Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ચંપકનગરમાં સોની વેપારીઓ સાથે ૧૪ લાખની ઠગાઇના ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ

બી ડીવીઝન પોલીસે કેતન પંચાલ, રસીક ઉધાડ અને યશપાલ ચૌહાણનો જેલમાંથી કબ્જો લીધોઃ રીમાન્ડની તજવીજ

રાજકોટ તા. ર૯: શહેરના ચંપકનગરમાં આવેલ ભગત સીલ્વર ઓફીસ ધરાવતા સોની વેપારી તેના પાર્ટનર તથા અન્ય વેપારીઓના રૂ. ૧૪.૩૮ લાખના ચાંદીના દાગીના ઓળવી જઇ છેતરપીંડી આચરવાના ગુન્હામાં ત્રણ શખ્સોને બી ડીવીઝન પોલીસે જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ નજીક આર.ટી.ઓ. પાછળ શ્રીરામ સોસાયટી શેરી નં. ૯ માં રહેતા રમેશચંદ્રભાઇ બાપુશોભાઇ ખુશાલી (ઉ.વ. ૩ર) (મરાઠી) એ બી ડીવીઝન પોલીસ મથકમાં નવ દિવસ પહેલા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે છેલ્લા ૧ર વર્ષથી ચંપકનગર શેરી નં. ૧ માં ભગત સીલ્વર નામની ઓફીસ રાખી ચાંદીના દાગીનાનો ધંધો કરે છે અને સંભાજીભાઇ શીવાજીભાઇ ભગત પાર્ટનર છે. આશરે દોઢેક વર્ષ પહેલા મારી દુકાને શૈલેષ સોની અને નિલેષ સોની આવેલ અને હોલસેલ સોના તથા ચાંદીના દાગીનાનો વેપાર કરીએ છીએ તમે ચાંદીના દાગીના બતાવો જેથી મેં ચાંદીના દાગીના જેમાં ઠોસ ઘુઘરી આ બંને વેપારી મને તથા પાર્ટનર સંભાજીભાઇને વાત કરેલ કે 'અમારી ઓફીસ પેલેસ રોડ આશાપુરા મંદીર ઠકરાર આર્કેટ કોમ્પ્લેકસ ત્રીજા માળે શ્રધ્ધા ગોલ્ડ નામની દુકાન આવેલ છે. તેમ કહીને તેમનું શ્રધ્ધા ગોલ્ડ નામનું કાર્ડ પણ આપેલ હતું. તેમાં હરીશ સોનીનું નામ લખેલ હોઇ, તેના વિશે પૂછતા તે પાર્ટનર હોવાનું જણાવ્યું હતું. બે દિવસ બાદ આ બંને વેપારી જેમાં નિલેષ સોની તથા શૈલેષ સોની આવ્યા હતા અને પોતાની પાસેથી ચાર કિલો ચાંદીની ઘૂઘરી લઇ ગયેલ અને તેની સામે તેટલી કિંમતની ચાંદી આપી હતી. બાદ તા. ૧૬/૧ર/૧૭ના રોજ નિલેષ સોની અને હરીશ સોની આવ્યા હતા અને મને ચાંદીના દાગીના જેમાં ૧૧ કિલો ૪૦૦ ગ્રામની ઘૂઘરી કિંમત રૂ. ર,૪૮,૩૦૦નો ઓર્ડર આપ્યો હતો અને માલ તૈયાર થઇ જતા હું તથા મારા પાર્ટનર સંભાજીભાઇ આ શ્રધ્ધા ગોલ્ડ નામની દુકાને દેવા ગયા ત્યારે ત્યાં હરીશ સોની, નિલેષ સોની અને શૈલેષ સોની હાજર હતા અને તેઓને આ માલ આપ્યો હતો. ત્યાં તેના ચોથા પાર્ટનર કેતન પંચાલની ઓળખાણ કરાવી હતી અને તે બોમ્બેમાં શાર્પ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ધરાવે છે અને અમે બધા ભાગમાં સોના-ચાંદીનો ધંધો કરીએ છીએ તેમ યશપાલ ચૌહાણે જણાવ્યું હતું અને પોતાના પેમેન્ટ બાબતે જવાબદારી લીધી હતી. ત્યારબાદ તા. ર૬/૧ર/૧૭ના રોજ યશપાલ અને હરીશે ૧૦ કિલો ૯૯ર ગ્રામ ચાંદીની ઘુઘરીનો ઓર્ડર આપ્યો હતો. આ રીતે જુદા-જુદા સમયે આ છએ શખ્સોએ રૂ. ૧૪,૩૮,૯૧રની કિંમતના ચાંદીના દાગીના લઇ ગયા બાદ દાગીના ઓળવી જઇ છેતરપીંડી કરી હતી. આ પ્રકરણમાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસ તથા રાઇટર ચંદ્રસિંહ અને વિજયગીરીએ કેતન ઠાકોરભાઇ પંચાલ (ઉ.વ. ૪૭) (રહે. મુંબઇ મીરા રોડ ઇસ્ટ ઓસવાલ ઓરમેટ ફેસરા અને રસીક રવજીભાઇ ઉધાડ (ઉ.વ. પ૪) (રહે. ગાંધીધામ) અને યશપાલ રૂપારામ ચૌહાણ (ઉ.વ. ૩૦) (રહે. મુંબઇ વીરાર ઇસ્ટ મૂળ રાજસ્થાન)નો જેલમાંથી કબ્જો લઇ ત્રણેયની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(4:09 pm IST)