Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બુટલેગર હર્ષદ મહાજન અને ટોળકીએ પોલીસના બાતમીદારને શોધવા રાજકોટમાંથી પણ બે જણાને ઉઠાવી છરીઓ ઝીંકી'તી

પોલીસના બાતમીદાર મનાતા જીજ્ઞેશને શોધવા ગુંદાવાડીમાંથી તેના પિત્રાઇ ભાઇ નરેશભાઇ ખવાસનું અપહરણ કર્યુ, બાદમાં કોઠારીયા સોલવન્ટમાંથી જીગાના ભાઇ રવિને ઉઠાવ્યોઃ બંનેને છરીના ઘા ઝીંકયા બાદ છોડી મુકી ગોંડલના યુવાનને ઉઠાવીને ધોકાવ્યોઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૯: પોલીસ છેલ્લા એકાદ મહિનાથી સતત લાખોનો વિદેશી દારૂ ઝડપી રહી છે. ત્યારે પોલીસને બાતમી કોણ આપે છે? તે મુદ્દે જુના બુટલેગરોમાં દોડધામ મચી ગઇ છે. રઘવાયા થયેલા બુટલેગરોએ પોલીસના બાતમીદાર મનાતા શખ્સોને શોધવા માટે રાજકોટ-ગોંડલમાંથી ત્રણના અપહરણ કરી બેફામ માર મારી છરીના ઘા ઝીંકતાં ગોંડલ પોલીસ અને ભકિતનગર પોલીસે ગુના દાખલ કર્યા છે.

રાજકોટ ભકિતનગર પોલીસે ગુંદાવાડી પોલીસ ચોકી સામેની શેરીમાં રહેતાં રૈયા નાકા ટાવર પાસે આર્ટ સેન્ટર નામની દૂકાનમાં પ્રાઇવેટ નોકરી કરતાં નરેશભાઇ બાબુભાઇ મકવાણા (ખવાસ) (ઉ.૪૮)ની ફરિયાદ પરથી બુટલેગર હર્ષદ મહાજન, તેની સાથેના ચંદ્રેશ ઉર્ફ કાળીયો તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૦૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૪૫૦, ૩૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં નરેશભાઇએ જણાવ્યું છે કે તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય પડધરીની હદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો હોઇ તેમાં મારા કાકાના દિકરા જીજ્ઞેશ ઉર્ફ જીગો મકવાણાએ પોલીસને બાતમી આપ્યાની શંકા હોઇ જેથી હર્ષદ મહાજન સહિતના શખ્સો ૨૮મીએ રાત્રે સાડા બારેક વાગ્યે મારા ઘરે આવ્યા હતાં અને જીજ્ઞેશ કયાં રહે છે? તેનું સરનામુ પુછી મને કારમાં નાંખી બંને હાથે, પગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. તેમજ કોઠારીયા સોલવન્ટમાં જીગો જ્યાં રહે છે ત્યાં લઇ જવાનું કહેતાં ત્યાં પહોંચતા હું શેરી ભુલી જતાં ફરીથી મને પગમાં છરીના ઘા ઝીંકાયા હતાં.

એ પછી કારમાં જ એક શખ્સે 'હું હર્ષદ મહાજન છું, જીગાએ અને ધર્મેશ વ્યાસે ગોંડલના સાગર ગોહિલ સાથે મળી પડધરીમાં મારો દારૂનો ટ્રક પકડાવ્યો છે' તેમ કહી વધુ મારકુટ કરી હતી. એ પછી જીગાનું ઘર મળતાં ત્યાં ડેલી ખખડાવતાં મારા કાકા અને જીગાનો નાનો ભાઇ રવિ તથા કાકી હાજર હોઇ જીગા વિશે પુછતાં આ લોકોએ પોતને ખબર નથી તેમ જણાવતાં અહિથી રવિને પણ ઉઠાવી લીધો હતો અને તેને પણ ચાલુ ગાડીમાં માર મારી છરીના ઘા ઝીંકયા હતાં. અમને બંનેને ખુબ માર માર્યો હતો. એ પછી ગાડી ફરીથી કેનાલ રોડ પર લાવવામાં આવી હતી. હર્ષદ સહિતનાએ જો જીગો નહિ મળે તો તમને બેયના જીવતા નથી રહેવા દવા તેમ કહી ધમકી આપી હતી. બાદમાં કેનાલ રોડ પર પેશાબ કરવાના બહાને ગાડી રોકાવી હું બચીને ભાગીને ગુંદાવાડીના ખાંચામાં સંતાઇ ગયો હતો. મને ખુબ લોહી નીકળતાં હોઇ ઘરે જઇ મારા પત્નિને ાજણ કરતાં મને ગુંદાવાડી હોસ્પિટલે લઇ ગયા હતાં. એ પછી રવીને પણ આ લોકોએ છોડી મુકયો હતો.

ઉલ્લેખનિય છે કે બાદમાં હર્ષદ મહાજન અને ટોળકીએ ગોંડલ પહોંચી સાગરસિંહ ગોહિલને ઉઠાવી લીધો હતો અને ધમા વ્યાસ તથા જીગાની માહિતી માંગી તેનું પણ અપહરણ કરી માર મારી તેને રાજકોટ ફેંકી દીધો હતો. આ મામલે ગોંડલમાં અલગ ગુનો નોંધાયો છે.

(1:03 pm IST)
  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • અરવલ્લીના મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો :ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી :પંથકમાં વરસાદના આગમન સાથે વીજળી ગુલ :નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી access_time 10:36 pm IST

  • જૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST