Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પહેલા લગ્નની વાત કેમ છુપાવી તેમ કહી દીપ્તીબેન મારૂને પતિ વિપુલનો ત્રાસ

દરજી મહિલાની ફરિયાદ પરથી પતિ વિપુલ સામે ગુનો

રાજકોટ તા. ર૯: બજરંગવાડી રાજીવનગરમાં રહેતી દરજી મહિલાને ''બીજા લગ્નની વાત કેમ છુપાવી'' તેવી શંકા કરી પતિએ મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ ભારતીનગરમાં રહેતા દીપ્તીબેન વીપુલભાઇ મારૂ (ઉ.વ. ૪૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ર૦ વર્ષ પહેલા લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ  ન આવતા તે બાબતે ખાધા ખોરાકીનો કેસ ચાલુ હોઇ, દરમ્યાન તેણે બજરંગવાડી રાજીવનગર શેરી નં. ૧૪ બ્લોક નં. ૮ માં રહેતો વિપુલ અમૃતભાઇ મારૂ સાથે બીજા લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ વિપુલ મારૂ ઘરકામ જેવી નજીવી બાબતે તથા 'પહેલા લગ્નની વાત કેમ છુપાછી' તેવી શંકા કરી મારકુટ કરી ત્રાસ આપતો હતો. બાદ ઘરમાંથી કાઢી મુકયા બાદ 'જો પાછી ઘરે આવીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. આ અંગે મહિલા પોલીસે દીપ્તીબેન મારૂની ફરિયાદ પરથી વીપુલ મારૂ વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. મધુબેન પરમારે તપાસ હાથ ધરી છે.

(4:36 pm IST)