Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પંચાયતનગરમાં ૧૭ વર્ષના વિદ્યાર્થી હર્ષ ખૂંટ સામે ૩૫ વર્ષની બાઇનો છેડતીનો આરોપઃ છ શખ્સોએ બેફામ માર માર્યો!

ગાંધીગ્રામ અક્ષરનગરનો હર્ષ પંચાયતનગરમાં જયેશ ઠાકોરના બાદશાહ કલાસમાં ડાન્સ શીખવા જાય છેઃ ત્યાંથી છુટ્યો ત્યારે એક મહિલાની સામે જોતાં તેણે બીજા લોકોને બોલાવી હુમલો કરાવ્યોઃ મારકુટનું વિડીયો શુટીંગ કરી છેડતી કર્યાની કબુલાત આપવા દબાણ કર્યુ

હુમલામાં ઘાયલ હર્ષ ખુંટ અને વાંસામાં મારના નિશાન જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯: ગાંધીગ્રામમાં રહેતાં અને ધોરણ-૧૨માં ભણતાં છાત્ર પટેલ સગીરને પંચાયતનગરમાં તે ડાન્સ શીખવા જતો હોઇ ડાન્સ કલાસીસની બાજુમાં રહેતી ૩૫ વર્ષની એક મહિલાએ પોતાની છેડતી કર્યાનો આરોપ મુકતાં એ મહિલાએ પોતાના ઘરના સભ્યોને અને બીજા પડોશીને બોલાવતાં બધાએ મળી આ છાત્રને બેફામ માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.

લાખના બંગલા પાસે અક્ષરનગરમાં ખોડિયાર કૃપા ખાતે રહેતાં અને પુરૂષાર્થ સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં હર્ષ ભરતભાઇ ખુંટ (ઉ.૧૭) નામના લેઉવા પટેલ છાત્રને રાત્રે સાડા નવેક વાગ્યે પંચાયતનગર-૩/૪ના ખુણે એક સરખા ત્રણ બ્લોકમાં રહેતાં છ લોકોએ મળી ઢીકા-પાટુનો બેફામ માર મારતાં સિવિલમાં દાખલ થતાં યુનિવર્સિટીના પીએસઆઇ કે. એન. ડોડીયાએ તેની ફરિયાદ નોંધી હતી.

હર્ષના કહેવા મુજબ પોતે અભ્યાસ કરવાની સાથે પંચાયતનગરમાં જયેશ ઠાકોરના બાદશાહ ડાન્સ કલાસમાં ડાન્સ શીખવા પણ જાય ે. રાત્રે સાડા નવે ત્યાંથી છુટીને એકટીવા લઇ ઘરે જવા નીકળ્યો ત્યારે શેરી નં. ૩/૪ના ખુણે એક આશરે ૩૫ વર્ષના મહિલા ઉભા હોઇ તેની સામે જોતાં તેણીએ તેના ઘરના સભ્યો અને પડોશીને બોલાવી 'આ છોકરાએ મારી છેડતી કરી' તેમ કહેતાં છ જણાએ મળી બેરહેમીથી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ વખતે ભેગા થયેલા લોકો વિડીયો શુટીંગ ઉતારવા માંડ્યા હતાં.

એટલુ જ નહિ મહિલાના સગા સહિતનાએ મારકુટ કરતાં-કરતાં વિડીયો રેકોર્ડિંગ કરી તે છેડતી કરી છે તેમ બોલ અને તારા ઘરનું સરનામુ તથા તારું નામ બોલ...તેમ કહી બળજબરી કરી હતી. એ દરમિયાન કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી. બાદમાં પોતાના મમ્મીને ફોન કરતાં તે તથા પિતા આવ્યા હતાં અને હોસ્પિટલે ખસેડ્યો હતો. આ લોકો મારકુટનો વિડીયો વાયરલ કરી બદનામ કરે તેવો ભય પણ હર્ષએ વ્યકત કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હર્ષના માતા-પિતાએ કહ્યું હતું કે બીજાની દાઝ અમારા નિર્દોષ દિકરા પર ઉતારાઇ હોય તેવું લાગે છે. કેટલાક લોકોને ડાન્સ કલાસ સામે વાંધો છે.  એ કારણે આ હુમલો થયાની શકયતા છે.

(11:21 am IST)