Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ગર્ભ પરીક્ષણના મુખ્ય આરોપી ઉમેદ ગીલાણીએ મશીન સુરતના દર્શન પાસેથી મેળવ્યું'તું

ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજાએ ઉમેદ ઉર્ફે મુન્નાને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં ખડો કર્યો

રાજકોટ, તા.,ર૮: મોબાઇલ જેવડા નાના એવા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરી આપવાના ગુન્હામાં નાસી છુટેલા મુખ્ય આરોપી ઉમેદ ઉર્ફે મુન્નો પ્યારઅલી ગીલાણી (ઉ.વ.૪૭) (રહે. નહેરૂનગર-પ, રૈયા રોડ)ને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.જે.જાડેજાએ ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

આ પહેલા મુન્ના ઉર્ફે ઉમેદની પાર્ટનર અને નર્સીગનો બહોળો અનુભવ ધરાવતી રમા બડમલીયા અને આ બંન્નેના એજન્ટ નિતેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ થઇ ચુકી છે. આ ગુન્હામાં અન્ય બેની પણ અગાઉ ધરપકડ થઇ હતી. રમા બડમલીયા મશીનરી કયાંથી આવી? તે વિષે મગનું નામ મરી પાડતી ન હતી. દરમિયાન ઝડપાયેલા ઉમેદ ઉર્ફે મુન્ના ગીલાણીની ઉલટ તપાસમાં તેને ગર્ભ પરીક્ષણનું મશીન સુરતનો દર્શન નામનો શખ્સ આપી ગયાનું જણાવ્યું છે. આ શખ્સની ઓળખાણ કોના મારફત થઇ અને કઇ રીતે મશીન મેળવ્યુ? દર્શનની પુરી ઓળખ અને સરનામું શું? સહિતના મુદ્દે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. વધુ તપાસ પીએસઆઇ વનરાજસિંહ જાડેજા કરી રહયા છે.(૪.૬)

(3:40 pm IST)