Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભય-ભ્રષ્ટાચાર-ભ્રમનો માહોલઃ સરકાર આંધળી-બહેરી

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ મેદાનેઃ રાજકોટમાં ધરણાઃ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા-પ્રભારી રાજીવ સાતવની સૂચક ગેરહાજરી : ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલનાં અધ્યક્ષ હર્ષદ રીબડીયા, પુર્વ સાસંદ વ્રિકમ માડમ, સૌરાષ્ટ્રના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, જવાહર ચાવડા, ભીખાભાઇ જોશી, બ્રીજેશ મેરજા, લલીત વસોયા, પીરજાદા સહિતના કોંગી આગેવાનો ભાજપ પર તૂટી પડયા

રાજકોટ, તા. ૨૯ :. આજે અહીંના ત્રિકોણબાગ ખાતે યોજાયેલ કોંગ્રેસના ધરણામાં ખેડૂતોને વિવિધ પ્રશ્ને થઈ રહેલા અન્યાયોનો ઉલ્લેખ કરી સિનીયર ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના કોંગી આગેવાનોએ ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે બેફામ આક્ષેપો કરી અને આ ધરણામા ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં ભય-ભ્રમ અને ભ્રષ્ટાચારે માઝા મુકી છે કેમ કે ખેડૂતોને ભરમાવીને સત્તા મેળવ્યા બાદ ભાજપ સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી આપ્યા, ૩ હજાર કરોડનું મગફળી કૌભાંડ જેવા કૌભાંડો આધારીત ખેડૂતોની ઉઘાડી લૂંટ કરી એટલુ જ નહી કેનાલમાંથી પાણી લેનારા ખેડૂતોને ચોર કહી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોના હીત માટે ઉગ્ર આંદોલનો કરશે તેમ કોંગી આગેવાનોએ જણાવ્યુ હતું.

ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલનાં અધ્યક્ષ હર્ષદભાઇ રીબડીયા, ધારાસભ્ય, આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટના ત્રિકોણબાગ ખાતેસવારે ૧૦ થી બપોરના ૨ સુધી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

ખેડૂતોને આ દેશની ત્રીજા નંબરની પ્રજા ગણતા અને ખેડૂતોનું શોષણ કરવા માટેની નીતિઓ બનાવતા તથા ખેડૂત કાયમી દેવાના બોજ હેઠળ રહે એ પ્રકારની માનસિકતા ધરાવતા ભારતીય જનતા પાર્ટીના કરતૂતોને ઉજાગર કરવા માટેના આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને રજૂ કરવામાં આવી હતી.

હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આયોજીત ભ્રષ્ટાચાર ચાલે છે. જેમાં મગફળીના ગોડાઉનો સળગાવવા, મળતીયાઓને કોન્ટ્રાકટ આપવા, ચેક ડેમો અને ડેમો ઉંડા ઉતારવામાં કરોડો રૂપિયા વેડફવા, તથા ખેડૂતોની મુળભૂત માંગણીઓ, પોષણક્ષમ આપવા, સ્વામીનાથન કમીટીની ભલામણને લાગુ કરવા, સૌરાષ્ટ્રના ખેડૂતોના વીજ કનેકશનોને પ્રાયોરીટી આપવા, વન્ય પ્રાણીઓની રંઝાડ સામે રક્ષણ આપવા, એપીએમસી એકટની જોગવાઈઓને કાયદો બનાવવા સહિતની માંગણીઓ આ ધરણા દ્વારા સરકારશ્રી પાસે રજૂઆત કરનાર છે.

સૌરાષ્ટ્રભરના પ્રતિનિધિઓ અને ખેડૂતો આ ધરણાના કાર્યક્રમમાં ભાગ લેનાર હોય, રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષભાઈ વોરાએ ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરેલ  ધરણા કાર્યક્રમ સફળ બનાવવા જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, પક્ષના પદાધિકારીઓની મળેલ મીટીંગમાં પ્રદેશ મહામંત્રી  હેમાંગભાઈ વસાવડા, જી. પી. કારોબારી ચેરમેન  અર્જુનભાઈ ખાટરીયા, ઉપપ્રમુખ સુભાષ માંકડીયા, જીપીસીસીના મંત્રી  ચંદુભાઈ શીંગાળાએ માર્ગદર્શન આપેલ હતું.

આ ધરણામાં જામનગરનાં પૂર્વ સાસંદ વિક્રમ માડમ, જુનાગઢનાં ભીખાભાઇ જોશી, મોરબીનાં બ્રિજેશ મેરજા, ધોરાજીના લલીતભાઇ વસોયા  સહીતનાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બપોરે ૧ વાગ્યે ધરણા બાદ રેલી સ્વરૂપે કોંગી આગેવાનોએ કલેકટર કચેરીએ જઇ રાજયપાલશ્રીને સંબોધિને આવેદન પત્ર કલેકટરશ્રીને આપ્યુ હતુ.

(3:04 pm IST)