Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સવારે રાજકોટમાં વિજયભાઇના આગમન બાદ બેઠકોનો દોર

એરપોર્ટથી સીધા જ કલેકટર કચેરીએ પહોંચ્યા : મુખ્યમંત્રી શ્રી રૂપાણી, કલેકટર રેમ્યા મોહન, ભાજપ પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ ત્રણેય સાથે એક જ કારમાં આવ્યા : પ્રભારી રાહુલ ગુપ્તા, એ.ડી. કલેકટર પરિમલ પંડયા અને મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા સ્વાગત : ૬૦ થી ૭૦ ગાડીના કાફલા સાથે ચુસ્ત સુરક્ષા

રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. બાજુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, ભાજપના અગ્રણી રાજુ ધ્રુવ, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, સચિવ રાહુલ ગુપ્તા વગેરે ઉપસ્થિત. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : આજે સવારે ૧૦.૨૫ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું રાજકોટ ખાતે આગમન થયું હતું. તેઓ સીધા જ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને તુરંત જ કોરોના સ્થિતિની સમીક્ષા માટેની બેઠકોનો દોર શરૂ કરી દીધો હતો.

સવારે ૧૦.૨૫ વાગ્યે એરપોર્ટથી સીધા જ કલેકટર કચેરીએ મુખ્યમંત્રી શ્રી રૂપાણી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે તેઓની કારમાં કલેકટર રેમ્યા મોહન, પ્રદેશ ભાજપના આગેવાન નિતીન ભારદ્વાજ આ ત્રણેય એક જ કારમાં કલેકટર કચેરીએ પહોંચ્યા બાદ ત્યાં તેઓનું સ્વાગત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લાના પ્રભારી અધિકારી ડો. રાહુલ ગુપ્તા, એડી. કલેકટર પરિમલ પંડયાએ કર્યું હતું.

કલેકટર કચેરીએ પહોંચતા જ મુખ્યમંત્રીશ્રીએ બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જોકે કલેકટર કચેરીમાં મિડીયાને પ્રવેશબંધી હતી. તેથી કમ્પાઉન્ડમાં મિડીયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રી સાથે સુરક્ષા માટે ૬૦ થી ૭૦ ગાડીઓનો કાફલો જેમાં કયુઆરસી વાન, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ વાન, કમાન્ડો વાન વગેરેનો સમાવેશ થતો હતો.  ઉપરાંત કલેકટર કચેરી ખાતે ૪૦૦થી ૫૦૦ પોલીસ જવાનો, કલેકટર કચેરીના અધિકારીઓ વગેરે ચુસ્ત બંદોબસ્તમાં રહ્યા હતા.

(4:22 pm IST)