Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ખાનગી હોસ્પિટલના કર્મચારી તેજસ પટેલનો ઇન્જેકશન ખાઇ આપઘાતઃ ઓછા પગારને કારણે ચિંતામાં હતો

મુળ કાલાવડના મોટા ભાડુકીયાનો વતનીઃ બેંગ્લોરમાં નર્સિંગનો અભ્યાસ કર્યો'તોઃ વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહેતો'તો : ચારેક માસથી હોસ્પિટલમાં નોકરી કરતો હતોઃ પગાર ઓછો હોઇ ચિંતામાં રહેતો હોવાનું મોટા ભાઇ મિતેશ પટેલનું કથન

તેજસ પટેલનો નિષ્પ્રાણ દેહ તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯: મુળ કાલાવડના મોટા ભાડુકીયાનો વતની અને હાલ રાજકોટના વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહી સિનર્જી હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતાં લેઉવા પટેલ યુવાને ઇન્જેકશન લઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઓછા પગારને કારણે તે કેટલાક દિવસોથી ટેન્શનમાં હોઇ તેના કારણે પગલુ ભર્યાની શકયતા તેના મોટાભાઇએ દર્શાવી છે.

જાણવા મળ્યા મુજબ વાવડીમાં વૃજલીલા ફલેટમાં રહેતાં તેજસ ચંદુભાઇ બાંભોલીયા (ઉ.૨૩) નામના લેઉવા પટેલ યુવાને કોઇ ઇન્જેકશન લઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ એસ.આર. સોલંકી અને ફિરોઝભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર તેજસ બે ભાઇમાં નાનો હતો. મોટા ભાઇ મિતેષભાઇ પટેલના કહેવા મુજબ તેજસે બેંગ્લોરમાં બે વર્ષ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. અગાઉ તેણે વેદાંત અને લેન્ડમાર્ક હોસ્પિટલમાં નર્સિંગ  સ્ટાફમાં નોકરી કરી હતી. ચારેક માસથી તે સિનર્જીમાં નોકરીમાં જોડાયો હતો અને તેની સેલેરી ૧૦૯૦૦ હતી. તેજસને બીજી કોઇ તકલીફ નહોતી. અમારા માતા હંસાબેન તથા પિતા ચંદુભાઇ વતન ભાડુકીયામાં રહે છે. તેજસને પગાર ઓછો પડતો હોવાની તે વાતો કરતો હતો. આ કારણે તે કેટલાક દિવસથી ચિંતામાં રહેતો હતો. પગારના પ્રશ્ને જ તેણે આ પગલુ ભર્યાનું જણાય છે.

પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. બનાવને પગલે પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:58 pm IST)