Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

૧૨ રાજમાર્ગો પર આડેધડ વાહન પાર્ક કરનારા ૫૭ દંડાયાઃ ૩૬ હજારનો ચાંદલો

મ્યુ.કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાની ટીમો દ્વારા ત્રણેય ઝોનમાં ચેકીંગઃ ડે.કમિશ્નર સહિતનાં અધિકારીઓને જવાબદારી

              રાજકોટ, તા., ૨૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના ૧ર રાજમાર્ગો પર વાહન પાર્કીગનો પ્રતિબંધ  જાહેર કરાયો છે અને આમ છતા જો આ પ્રતિબંધીત માર્ગો ઉપર વાહન પાર્કીગ કોઇ કરશે તો તેઓ રૂ. પ૦૦ થી પ૦૦૦ સુધીનો દંડ વસુલવાનું જાહેરનામું પણ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની દ્વારા પ્રસિધ્ધ કરાયું છે. જે અન્વયે  આજે ૫૭ વાહનોને ૩૬ હજાર નો દંડ કરાયો છે.

આ અંગે કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ શહેરના ૧ર રાજમાર્ગો ઉપર ગેરકાયદે હોર્ડીંગ્સ બોર્ડ, બેનરો, રાખનારાઓને દંડ ફટકારવા તથા વાહન પાર્કીગ કરનારાઓને દંડ ફટકારવાની કામગીરી જગ્યા રોકાણ વિભાગને સુપ્રત કરાઇ છે ત્યારે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે ત્રણ ઝોન વાઈઝ આઉટડોર ટીમ દ્વારા આ કામગીરીમાં કરવામાં આવ્યા હતા.જેમાં સેન્ટ્રલ ઝોનની આઉટડોર ટીમ સાથે નાયબ કમિશનર સી.કે.નંદાણી, સુરક્ષા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. ઝાલા, આસી. કમિશનર એચ.જે.કગથરા, આસી. મેનેજર બી.બી. જાડેજા અને વેસ્ટ ઝોનની આઉટડોર ટીમ સાથે નાયબ કમિશનર ડી.જે. જાડેજા, આસી. કમિશનર એચ.જે.ધડુક તેમજ ઈસ્ટ ઝોનની આઉટડોર ટીમ સાથે નાયબ કમિશનરશ સી.બી. ગણાત્રા, આસી. કમિશનર વી.એસ.પ્રજાપતિ, વિગેરે ઉપસ્થિત રહી શહેરના જુદાજુદા સ્થળેથી જેમાં વેસ્ટ ઝોન વિસ્તારમાંથી ૧૩ મોટર સાઈકલ, ૧૨ કાર, ૪ ટ્રેકટર સહીત કુલ ૨૯ વાહનોનો રૂ. ૧૯,૯૦૦ નો પાર્કિંગનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી ૦૧ મોટર સાઈકલ, ૫ રીક્ષા સહીત કુલ ૦૬ વાહનોનો રૂ. ૨,૯૦૦/- નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ ઈસ્ટ ઝોન વિસ્તારમાંથી ૫ મોટર સાઈકલ, ૩ કાર, ૫ હેવી વ્હીકલ, ૧ રીક્ષા સહીત કુલ ૧૪ વાહનોનો રૂ. ૭,૬૦૦ નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ બી.આર.ટી.એસ. રૂટ પરથી ૪ કાર, ૪ મોટર સાઈકલ સહીત કુલ ૮ વાહનોનો રૂ. ૬૦૦૦/-નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ ત્રણેય ઝોન દ્વારા કુલ ૫૭ વાહનો નો પાર્કિંગ વહીવટી ચાર્જ કુલ રૂ. ૩૬,૪૦૦/- વસુલવામાં આવ્યો હતો.

(3:39 pm IST)