તેમ કહી ૪૨ નંગ એ.સી.નો ઓર્ડર આપ્યો હતો અને આ એ.સી. પહોંચાડવા માટેનું સરનામુ પણ મોકલ્યું હતું.

સોદો નક્કી થયા બાદ કેતનભાઇએ ૧૩,૬૫,૦૦૦ ના ૪૨ એ.સી.મોકલ્યા હતાં. પણ બાદમાં અમિત પટેલે પૈસા ન મોકલી ઠગાઇ કરી હતી.  આ ગુનામાં અમિતને અગાઉ ઝડપી લેવાયો હતો. તેણે અમુક એ.સી. પાટણના હાડી તાબેના કુકરાણા ગામના સંજય ધરમશીભાઇ રબારી અને ખાખડી ગામના અનિલ નારણભાઇ રબારીને વેંચ્યા હોવાનું કબુલ્યું હતું. આ બંનેને બરોડા ક્રાઇમ બ્રાંચે પકડતાં ત્યાંથી બંનેનો કબ્જો લઇ ધરપકડ કરવામાં આવી છે. પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. સાખરા,  શિવરાજસિંહ જાડેજા, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ઇન્દુભા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. એક શખ્સ પાસેથી બાર નંગ એ.સી. કબ્જે થયા છે. (૧૪.૯)

(3:54 pm IST)