Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

એ ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વાસ્‍તવિકતા...

ધકેલ પંચા ૧પ૦: વેકેશન ખુલી ગ્‍યુ છતાં બી.કોમ. સેમ.ર નું પરિણામ બાકી છતા સેમ.૩ માં અભ્‍યાસ કાર્ય શરૂ

કુલપતિ-કુલ સચિવ-નિયામક સહિતના કાર્યકારીઓની છૂક...છૂક ગાડીથી છાત્રોનું કાર્ય અધ્‍ધતાલ

રાજકોટ, તા. ૨૯ :. ‘એ' ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રગડધગડ ચાલી રહી છે. ધંધાદારી સીન્‍ડીકેટ સભ્‍યો, એકેડેમીક કાઉન્‍સીલના સભ્‍યો, સેનેટ સભ્‍યો સૌ પોતાનો કોલેજનો ધંધો વિકસાવવામાં મથે છે પરંતુ ભવ્‍ય શૈક્ષણિક વારસો ધરાવતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ગરીમાને આસમાને પહોંચાડવા નક્કર કાર્ય થતુ નથી, પરિણામે વિદ્યાર્થીઓની હાલત દયનીય બની છે. કાર્યકારી કુલપતિ, કાર્યકારી કુલસચિવ, કાર્યકારી પરીક્ષા નિયામક સહિત અને કાર્યકારીઓની છુકછુક ગાડીમાં યુનિવર્સિટીનો વહીવટ ખોરંભે પડયો છે.

છેલ્લા ૮ દિવસથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વેકેશન ખુલી ગયુ છે. બી.કોમ. સેમેસ્‍ટર-૨ની પરીક્ષા એપ્રિલ માસમા યોજાયેલ. કાર્યદક્ષતાના આપમેળે ઢોલ પીટતા અધિકારીઓ અને પદાધિકારીઓ હજુ સેમેસ્‍ટર-ટુનુ પરિણામ જાહેર કરી શકયા નથી. ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ જાણે ગૌણ હોય તેમ ત્રીજા સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કાર્યમાં લાગી ગયા છે.

યુનિવર્સિટીના સૂત્રો પરિણામ મોડા બાબતે કોઈ શરમ ન હોય તેમ હજુ બી.કોમ. સેમેસ્‍ટર-૨નુ પરિણામ એક અઠવાડીયુ મોડુ જાહેર થશે તેવુ હસતા મોઢે કહે છે.

યુનિવર્સિટીની ગાડી નિયમીત, કાર્યદક્ષ, પારદર્શક અને શિક્ષણ અને વિદ્યાર્થીઓને ધ્‍યાને લઈ કાર્ય કરે તેવા કુલપતિની નિમણૂક તૂર્ત થઈ જોઈએ તેવી માંગ ઉઠી છે.

છેલ્લા ૩ વર્ષમાં પરીક્ષા વિભાગમાં અનેક કૌભાંડો પ્રકાશમાં આવ્‍યા છે. પ્રશ્નપત્ર ફુટી જવા, પૈસા દઈને પાસ થવુ, વધુ માર્ક આપવા, જાણી જોઈને નાપાસ કરવા, કેટલીક કોલેજોમાં વધુ પરીક્ષા ચોરી તો કેટલીક જગ્‍યાએ કડકાઈ થતી હતી. રાજ્‍ય સરકારની જેમ ગતિશીલ કાર્ય કરી શકે તેવા કુલપતિની ઝડપી નિમણૂક થાય તે આજના સમયની માંગ ઉઠી છે.

(4:04 pm IST)