Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મ્યુકર માયકોસીસના ઇન્જેકશનના કાળાબજારનું કારસ્તાન ઝડપી લેતી શહેર એસઓજીઃ ખાનગી ડોકટરની પણ સંડોવણી?!

મેડિકલ ક્ષેત્રના પાંચથી સાતની સાંઠગાંઠ ખુલવાની શકયતાઃ તપાસનો ધમધમાટઃ સાંજ સુધીમાં મોટી વિગતો બહાર આવશે

રાજકોટ તા. ૨૯: કોરોના મહામારી પછી હવે ગુજરાતમાં અને તેમાં પણ સોૈરાષ્ટ્રમાં સોૈથી વધુ ડરાવતો હોય તો એ છે મ્યુકર માયકોસીસ રોગ. આ રોગના સોૈથી વધુ એટલે કે ૬૦૦થી વધુ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને બીજા આવા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. અગાઉ કોરોનાની મહામારીમાં કોવિડના દર્દીને સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર લેભાગુઓ કરી લેતાં હતાં. શહેર પોલીસે ગયા વર્ષે આવુ મોટુ કોૈભાંડ ઝડપી લઇ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અને મેડિકલ સ્ટોરના સંચાલકો, નર્સિંગ સ્ટાફ સહિતને દબોચી લીધા હતાં. ત્યાં હવે મ્યુકર માયકોસીસની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેકશનના પણ કાળાબજાર કરીને અમુક તકસાધુઓ રોકડી કરી રહ્યા છે. શહેર પોલીસની એસઓજી ટીમને આ અંગેની પાક્કી માહિતી મળતાં આવા ઇન્જેકશનના કાળાબજારનો પર્દાફાશ થાય તેવી શકયતા છે. જેમાં ખાનગી ડોકટર અને મેડિકલ ફિલ્ડમાં સંકળાયેલા લોકો સંડોવાયા હોવાની પણ શકયતા છે.

મ્યુકર માયકોસીસની સારવારમાં ઉપયોગી ઇન્જેકશનની ખુબ જ અછત થઇ જતાં અને દર્દીઓ પણ સતત વધી જતાં સરકારે રાજકોટમાં આ સારવાર માટેના ઇન્જેકશનનું વિતરણ અગાઉની જેમ કલેકટર તંત્રને સોંપ્યું હતું. અગાઉ કલેકટર તંત્રએ ચોૈધરી હાઇસ્કૂલ ખાતે મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવિર ઇન્જેકશનનો ડેપો ખોલી કાળાબજારીયાઓ પર લગામ લગાવી દીધી હતી. એ જ રીતે હવે મ્યુકર માયકોસીસના ઇન્જેકશન પણ અહિથી જ મેળવી શકાય છે.

મ્યુકરના દર્દીઓને આપવામાં આવતાં ઇન્જેકશનના કાળા બજાર થઇ રહ્યાની પાક્કી માહિતી એસઓજીના પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમને મળતાં આ અધિકારીઓ અને ટીમના ચુનંદા જવાનોએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને આ મામલે મહત્વની કડી મળી જતાં આવા ઇન્જેકશનના કાળા બજાર કરનારાઓને વીણી વીણીને સાણસામાં લેવા દોડધામ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે અમુક ખાનગી ડોકટરની પણ કાળા બજારમાં સંડોવણી ખુલી શકે તેમ છે. આ ઉપરાંત મેડિકલ ફિલ્ડમાં સંકળાયેલા પાંચ છ કે તેવી વધુ શખ્સો પણ આ કારસ્તાનમાં સામેલ હોઇ શકે છે. સાંજે અથવા આવતી કાલે આ કોૈભાંડમાં એસઓજી મોટા ધડાકા કરે તેવી શકયતા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે રેમડેસિવીર ઇન્જેકશનના કાળા બજારનું કોૈભાંડ પકડી લેવાયું હતું. આ કામગીરીની હાઇકોર્ટએ પણ પ્રસંશા કરી હતી. આ અધિકારીઓની રાહબરીમાં હવે એસઓજીની ટીમે મ્યુકર માયકોસીસની સારવારમાં વપરાતા ઇન્જેકશનના કાળા બજારનું કારસ્તાન ઝડપી લીધું છે.

(4:35 pm IST)