Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મેટોડામાં જમીનનો કબ્જો લેવા હથિયારો સાથે પકડાયેલ રાજકોટના ૮ સહિત ૯ શખ્સો બે દિવસના રીમાન્ડ પર

હુમલાનું પૂર્વયોજીત કાવત્રુ રચનાર મુખ્ય સૂત્રધાર જીતુ સુદાણીની શોધખોળ

રાજકોટ, તા. ૨૯ :. લોધીકાના મેટોડા ગામના પાટીયા પાસે ફાર્મ હાઉસમાં જમીનનો કબ્જો લેવા અને કબ્જો ન આપે તો મારી નાખવા સુધીની તૈયારી સાથે હથીયારો સાથે ધાડ-લૂંટના ઈરાદે એકત્ર થયેલ રાજકોટના ૮ સહિત ૯ શખ્સોને કોર્ટે બે દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે જ્યારે પૂર્વયોજીત કાવત્રુ રચનાર જીતુ સુદાણીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મેટોડા ગામના દેવરાજભાઈ વશરામભાઈ સોજીત્રા તથા તેના દીકરાઓ સાથે મૂળ મેટોડા ગામના અને હાલ રાજકોટ રહેતા જીતુ ધીરૂભાઈ સુદાણીને પૈસાની લેતી-દેતી તેમજ જમીન બાબતે તકરાર ચાલતી હોય ત્રણ દિ' પહેલા થયેલ ઝઘડામાં દેવરાજભાઈ પર જીતુ પટેલે હુમલો કરતા આ હુમલામાં ઘવાયેલ દેવરાજભાઈને રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે અને આ અંગે જીતુ સુદાણી સામે ફરીયાદ થતા પોલીસ તેને શોધતી હતી તે દરમિયાન લોધીકાના પીએસઆઈ એચ.પી. ગઢવી તથા સ્ટાફ જીતુ સુદાણીની શોધખોળ માટે મેટોડા ગામના પાટીયા સામે આવેલ રસ્તે તેના ફાર્મ હાઉસે જતા ત્યાં સુરેશ ઉર્ફે ભુરો અરજણ ભરવાડ રે. આજી ડેમ ચોકડી, માનસરોવર સોસાયટી, સત્યમ પાર્ક, દ્વારકાધીશ ડેરીને દેશી તમંચા સાથે તેમજ તેની સાથેના સંદીપ ઉર્ફે ગાંડો સાર્દુલભાઈ આહીર રે. નવાગામ કુવાડવા પોલીસ ચોકી પાછળ રાજકોટ, હરેશ કાનો મોહનભાઈ સોલંકી રહે. સંત કબીર રોડ સંજયનગર શેરી નં. ૪ રાજકોટ, કિશન દિનેશભાઈ ભરવાડ રે. કુવાડવા રોડ ચામુંડા સોસાયટી, સદગુરૂ આશ્રમ સામે રાજકોટ, ધર્મેશ મુકેશભાઈ ભરવાડ રહે. કેનાલ રોડ, લક્ષ્મીવાડી શેરી નં. ૫/૧૨નો ખૂણો, રવિ ઉર્ફે રઘુ ચંદુભાઈ કોળી રહે. વિદ્યુતનગર સોસાયટી બ્લોક નં. ૬૨ ગરબી ચોક મોરબી, જયસુખ અરજણભાઈ ભરવાડ રે. આજી ડેમ ચોકડી માનસરોવર સોસાયટી, સત્યમપાર્ક દ્વારકાધીશ ડેરી સામે રાજકોટ, વિપુલ ઉર્ફે કાલી ગોકળભાઈ ભરવાડ રે. જૂના માર્કેટયાર્ડ પાસે તથા અમુ કાનાભાઈ કોળી રહે. નવાગામ કુવાડવા પોલીસ ચોકી પાછળ રાજકોટને ધારીયા, ફરસી (કુહાડી), કુહાડા તથા લોખંડના પાઈપ જેવા પ્રાણઘાતક જેવા હથીયારો સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ ઉકત નવ શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામને બે દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પોલીસે હુમલાનું પૂર્વયોજીત કાવત્રુ રચનાર મુખ્ય સૂત્રધાર રાજકોટ સ્થિત જીતુ સુદાણીની શોધખોળ હાથ ધરી છે.

(11:48 am IST)